જૂનાગઢ પોલીસ દ્વારા શિવરાત્રી મેળામાં જડબેસલાક બંદોબસ્ત માટે તૈયારીઓ શરૂ

(પ્રતિનિધિ) માણાવદર, જૂનાગઢ ખાતે તાજેતરમાં યોજાનાર શિવરાત્રી મેળામાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આવતા હોઈ તેમજ આ મેળામાં મહાનુભાવો હાજર રહેતા હોઈ, જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનિંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ, બંદોબસ્ત માટે આગોતરું આયોજન કરી, તૈયારીઓ શરૂ કરવામાં આવેલ છે.
આગામી શિવરાત્રી મેળામા બંદોબસ્તના આયોજન માટે જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, લોકલ ઇન્ટેલિજન્સ બ્રાન્ચના પીઆઇ એન.આર.પટેલ, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એમ.વાઢેર, બી ડિવિઝન પોલોસ સ્ટેશનના પીઆઇ આર.એસ.પટેલ, ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.સી.ચુડાસમા, ટ્રાફિક બ્રાન્ચના પીએસઆઇ પી.જે.બોદર, સહિતના પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મોબાઈલ ચોર અને ખિસ્સા કાતરુને પકડી પાડવા તેમજ આવા ગુન્હાઓ અટકાવવા ખાસ એક્શન પ્લાન હાથ ધરવામાં આવેલ છે.
આ મેળા બંદોબસ્તની તૈયારીના ભાગરૂપે મેળાની ભીડમાં ચોરી, પિક પોકેટિંગ, છેડતી, કેફી પીણું પી ને ફરતા લુખ્ખા તત્વો, વિગેરે જેવા બનાવો રોકવા તેમજ ગુન્હેગારોને ઓળખવા ક્રાઇમ બ્રાન્ચ તથા એસ.ઓ.જી. તેમજ ડી સ્ટાફના માણસોને ખાસ સાદા કપડામાં તૈનાત કરી, ગુન્હેગારો ઉપર વોચ રાખવા ખાસ વ્યવસ્થા કરવામાં આવનાર છે.
ઉપરાંત આવા આવારા તત્વો તથા ગુન્હેગારો ઉપર નજર રાખવા બહારના જિલ્લાઓની ક્રાઇમ બ્રાન્ચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના માણસોને પણ ખાસ ફરજ ઉપર બોલાવવામાં આવેલ છે. વધુમાં, ભૂતકાળમાં પિક પોકેટિંગ અને મોબાઈલ ચોરી કરતા પકડાયેલા આરોપીઓના ફોટાઓના મોટા મોટા હોર્ડિંગ્સ અને પોસ્ટર લગાડી, લોકોને સાવચેત રહેવા જાગૃતિ લાવવા પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.