જૂનાગઢ-મેંદરડા રોડ પર મેટાડોરે બાઈકને અડફેટે લેતા કાકા-ભત્રીજાનું મોત
જૂનાગઢ, જૂનાગઢ-મેંદરડા રોડ પર તાલુકાના ઈવનગર ગામ નજીક ગત મોડી રાત્રે દુધ ભરેલા મેટાડોરના ચાલકે ડબલ સવાર બાઇકને હડફેટે લેતા કાકા- ભત્રીજા ફંગોળાઈને ખાબકતા ગંભીર ઇજા પહોંચતા બંન્નેનું મોત થયું હતું. આ અકસ્માત અંગે મૃતકના પરિવારજનએ મેટાડોરના ચાલક સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જિલ્લાના મેંદરડા તાલુકાના સીદવાણા ગીર ગામમાં રહેતા તાલીબ નૂરમહમદ ચોટીયારા (ઉ.વ.૧૮) તેના કૌટુંબિક કાકા રહીમભાઈ બિલાલભાઈ ચોટીયારા (ઉ.વ.૨૮) સાથે ગઈકાલે ઈદનો તહેવાર હોવાથી જૂનાગઢ આવવા માટે રાત્રીના દસેક વાગ્યે તેના બાઈક પર નીકળ્યા હતા. જેમાં તાલીબ બાઈક ચલાવતો હતો અને તેના કૌટુંબિક કાકા રહીમભાઈ પાછળ બેઠા હતા.
જૂનાગઢ મેંદરડા રોડ પર ઈવનગર નજીક દરગાહ પાસે રોડ પર પહોંચ્યા ત્યારે સામે તરફથી પૂરઝડપે આવેલા (ય્ત્ન-૧૧-રૂ-૫૩૭૯)નંબરનાં દૂધ ભરેલા મેટાડોરના ચાલકે આ ડબલ સવાર બાઇકને હડફેટે લીધું હતું. જેમાં તાલીબ અને તેના કૌટુંબિક કાકા રહીમભાઈ ફંગોળાઈ રોડની નજીકમાં આવેલા તળાવમાં પડ્યા હતા.
અકસ્માત સર્જી મેટાડોરનો ચાલક નાસી ગયો હતો. આ અંગેની જાણ થતાં તાલુકા પોલીસ અને ફાયર બ્રિગેડના સ્ટાફે ઘટના સ્થળે જઈ તાલિબને તળાવમાંથી બહાર કાઢ્યા ત્યારે તેનું મૃત્યુ થયું હતું. જ્યારે ૨હીમભાઈની શોધખોળ કરી હતી. પરંતુ રાત્રેતે મળ્યા ન હોવાથી સવારે તેના મૃતદેહ મળતા બહાર કાઢવામાં આવ્યો હતો.
આ અંગે મૃતક તાલીબના પિતા નૂરમહમદભાઈ ચાંદભાઈ ચોટીયારાએ અકસ્માત સર્જી નાસી ગયેલા દૂધ ભરેલા મેટાડોરના ચાલક સામે ફરિયાદ કરતા તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અકસ્માતમાં એક જ પરીવારના કૌટુંબિક કાકા-ભત્રીજાના મોતથી પરિવારમાં ગમગીની પ્રસરી ગઈ હતી.HS