Western Times News

Gujarati News

જુહાપુરામાં ગેંગવારઃ યુવકને ગંભીર ઈજા

સશસ્ત્ર  ટોળાએ આતંક મચાવ્યોઃ રેસ્ટોરન્ટમાં ઘુસી તોડફોડ કરી : પોલીસનો ચાંપતો બંદોબસ્તઃ કોઈપણ સમયે હિંસક લોહીયાળ જંગ  ખેલાય એવી નાગરીકોમાં દહેશતઃ  આરોપીઓને ઝડપી લેવા પોલીસ ટીમો સક્રિય

(પ્રતિનીધિ દ્વારા) અમદાવાદ: શહેરમાં કાયદાની ઐસીતૈસી કરીને પોતાની ધાક જમાવવા ફરતા સ્થાનિક લુખ્ખા તત્ત્વો  જાણે કે બેફામ બન્યા છે. અને છાશવારે ટોળકીઓ બનાવીને તલવારબાજી અને છુરાબાજી કરીને આતંક મચાવતા હોય છે. મોટાભાગના વિસ્તારોમાં આવા ગુંડાઓ વર્ચસ્વ જમાવવા માટે લડાઈઓ કરતા હોય છે. અવારનવાર થતી આવી ગેગવોરના પગલે હવે પ્રજા પણ પરેશાન થઈ છે.

જા કે પોલીસ હમેશની જેમ એફઆઈઆર લખીને સંતોષ માની રહી છે. વારંવાર કાયદો હાથમાં લેતા અસામાજીક તત્ત્વોની અટકાયત બાદ તેમને છોડી દેવાતા ફરીથી આ શખ્સો ગેંગવાર ઉપરાંત નાગરીકો ઉપર ધોંસ જમાવવાની પ્રવૃતિઓ શરૂ કરી દે છે. આ સ્થિતિમાં  ફતેહવાડી વિસ્તારમાં આતંક ફેલાવતા સ્થાનિક લુખ્ખાઓ કાલુ ગરદન તથા સુલતાન વચ્ચે ફરી એકવાર ગેગવોર ફાટી નીકળી છે. જેમાં એક વ્યક્તિને  ગંભીર ઈજાઓ થઈ છે.

જ્યારે હુમલાખોર કાલુની ગેંગથી બચવા સુલતાનના માણસો ભાગી છુટ્યા છે. ઉપરાંત, આ માથાભારે કાલુ ગરદનના માણસો જુહાપુરામાં એક રેસ્ટોરન્ટમાં પણ તલવારો સાથે ઘુસી જઈને તોડફોડ કરી હોવાનું બહાર આવ્યુ છે. હથિયારબધ્ધ ટોળાએ મારવાની અને કાપવાની ધમકીઓ આપતાં રેસ્ટોરન્ટમાં પણ નાસભાગ મચી જવા પામી છે.

જુહાપુરામાં છેલ્લા કેટલાંક સમયથી મોહમ્મદ શરીફ ઉર્ફે કાલુ ગરદન અને સુલતાન વચ્ચે લડાઈ ચાલી રહી છે. તથા બંન્ને વચ્ચે અવારનવાર હિંસક અથડામણો પણ થતી રહે છે. જેને પગલે જુહાપુરા ફતેહવાડી વિસ્તારના નાગરીકો પણ ડરના માહોલમાં જીવી રહ્યા છે. મંગળવારે મોડી રાત્રે પણ ફતેહવાડી વિસ્તારમાં બંન્ને વચ્ચે ગેગવોર થઈ હતી.

ગઈકાલે મોડીરાત્રે કાલુ ગરદન ઉર્ફેે મહમ્મદ શરીફ પોતાના સાગરીતો સાથે હથિયારબધ્ધ એક કારમાં જુહાપુરા ચાર રસ્તા ખાતે આવ્યો હતો. અને સાગર ફ્રાય સેન્ટર નામની રેસ્ટોરન્ટમાં ઘુસી જઈને પોતાના સાગરીતો સરફરાઝ ઉર્ફેે પલપલ, ઈરફાન ઉર્ફેે મોગલી અને ઝભ્ભા સાથે ટેબલો તથા ખુરશીઓમાં તલવારો મારીને ગાળો બોલી દુકાન બંધ કર દો વરના તુમકો કાટ દુંગા જેવી બુમો પાડીને ડરનો માહોલ ઉભો કર્યો હતો.

જેથી ત્યાં બેઠેલા ગ્રાહકો અને રાહદારીઓ પણ ગભરાઈને ભાગાભાગ કરી મુકી હતી. આ ઘટના બાદ કાલુ ગરદન તેના સાગરીતો સાથે ફતેહવાડના નસીમ પાર્લર ખાતે પહોંચ્યો હતો. જ્યાં જતાંવેંત જ સુલતાનના સાગરીત સમીર પેંદીનું નામ લઈને ગાળો બોલવા લાગ્યો હતો. તથા પોતાના સાગરીતો સાથે તલવારો અને છરીઓ લઈ સમીર પેંદીને મારવા જતાં સમીર અને તેના સાગરીતો ત્યાંથી નાસી છુટ્યા હતા.

જેથી કાલુએ ત્યાં ઉભા રહેલા અનિસ રહેમાનભાઈ શેખ ( ઉ.વ.૧૯ રહે. જુહાપુરા) ને પકડી લીધો હતો અને પેટમાં છરીઓ મારી દીધી હતી. ઉપરાંત, તેના માથા તથા શરીરના અન્ય ભાગો પર પણ તલવારોના ઘા મારતા અનિશ ગંભીર રીતે ઘવાઈને લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. બાદમાં કાલુ તેના સાગરીતો સાથે ત્યાંથી ફરાર થઈ જતાં અનિસનો મિત્ર સમીર તેને રીક્ષામાં નાંખીને એસવીપી-(નવી વી.એસ.)ે હોસ્પીટલ ખાતે લઈ ગયો હતો.

આ ઘટના બાદ જુહાપુરામાં મર્ડર થયુ હોવાની અફવા ફેલાઈ હતી. જ્યારે જાણ થતાં જ વેજલપુર પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જા કે ત્યાં સુધીમાં તો તમામ હુમલાખોરો ભાગી છૂટ્યા હતા. બાદમાં સાગર ફ્રાય સેન્ટરનામેનેજર તથા ઈજાગ્રસ્ત અનિશ ના પિતાએ ફરીયાદ નોંધાવતા પોલીસે મારામારી- જાનથી મારી નાંખવાની ધમકીઓ તથા હત્યાના પ્રયાસની કલમો લગાવીને બે ફરિયાદ નોંધીને કાલુને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

અત્રે ઉલેખનીય છે કે અગાઉ પણ કાલુનું નામ વારંવાર સામ આવ્યુ છે તેમ છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા હોવાથી તે બેફામ બની ગયો છે. કાયદાને ખિસ્સામાં લઈને ફરતા કાલુ અને તેના જેવા અન્ય ગુંડાઓ પણ હવે સ્થાનિક વિસ્તારોમાં ભયનો માહોલ સર્જીને હિંસક હુમલા કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.