જૂનાગઢ મહાશિવરાત્રીઃ ૭ દિવસ ભજન-ભોજન તેમજ ભકિતનો દરિયો ઘુઘવાશે
મહાશિવરાત્રિ તહેવારને લઇ જૂનાગઢમાં ભવ્ય આયોજનો
અમદાવાદ, કબીર કહે કમાલ કો દો બાતા સીખ લે, કર સાહેબ કી બંદગી ઔર ભુખે કો અન્ન દે એ પંકિતને સાચા અર્થમાં ચરિતાર્થ કરતું આપાગીગાની જગ્યા-સત્તાધારધામ તેમજ આપાગીગાનો ઓટલો-ચોટીલા દ્વારા અવારનવાર વિવિધ પ્રકારની ધાર્મિક અને સેવાકીય પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ ગરવા ગીરનારની ગોદમાં મહાશિવરાત્રીના પાવનપર્વ નિમિતે જૂનાગઢ ખાતે ૧૮ વરણના લોકોની શ્રધ્ધા અને આસ્થા સમાન આપાગીગાના ઓટલા દ્વારા જાહેરજનતા માટે જાહેર અન્નક્ષેત્ર સહિતના ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
દરેક સમાજના દરેક લોકોને પ્રસાદ લેવા માટેનું જાહેરાત જનતાને હ્વદય પૂર્વકનું જૂનાગઢ ખાતે મહાશિવરાત્રીના પાવનપર્વ નિમિતે જાહેર અન્નક્ષેત્ર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર દેશભરમાંથી સાધુ સંતો, મહંતો, મહામંડલેશ્વર તેમજ લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુ લોકો અહીંયા પુણ્યનું ભાથુ બાંધવા માટે અહીં ઉમટશે.
ઉલ્લેખનીય છે કે, ઐતિહાસિક અને અનન્ય મહાત્મ્ય ધરાવતા ગીરીવર ગરવો ગઢ ગીરનાર, ગીરનારમાં જયાં તેંત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે. નલનાથ, ૮૪ સિધ્ધ, ૬૪ જોગણીઓ અને જેનાં શિખરો પર ગુરૂ ગોરખનાથ, ગુરૂ દતાત્રેયનાં પગલાં છે અને જયાં સાક્ષાતમાં જગદંબા માતાજી બિરાજમાન છે એવા પાવન પવિત્ર ગીરનારની ગોદમાં જૂનાગઢ વસેલું છે. આ ગીરનાર ક્ષેત્રમા જયાં સાક્ષાત ભોળાનાથ પધારે છે તે મહાશિવરાત્રીના મેળા દરમ્યાન જયાં ભજન, ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ સર્જાય છે.
ત્યાં સતાધાર આપાગીગાની જગ્યા અને આપાગીગાનો ઓટલો દ્વાર પરમ પૂજય સદગુરૂ દેવ જીવરાજ બાપુ શામજીબાપુના આર્શીવચનથી અઢારે વરણના દરેક સમાજના લોકો માટે જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર જાહેર અન્નક્ષેત્ર તથા સંતવાણીના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં આપાગીગાના ઓટલા દ્વારા આ વખતે તા.૧૫-૨-૨૦૨૦ શનિવારથી જ ઉપસ્થિત મહા મંડલેશ્વર, સાધુ-સંતો, મહંતો અને મહાવિભૂતિઓના હસ્તે ઉદ્ઘાટન કરાશે.
આ પ્રસંગે આપાગીગાના જાહેર અન્નક્ષેત્રનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. જેની ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમસ્ત જૂનાગઢ શ્યામધામ મધુરમ ટીંબાવાડી તેમજ જૂનાગઢ શહેરના તેમજ જીલ્લાના અને ગ્રામ્ય વિસ્તારના ગુર્જર ક્ષત્રિય કડીયા રાજકોટ શહેરના કાર્યકર્તાઓ દ્વારા જારશોરથી તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે.
આ સમગ્ર મહોત્સવ દરમ્યાન દરરોજ રાત્રીના નામી અનામી કલાકારો દ્વારા ભજન અને સંતવાણીના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાધુ-સંતો મહંતો આશીર્વચન પાઠવશે તેમજ મહાશિવરાત્રીના શુભ દિને દરેક લોકો માટે સમગ્ર દિવસ દરમ્યાન ફરાળ રૂપી મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવશે.
મહાશિવરાત્રિના આ ભવ્ય મેળાનો લાભ લેવો મહામૂલો અવસર છે ત્યારે તમામ ભાવિક ભકતજનો, માતાઓ, બહેનો, વડીલો, બાળકો, યુવાનોને ભોજન પ્રસાદ અને સંતવાણીનો લાભ લેવા માટે મહંત વિજયબાપુ ગુરૂ જીવરાજબાપુ(સત્તાધારધામ મહંત), નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજ બાપુ (આપાગીગાનો ઓટલો,ચોટીલા (મોલડી)) અને નરેન્દ્રભાઈ સોલંકી(ચેરમેન, ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ, ગુજરાત રાજય) તેમજ સમગ્ર સત્તાધાર અને આપાગીગાનો ઓટલાના સેવકગણ દ્વારા દરેક શ્રધ્ધાળુ લોકોને જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે.