જૂનાગઢ કૃષિ યુનિ.નો ૧૭મો વાર્ષિક પદવીદાન સમારંભ સંપન્ન
રાસાયણિક કૃષિના દુષ્પરિણામો સામે આત્મમંથન કરવાની જરૂરઃ પ્રાકૃતિક કૃષિ રાષ્ટ્રના વિકાસમાં નવી ક્રાંતિ લાવશે- રાજ્યપાલ
(માહિતી) ગાંધીનગર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ૧૭ મો વાર્ષિક પદવીદાન સમારંભ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલની વર્ચુયલ ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં યુનિ.ના કુલ ૪૯૮ વિદ્યાર્થીઓને પદવી તથા કુલ ૬૦ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે જણાયું હતું કે, પ્રાકૃતિક કૃષિ રાષ્ટ્રના કૃષિ વિકાસમાં નવી ક્રાતિ લાવશે.તેમણે ઉમેર્યુ હતું કે, જળ, જમીન અને પર્યાવરણની રક્ષા થશે. દેશી ગાયનું જતન સંવર્ધન થશે. પાણીની બચત થશે, ઓછા કૃષિ ખર્ચથી વધુ ઉત્પાદન લઇ શકાશે.
એટલુ જ નહીં લોકોને અસાધ્ય બિમારી સામે રક્ષણ મળી શકશે. જમીન અને માનવીના સ્વાસ્થ્યની રક્ષા માટે પ્રાકૃતિક કૃષિ જ શ્રેષ્ઠ માર્ગ છે. રાજ્યપાલશ્રીએ કૃષિ વિશ્વ વિદ્યાલયોના કૃષિ વૈજ્ઞાનિકોને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સંશોધનો માટે આગળ આવવા આહવાન કરી જણાવ્યું હતું કે, વૈજ્ઞાનિકોના જુદા જુદા સંશોધનોથી પ્રાકૃતિક કૃષિને નવુ બળ મળશે.
જેનાથી ખેતી, ખેડૂત અને સમાજનું ભલુ થશે. રાજ્યપાલશ્રીએ કૃષિ યુનિ.ના પદવી પ્રાપ્ત કૃષિ સ્નાતકોને કૃષિ ક્ષેત્રે નૂતન ચિંતન દ્વારા કૃષિ જ્ઞાનનો રાષ્ટ્ર કલ્યાણ માટે અને સમાજના ઉત્કર્ષ માટે ઉપયોગ કરવા સંકલ્પબધ્ધ થાય તેવી શીખ પણ આપી હતી.
આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ તૈતરીય ઉપનીષદમાં ગુરૂ દ્વારા શિષ્યોને આપવામાં આવતા દિક્ષાંત ઉપદેશ પ્રસ્તુત કરતા જણાવ્યું હતું કે, પદવી ધારકો સત્યના માર્ગે કર્તવ્ય ધર્મનું પાલન કરે, હ્રદયમાં વિદ્યાર્થી ભાવને સદાય જાગૃત રાખી પોતાના જ્ઞાનને સતત અપડેટ કરી, રાષ્ટ્ર કલ્યાણ માટે યુવા સ્નાતકો પ્રવૃત થાય તેઓ અનુરોધ પણ રાજ્યપાલશ્રીએ આ તકે કર્યો હતો.
રાજ્યપાલશ્રીએ આપણા પરંપરાગત બીજનું જતન સંવર્ધન કરવા કૃષિ વિશ્વ વિદ્યાલયોને અનુરોધ પણ કર્યો હતો.
આ તકે કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી રાઘવજી પટેલે ડિગ્રી ધારકોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, તેમણે પ્રાપ્ત કરેલ જ્ઞાન અને તકનીકીનો કૃષિ અને શ્રમજીવી કૃષિકારના સર્વાગી વિકાસમાં ઉપયોગ કરી સમાજ, રાજ્ય અને દેશ પ્રત્યેનું રૂણ તેમજ જવાબદારી અદા કરવા આહવાન કર્યું હતું.
આ પ્રસંગે આઇઆઇટી ખડકપુરના ડાયરેક્ટરશ્રી ડો.વી.કે.તિવારીએ યુવા સ્નાતકોને ભારત સરકારશ્રી દ્વારા કાર્યરત કરવામાં આવેલ વિવિધ કાર્યક્રમો, યોજનાઓથી માહિતગાર કર્યા હતા તેમજ યુવાનોને પ્રોત્સાહિત કરતા કહયુ કે,નવી શિક્ષણ નીતિ ૨૦૨૦થી આપણે વધારે આર્ત્મનિભર બનીશું.
કૃષિની બધી વિદ્યા શાખાઓએ સાથે મળી સંશોધન કરી અને સર્વાગી કૃષિ વિકાસ માટે પ્રયત્નશીલ થવાનું છે. જૂનાગઢ કૃષિ યનિવર્સિટી આ માટે ઘણુ કરી રહી છે. અન્નદાતા ખેડૂતોની કૃષિ વધારે ઉન્નત બને તે માટે નાવીન્ય પૂર્ણ સંશોધનની જરૂર છે અને તેને નાના ખેતરોમાં પણ કામ લાગે તેવી ટેક્નોલોજી વિકસાવવાની જરૂર છે.
ખેડૂતોના પ્રશ્નોનો ઉપાય લાવે તેવી ટેકનોલોજી આપણે વિકસીત કરવી પડશે. કેનાલ પર સોલાર મુકવાનો ગુજરાતનો પ્રયોગ ખરેખર અભિનંદનીય છે. જૂનાગઢ કૃષિ યુનિ. એ ઘણી નવીનવી જાતો વિકસાવી છે. જેને લીધે આવકને બમણી કરવાના વડાપ્રધાનના સંકલ્પને ખરેખર ખુબ બળ મળશે તેમ શ્રી તિવારીએ ઉમેર્યુ હતુ.
જૂનાગઢ કૃષિ યુનિ.ના કુલપતિ ડો. એન.કે.ગોટીંયાએ સ્વાગત પ્રવચન અને યુનિવર્સિટીની સિદ્વિઓ, કામગીરીથી સૌને અવગત કર્યા હતા.
આ પ્રસંગે કૃષિ, બાગાયત, કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી, મત્સ્યવિજ્ઞાન તથા એગ્રી-બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખાના સ્નાતક તેમજ અનુસ્નાતક કક્ષાના કુલ-૪૯૮ વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત, શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ ગુણાંક મેળવનાર શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને કુલ-૬૦ ગોલ્ડ મેડલ તથા એક કેશપ્રાઇઝ અપાયા હતા. આ પ્રસંગે શ્રેષ્ડ શિક્ષક તરીકે એન.બી.જાદવ, ડો.પી.આર.દાવડા, ડો.કલ્પેશ કુમારને સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં આભારવિધિ રજિસ્ટ્રાર કે.સી.પટેલે કરી હતી.