જૂનાગઢના નરસિંહ મહેતા તળાવમાં હજારો માછલીઓના મોત
જૂનાગઢ, જૂનાગઢ શહેરની મધ્યમા આવેલા નરસિંહ મહેતા તળાવમા હજારો માછલીઓના મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. નરસિંહ મહેતા તળાવમા આજે વહેલી સવારે ઓવરફલો પાણીમા હજારો માછલીઓ મૃત હાલતમાં જોવા મળતા જીવદયા પ્રેમીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ ને પણ જાણ કરી હતી તે છતાં કોઈ ફરકયુ ના હતું. જીવદયા પ્રેમીઓએ આક્ષેપ કરતા કહ્યું છે કે,બાજુ મા પેટ્રોલ પંપ આવેલો છે તેના ટાંકામાંથી પેટ્રોલ કે ડીઝલ છોડાતા પાણી પ્રદુષિત થતા માછલીઓના મોત થયા છે. વધુમા તેમણે જણાવ્યું હતું કે, થોડા દિવસો પહેલા જ અમે ગેરકાયદેસર માછીમારી કરતા લોકોને માછીમારી કરતા રોક્યા હતા.
તળાવમાં માછીમારી થતી હોવાનું પણ કોર્પોરેશનનુ ધ્યાન દોર્યું હતુ. પરંતુ કોર્પોરેશન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. નરસિંહ તળાવમાં આજે કેમિકલ પેટ્રોલ કે ડીજલને કારણે માછલીઓ મોતને ભેટી છે. મહત્વનું છે કે, નરસિંહ મહેતા સરોવરમાં ગઇકાલે સવારના સમયે એક લાંબો સાપ કિનારે આવી ગયો હતો. રસ્તેથી પસાર થતા લોકોની નજર પડી જતાં લોકો તેને જોવા ઉભા રહી ગયા હતા.