જુહાપુરામાં ત્રણ વખત તલાક બોલી પત્નિને કાઢી મુકતા પોલીસ ફરિયાદ
સાસરિયાઓએ યુવતિના ઘરે જઈ હુમલો કરતા બે ને ઈજા
(પ્રતિનિધિ) અમદાવાદ: કેન્દ્ર સરકારે ત્રિપલ તલાક બિલને સંસદમાં પસાર કરી તેને કાયદો બનાવતા હવે ત્રિપલ તલાક આપતા પતિ વિરૂધ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ પરિસ્થિતિમાં શહેરના જુહાપુરા ફતેહવાડી પાસે રહેતા એક યુવકે પોતાની પત્નિને ત્રણ વખત તલાક બોલી ઘરમાંથી કાઢી મુક્યા બાદ પરિણીતાના ભાઈ ઉપર પણ હુમલો કરતા આ અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના જુહાપુરા વિસ્તારમાં ફતેહવાડી ફારુકી આઝમ સ્કુલની બાજુમાં બાગે બદર રો હાઉસમાં રહેતા નદીમબેગ હબીબબેગ મીરજાના લગ્ન આશીયાબાનુ સાથે થયા હતા આશીયાબાનુ ઘરકામ કરે છે જયારે તેનો પતિ ઈલેકટ્રોનિકસની દુકાન ધરાવે છે. લગ્ન બાદ પ્રારંભમાં તેને સાસરિયાઓ દ્વારા સારી રીતે રાખવામાં આવી હતી.
પરંતુ થોડા સમયમાં જ પતિ નદીમબેગ નાની નાની વાતોમાં બોલાચાલી કરવા લાગ્યો હતો અને ઝઘડો પણ કરતો હતો આ ઉપરાંત સાસુ અખ્તરબાનુ પણ તેની સાથે ઝઘડો કરતા હતા અને પિયર જવાનું કહે ત્યારે તેને અટકાવી મારમારતા હતાં
એટલું જ નહી પરંતુ પિતાના ઘરે ફોન કરે તો પણ ફોન કરવાની ના કહી દેતા હતાં અને અવારનવાર ઝઘડો કરતા હતાં. સસરા પણ તેને સાથ આપતા હતાં. સાસરિયાઓ દ્વારા અવારનવાર મારઝુડ કરવામાં આવતી હતી જેના પગલે પરિણીતા માનસિક રીતે ત્રસ્ત બની ગઈ હતી.
પતિ નદીમબેગને કોઈ યુવતિ સાથે અફેર હોય તેવી આશંકા પણ તેને જતી હતી અને આખો દિવસ તે ફોન પર વ્યસ્ત જાવા મળતો હતો તા.૧૩.૧ર ના રોજ સસરાએ તેના પિતાને ઉછીના રૂ.પ૦ હજાર આપ્યા હતા તે લઈ આવવા જણાવ્યું હતું.
પરંતુ તેના પિતા પાસે હાલ પૈસા ન હોવાથી આપી શકે તેમ નથી તેવું કહેતા જ પતિ તથા સાસુ સસરા ઉશ્કેરાઈ ગયા હતાં અને બોલાચાલી કરી ઝઘડો કરવા લાગ્યા હતાં અને કહયું હતું કે હવે તને ઘરમાં રાખવી નથી
ત્યારબાદ પણ સતત તેના ઉપર ત્રાસ ગુજારવામાં આવતો હતો. આ દરમિયાન પતિએ સ્પષ્ટપણે કહી દીધુ હતું કે મારે તને રાખવી નથી અને ત્રણ વખત તલાક બોલી પહેરેલે કપડે ઘરમાંથી કાઢી મુકી હતી જેના પરિણામે પરિણિતા ખૂબ જ માનસિક રીતે ત્રસ્ત બની ગઈ હતી અને પિતાના ઘરે જતી રહી હતી.
આ દરમીયાનમાં ગઈકાલે તા.૧૭મીના રોજ બપોરે ૧ર.૦૦ વાગ્યે પરિણીતાના ફઈ સબાનાબાનુનો ફોન તેની સાસુ અખ્તર બાનુને કર્યો હતો
પરંતુ સાસુએ ના પાડી હતી આ દરમિયાનમાં પરિણિતાનો ભાઈ અતીક તેની બહેનના કપડા લેવા માટે ગયો હતો આ સમયે પતિ નદીમ મીરજા તથા સસરા હબીબ મીરજા તથા સાસુ અખ્તર મીરજા તથા જેઠ નફીસ મીરજાએ બોલાચાલી કરી હતી અને ગડદાપાટુનો માર માર્યો હતો.
પરંતુ તે ત્યાંથી ઘરે પરત ફર્યો હતો આ દરમિયાનમાં આ તમામ લોકો અમારા ઘરે આવ્યા હતા અને બોલાચાલી કરી અતિકને છરીનો ઘા માર્યો હતો તથા પરિણીતાની માતા ઉપર પણ હુમલો કર્યો હતો આ દરમિયાનમાં મોટુ ટોળુ એકત્ર થઈ ગયું હતું અને પોલીસને પણ જાણ કરી હતી. પોલીસ આવી પહોંચે તે પહેલા જ તમામ લોકો ભાગી ગયા હતાં અને ૧૦૮ને બોલાવી અતીક અને માતા સાયદાબાનુને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી આમ લગ્નના છ માસમાં જ પત્નિને તલાક તલાક કહી ઘરમાંથી કાઢી મુકતા આખરે પરિણિતાએ પતિ, સાસુ સસરા અને જેઠ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા વેજલપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.