જૂનાગઢમાં નજીવી બાબતમાં ધીંગાણું, ટોળાએ તોડફોડ કરી
જૂનાગઢ, જૂનાગઢના ઢાલ રોડ પર આવેલી એક દુકાનમાં ગઈકાલે મોટી સંખ્યામાં ધસી આવેલા ટોળાએ આતંક મચાવ્યો હતો. નજીવી બાબતમાં થયેલી તકરારમાં ધીંગાણું સર્જાયું હતું. ઘટનાનો સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મારામારીના દૃશ્યો સામે આવ્યા હતા. આ મામલે ૩૦થી વધુ શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
બનાવની વિગતો એવી છે કે જૂનાગઢના અતિ હાર્દ સમા એવા ઢાલ રોડ પર આવેલી જનતા એગ્સ દુકાન પર કેટલાક ઈસમોએ મારક હથિયારો સાથે હુમલો કર્યો હતો. આ હુમલામાં ૩ જેટલા લોકોને ઈજા પહોંચી હતી જ્યારે દુકાનમાં તેમજ આસપાસના વાહનોમાં નુકસાન થયું હતું. બનાવની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો.
જાેકે, ઘટનાના સીસીટીવી સામે આવતા તેમા બે ટોળા સામસામે ઝઘડતા જાેવા મળ્યા હતા.પ્રાપ્ત વિગતો મુજબ જનતા એગ્સમાં અગાઉ કામ કરતો રિયાઝ બેલીમ નામનો શખ્સ ત્યાં કામ કરતા માણસોને દુકાનની નોકરીમાંથી છૂટા થવા માટે દબાણ કરતો હતો. આ શખ્સને આવું ન કરવા માટે ફરિયાદીના પુત્ર સાહીલે જણાવ્યું હતું.
જાેકે આ મામલે ફરિયાદીના પુત્રની વાતથી ખફા થયેલા રિયાઝે ગાળાગાળી કરી હતી. આરોપી રિયાઝ ગેરકાયદેસર મડળી રચી અને ફરિયાદીની દુકાને હથિયારો સાથે ધસી આવ્યો હતો. રિયાઝે દુકાનમાં તોડફોડ કરી અને ભયનો માહલો ઉભો કર્યો હતો. આ ઘટનામાં ૩ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી.