જૂનાગઢમાં ૧૫મી ઓગસ્ટને લઈને તંત્ર દ્વારા તૈયારી શરૂ

દેશભક્તિથી તરબોળ સાંસ્કૃતિક કાર્યક્રમોની તૈયારી શરૂ-જૂનાગઢ શહેરમાં પ્રવેશતા માર્ગો ઉપર સઘન પોલીસ બંદોબસ્ત સાથે વાહન ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે
જુનાગઢ, ૧૫ ઓગસ્ટ રાજ્ય કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી જૂનાગઢ ખાતે થવાની છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શહેરના બિલખા રોડ પર પીટીસી ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે.
જેમાં પરેડ સહીત પોલીસ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવશે અને કૃષિ યુનિ ખાતે સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં સાત જિલ્લાના ૧૫૦ જેટલા કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરશે. ૧૫ ઓગસ્ટને લઈને જિલ્લા પોલીસ દ્વારા ચેક પોસ્ટ ઉભી કરાય છે,
શહેરમાં પ્રવેશતા માર્ગો પર સઘન પોલીસ બંદોબસ્ત સાથે વાહન ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે. ૧૫ ઓગષ્ટ રાજ્ય કક્ષાના ૭૫ મા સ્વતંત્રતા પર્વની જૂનાગઢમાં ઉજવણી થવાની છે. જેમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી સહીતના મહાનુભાવોની ઉપસ્થિતિ હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરજાેશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે.
પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ધ્વજવંદન કરશે. પોલીસ પરેડ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ, લેઝીમ નૃત્ય, ડોગ શો, બાઈક સ્ટંટ સહિતના કાર્યક્રમો પ્રસ્તુત થશે. સાથે જ સ્વતંત્ર સેનાનીઓનું પણ સન્માન થશે.
આ સમયે એરફોર્સ દ્વારા હેલીકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવશે અને કોરોનામાં અનાથ થયેલા બાળકો તેના પાલક વાલીઓ સાથે સામેલ થશે. ગુજરાત પોલીસના બે મોટા પ્રોજેક્ટનું લોકાર્પણ થશે, જેમાં ૧૦ હજાર બોડી ઓન કેમેરા અને ૧૫ ડ્રોન કેમેરાનો સમાવેશ થાય છે.
સ્વતંત્રતા પર્વની ઉજવણીને લઈને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ જિલ્લા પોલીસ દ્વારા શહેરમાં પ્રવેશમાર્ગો પર ચેક પોસ્ટો ઉભી કરવામાં આવી છે અને પોલીસ બંદોબસ્ત, પેટ્રોલિંગ તથા વાહન ચેકીંગ સહીતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે થતી કાર્યવાહીમાં લોકોને સહકાર આપવા અપીલ કરાઈ છે.
સ્વતંત્રતા પર્વની પૂર્વસંધ્યાએ કૃષિ યુનિ. ખાતે એટહોમ કાર્યક્રમ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. તારા નામમાં ઓ સ્વતંત્રતાની થીમ પર દેશભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.