જુહાપુરામાં ગેરકાયદેસર વીજ કનેકશન મામલે મોટું સર્ચ ઓપરેશન
ડિસીપી ઝોન ૭ તથા ટોરેન્ટ પાવરની ટીમની સંયુક્ત કાર્યવાહી
(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરમાં વીજચોરીની ફરીયાદો બહાર આવતા ડીસીપી ઝોન ૭ ની ટીમ તથા ટોરેન્ટ પાવરની ટીમે એક સાથે જુહાપુરા વિસ્તારમાં મોટુ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું વીજ ચોરીને લઈને કરવામાં આવેલી કાર્યવાહીમાં જુહાપુરાના કુખ્યાત શખ્સોના નામ પણ બહાર આવ્યા છે.
આ અંગેની વિગત એવી છે કે જુહાપુરા વિસ્તારના કેટલાય ઘરોમાં ગેરકાયદેસર વીજ કનેકશન આપવામાં આવે છે અને અમાપ વીજળી વાપરવા છતાં મહીને ચોક્કસ ભાડું આપવામાં આવે છે જેની વારંવાર ફરીયાદો બહાર આવવાથી ગુરૂવારે સવારે ડિસીપી ઝોન ૭ સાથે સ્થાનિક પોલીસની ટીમ તથા ટોરેન્ટ પાવરના અધિકારીઓએ સાથે મળીને જુહાપુરામાં મોટી માત્રામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું આ ઓપરેશનમાં કુલ પચાસ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ જાેડાયા હતા જેમણે ગેરકાયદેસર જાેડાણ કરનાર શખ્સોને ત્યાં રેડ પાડી હતી આ સમગ્ર સર્ચ ઓપરેશન દરમિયાન વીજ ચોરીમાં મુખ્ય બે જુહાપુરાના કુખ્યાત શખ્સો કાલુ ગરદન, સુલતાનખાન પઠાણ અને નજીક વોરા સંકળાયેલા હોવાનુ સુત્રોએ જણાવ્યું હતું ઉપરાંત નજીર વોરાના ઘરેથી સાતથી આઠ જેટલા એસી પણ મળી આવ્યા હતા.
વહેલી સવારથી જ મોટી સંખ્યામાં પોલીસને જાેઈને સ્થાનિક રહીશોમાં પણ ભય સાથે આશ્ચર્યની લાગણી ફેલાઈ હતી. આ ઘટના બાદ ટોરેન્ટની ટીમ દ્વારા કનેકશન કાપવાની તથા દંડ વસુલવાની કાર્યવાહી કરવામાં આવી હતી જયારે પોલીસે પણ જવાબદાર શખ્સો વિરુધ્ધ ફરીયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે ભુતકાળમાં જુહાપુરા ઉપરાંત શાહપુર અને જમાલપુર જેવા વિસ્તારોમાંથી વીજ ચોરીની ફરીયાદને આધારે કાર્યવાહી કરવામાં આવતા અધિકારીઓ પર હુમલાઓની ઘટના પણ બહાર આવી છે.