જૂના સેવા વેરા અને સેન્ટ્રલ એક્સાઇઝ સાથે સંબંધિત પેન્ડિંગ વિવાદો માટે વિશિષ્ટ રાહત યોજના
વડોદરા, કેન્દ્ર સરકારે જૂનાં સેવા વેરા અને સેન્ટ્રલ એક્સાઇઝ સાથે સંબંધિત પેન્ડિંગ વિવાદો માટે વિશિષ્ટ રાહત યોજના જાહેર કરી છે. આ યોજના 1 સપ્ટેમ્બર, 2019નાં રોજ શરૂ થઈ હતી અને 31.12.2019 સુધી ચાલશે.
આ યોજનાનાં મુખ્ય બે ઘટક વિવાદનું સમાધાન અને રાહત છે, જે કરદાતાઓને બાકી નીકળતો કર ચૂકવવાની તથા વધારે ચૂકવણી અને સરકારી પ્રક્રિયામાંથી મુક્તિ મેળવવાની તક આપે છે. યોજનાનું સૌથી વધુ સક્રિય પાસું વ્યાજ, દંડની સંપૂર્ણ માફી સ્વરૂપે રાહતનું છે. આ તમામ કેસોમાં વ્યાજ, દંડ કે પેનલ્ટીની અન્ય કોઈ જવાબદારી નહીં લાગે. સરકારી પ્રક્રિયામાંથી પણ સંપૂર્ણ રાહત મળે છે.
કોઈ પણ મંચ પર ચુકાદા કે અપીલમાં પેન્ડિંગ રહેલા તમામ કેસો માટે આ યોજના રાહતદાયક છે, કારણ કે જો રૂ. 50 લાખ કે ઓછી રકમની વેરાની માંગણી હોય તો 70 ટકા રાહત મળે છે અને જો રૂ. 50 લાખથી વધારે વેરાની માંગણી હોય તો 50 ટકા રાહત મળે છે. આ જ રાહત તપાસ અને હિસાબ ચાલતી હોય એવા કેસો માટે પણ ઉપલબ્ધ છે, જેમાં 30 જૂન, 2019 સુધી કે એ અગાઉ એક નિવેદનમાં કોઈ વ્યક્તિએ સંકળાયેલા વેરાની ગણતરી કરી હોય અને સંબંધિત પક્ષને જણાવ્યું હોય.
ઉપરાંત પુષ્ટિ થયેલા વેરાની માગણીનાં કેસોમાં કોઈ અપીલ પેન્ડિંગ ન હોય તો જો વેરાની રકમ રૂ. 50 લાખ કે એનાથી ઓછી હોય તો પુષ્ટિ થયેલા વેરાની રકમનાં 60 ટકાની રાહત મળશે અને જો વેરાની રકમ રૂ. 50 લાખથી વધારે હોય તો પુષ્ટિ થયેલા વેરાની રકમનાં 40 ટકાની રાહત મળશે. છેલ્લે, સ્વૈચ્છિક જાહેરાતનાં કેસમાં યોજનાનો લાભ લેનાર વ્યક્તિને જાહેર કરેલા વેરાની સંપૂર્ણ રકમ ચૂકવવી પડશે.
યોજના કરવેરાનાં વહીવટીતંત્ર સાથે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદોનો અંત લાવવા મોટી સંખ્યામાં કરદાતાઓ માટે નિઃશુલ્ક સમાધાન લાવવા માટે ખાસ બનાવવામાં આવી છે. રસ ધરાવતા કરદાતાઓ excisevadodara1.nic.in ની મુલાકાત લઈને યોજનાની જોગવાઈઓ સાથે પોતે વાકેફ થઈ શકે છે. આ યોજના અંતર્ગત અરજી કરવાની પ્રક્રિયા પણ તેમાં સામેલ છે. યોજનાને અત્યાર સુધી કરદાતાઓ પાસેથી ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે. પ્રિન્સિપલ કમિશનર, સીજીએસટી, વડોદરા-Iએ ‘સૌનો વિશ્વાસ – કાયદેસર વિવાદ સમાધાન યોજના, 2019’નો લાભ લેવા તમામ સંબંધિત કરદાતાઓ અને લોકોને અપીલ કરી છે તેમજ નવી શરૂઆત કરવા જણાવ્યું છે.
કોઈ પણ પ્રકારની પૂછપરછ માટે કરદાતાઓ કરદાતા સેવા કેન્દ્ર, ગ્રાઉન્ડ ફ્લોર, જીએસટી ભવન, રેસ કોર્સ સર્કલ, વડોદરા પર સંપર્ક કરી શકે છે.