જૂની વીએસ હોસ્પિટલમાં કોરોનાની સારવાર શરૂ
પ્રાથમિક તબક્કે ટ્રોમાં સેન્ટરના બીજા અને ત્રીજા માળે ૩૬ બેડની વ્યવસ્થા તેમજ તમામ બેડ પેક થઈ ગયા છે
અમદાવાદ, કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધતા બંધ પડેલી વી.એસ હોસ્પિટલને ફરીથી શરૂ કરવાનો ર્નિણય લેવાયો છે. સંક્રમણ વધતા વીએસ હોસ્પિટલને તાત્કાલિક કોવિડ કેર હોસ્પિટલ તરીકે કાર્યરત કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં ૩૬ દર્દીઓ માટે હોસ્પિટલની સુવિધા ઉભી કરાઈ હતી, પરંતુ થોડી જ વારમાં આ તમામ બેડ ભરાઈ જતાં વધુ બેડની વ્યવસ્થા કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
તમને જણાવી દઈએ કે, અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો દિવસેને દિવસે નવા રેડોર્ડ સર્જી રહ્યા છે. આ સ્થિતિમાં અમદાવાદની સૌથી મોટી બે ગણાતી અસારવા સિવિલ અને એસવીપી હોસ્પિટલ લગભગ ફૂલ થવાની સ્થિતિમાં છે. જેના પગલે કોર્પોરેશન દ્વારા શહેરની અન્ય હોસ્પિટલોને પણ કોવિડના દર્દીઓની સારવાર માટે લીધી હતી ત્યાં પણ દર્દીઓ દાખલ થયા બાદ હોસ્પિટલો ફૂલ થઈ રહી છે.
જેથી બીજી હોસ્પિલોને કોવિડ ડ્યૂટી માટે લેવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. હાલના તબક્કે વીએસ હોસ્પિટલમાં ૬૦ જેટલા દર્દીઓને સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવાનું આયોજન કરાયું છે. હાલ વીએસમાં નોન કોવિડ દર્દીઓ પણ સારવાર લઈ રહ્યા છે, જેથી તેમને અન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ તે જગ્યાએ વદુ બેડની વ્યવસ્થા કરાશે.
મળતી માહિતી મુજબ વીએસ હોસ્પિટલમાં પણ દર્દીઓને ૧૦૮ દ્વારા જ સીધા લાવવામાં આવી રહ્યા છે. આમ અન્ય હોસ્પિટલોમાં જે રીતે દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવે છે તે જ રીતે ૧૦૮ દ્વારા જ દર્દીઓને વીએસમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ સોલા સિવિલ હોસ્પિટલમાં હાલમાં ૨૯૧ જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે
જ્યારે વેન્ટિલેટર સાથેના તમામ ૫૦ બેડ ભરાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. સોલા સિવિલમાં ૪૦૦ આઈસોલેશન અને ૫૦ વેન્ટિલેટર સાથે આઈસીયુ બેડની સુવિધા છે, જ્યારે સિવિલ કેમ્પસમાં આવેલી વિવિધ હોસ્પિટલમાં ૧૮૫૬ દર્દીઓ દાખલ હોવાનું જાણવા મળ્યું છે. સિવિલમાં કેમ્પસમાં ૧૨૦૦ બેડની સુવિધા કરવામાં આવેલી છે તે પૈકી ૧૧૭૭ દર્દી હાલમાં સારવાર હેઠળ છે. એટલે કે સિવિલ હોસ્પિટલ પણ લગભગ ફુલ થઈ ગઈ હોવવાનું ચિત્ર સામે આવી રહ્યું છે. સિવિલમાં ૩૧૩ દર્દી વેન્ટિલેટર અને બાથપેપ પર છે.