જેટઃ ર૦ દિવસમાં રૂ.ર કરોડની વસુલાત
પ્રતિબંધિત સમયે પ્રવેશતા ભારે વાહનો ટ્રાફિક સર્કલ પર મોબાઈલ ફોન પર વાત કરતા પોલીસ : કર્મચારી કે ગટરના પાણી રોડ પર આવવા બદલ કોર્પોરેશન પાસેથી દંડની વસુલાત થવી જાઈએ |
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ : સ્માર્ટસીટી અમદાવાદના નાગરીકોને શિસ્તબધ્ધ રાખવા માટે મ્યુનિ. કોર્પોરેશન અને પોલીસ વિભાગ દ્વારા “જાઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ” ની સંયુકત રચના કરવામાં આવી છે. સદ્દર ટીમ નાગરીકોને સ્વચ્છતા અને શિસ્તના પાઠ ભણાવાતી નથી પરંતુ સામાન્ય નાગરીકો અને નાના વેપારીઓ પાસેથી “વહીવટી ચાર્જ” ના નામે રૂપિયા એકત્રીત કરવાનું કામ કરી રહી છે. “જેટ”ની ટીમે માત્ર ર૦ દિવસમાં જ નાગરીકો પાસેથી “વહીવટી ચાર્જ” ના નામે રૂ. બે કરોડની વસુલાત કરી છે. જેની સામે કોઈ જ સુવિધા આપવામાં આવી નથી.
“જેટ” ની ટીમ કયા નિયમ મુજબ નાગરીકો પાસેથી દંડની વસુલાત કરે છે ? તે યક્ષ પ્રશ્ન છે. કાયદાકીય ગુંચ પેદા ન થાય તેનું ધ્યાન રાખીને નાગરીકોને “વહીવટી ચાર્જ” ની રસીદો આપવામાં આવી રહી છે. જેમાં નિયમોનું ઉલ્લંઘન કરવા માત્ર નાગરીકો પાસેથીજ વસુલાત થાય છે. જયારે મ્યુનિ.કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓને તમામ નિયમોમાંથી મુકિત આપવામાં આવી છે!
નામદાર ગુજરાત હાઈકોર્ટની આકરી ટીકાનો ભોગ બન્યા બાદ શહેર મ્યુનિ.કમીશ્નર અને પોલીસ કમીશ્નરે પ્રજા પર રીતસર દંડો ઉગામ્યો હોય તેવી લાગણી પ્રવર્તી રહી છે. ટ્રાફિક દબાણ અને સ્વચ્છતાના નામે નાગરીકો પર “આર્થિક શોષણ” અને માનસિક ત્રાસનો અનુભવ કરી રહયા છે.શહેરના સિંઘમ અને દબંગ અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવેલ “જેટ” તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
જેમાં નાગરીકો પાસેથી માત્ર ર૦ દિવસમાં રૂ.બે કરોડની વસુલાત કરવામાં આવી છે. નાગરીકો પાસેથી કયા એકટ મુજબ રૂપિયા લેવામાં આવી રહયા છે. તે ચર્ચાનો વિષય છે. સામાન્ય રીતે દંડ કે પેનલ્ટી લેવા માટે સરકારની મંજૂરી છે. રાજય સરકારે “સોલીડ વેસ્ટમેનેજમેન્ટ રૂલ્સ” અંતર્ગત દંડ વસુલ કરવા માટે મંજૂરી આપી છે.
જેનાં દંડની રકમ અત્યંત નજીવી છે. પરંતુ “દબંગ” અને “સિંઘમ” અધિકારીઓને સામાન્ય રકમથી સંતોષ થતો ન હોવાથી વહીવટી ચાર્જના નામે મનસ્વીપણે દંડ લેવામાં આવી રહયો છે. સોલીડ વેસ્ટરૂલ્સમાં નકકી કરવામાં આવેલ દંડની રકમથી અનેકગણો વધારે દંડ “જેટ” દ્વારા લેવામાં આવે છે.
મ્યુનિ.કોર્પોરેશનના આંતરીક સુત્રોએ જણાવ્યા મુજબ “જેટ” દ્વારા ર૦ દિવસમાં ર૬૬૩પ નાગરીકો પાસેથી રૂ.૧.૯૬ કરોડનો દંડ લેવામાં આવ્યો છે. સદ્દર ટીમમાં મ્યુનિ. એસ્ટેટ તથા હેલ્થખાતા ના કર્મચારીઓની સાથે પોલીસ વિભાગના કર્મચારીઓ પણ હોય છે. મ્યુનિ.એસ્ટેટ વિભાગે ૯૩પ૭ નાગરીકો પાસેથી રૂ.૭૭.૬૪ લાખ અને હેલ્થખાતાએ ૯૩૬૬ રસીદો સામે રૂ.૧.૦૮ કરોડના દંડ વહીવટીચાર્જની વસુલાત કરે છે.
જેની સામે પોલીસખાતાએ ૭૯૧ર રસીદો સામે માત્ર રૂ.દસ લાખની વસુલાત કરી છે. આમ પોલીસખાતાએ રસીદ કે ગુના દીઠ સરેરાશ રૂ.૧૩૦ નો દંડ વસુલ કર્યો છે. જેની સામે હેલ્થ વિભાગે રૂ.૧૧પર અને એસ્ટેટ વિભાગે રૂ.૮૩૦ ની રસીદ દીઠ વસુલાત કરી છે. મ્યુનિ.કોર્પોરેશનના બે સૌથી ભ્રષ્ટ માનવામાં આવતા વિભાગ દ્વારા જ દંડ પેટે મોટી વસુલાત થઈ રહી છે. જયારે સુવિધામાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી. નાગરીકો રોડ પર કચરો ફેકે તો રૂ.પ૦૦ થી રૂ.પ૦,૦૦૦ નો દંડ લેવામાં આવે છે. જયારે કચરો એકત્રીત કરવા માટે જેને દર મહીને કરોડો રૂપિયા આપવામાં આવે છે.
તે કોન્ટ્રાકટરો કચરો ના ઉઠાવે તો કોઈ જ દંડ લેવામાં આવતો નથી. નાગરીકો રોડ પર ગંદા પાણી ઠાલવે તો રૂ.પાંચ લાખ ની પણ પેનલ્ટી થાય છે. પરંતુ કોર્પોરેશનની ડ્રેનેજ લાઈનો બેક મારે અને ગંદા પાણી રોડ પર આવે ત્યારે જવાબદાર અધિકારી પાસેથી દંડ લેવાની જાગવાઈ નથી. ફૂટપાથ પર પાથરણા-ફેરીયાવાળા દબાણ કરે તો રૂ.પાંચ હજારની વસુલાત થાય છે. પરંતુ મ્યુનિ. રીઝર્વ પ્લોટ પર કે ખાનગી જમીનોમાં દબાણ કરનાર ભૂ-માફીયાઓ કે તેમને સંપૂર્ણ સહકાર આપનાર અધિકારીઓ પાસેથી દંડ વસુલાત કરવામાં આવતો નથી. ચાલુ વાહને મોબાઈલ પર વાત કરનાર કે થુંકનાર નાગરીક પાસેથી દંડ લેવામાં આવે છે.
પરંતુ “ઓન ડયુટી” ટ્રાફિક સર્કલ પર, વાહનોની ભીડ વચ્ચે ફોન પર વાત કરનાર કે તમાકુ ખાઈને થુંકનાર પોલીસ કર્મી પાસેથી દંડ લેવાશે કે કેમ ? વાહન ખોટી રીતે પાર્ક કરવા કે રોગ સાઈડમાં ઘુસાડનાર કે રૂ.પ૦૦ ની પાવતી આપવામાં આવે છે. પરંતુ પ્રતિબંધિત સમય દરમ્યાન મ્યુનિ.હદમાં આવતા ભારે વાહનો પાસેથી “જેટ” દંડ વસુલ કરે છે ? મ્યુનિ. કમીશ્નરે જ સર્કલથી પ૦ મીટર ત્રિજયામાં વાહન પાર્ક ન કરવા માટે પરીપત્ર કર્યા છે.
તેના સરેઆમ ઉલ્લંઘન થાય છે. તેમ છતાં “જેટ” દ્વારા વહીવટી ચાર્જના નામે પણ પાવતી ફાડવામાં આવતી નથી. શું નિયમો નું પાલન કરવાની ફરજ માત્ર નાગરીકોની જ છે ? નિયમો બનાવનાર લોકોને તેમાંથી મુકિત આપવામાં આવી છે ? મ્યુનિ.કોર્પોરેશન અને શહેર પોલીસ ખાતા દ્વારા વહીવટીચાર્જના નામે ર૦ દિવસમાં બે કરોડ રૂપિયાની વસુલાત દંડી વહીવટીચાર્જ પેટે કરવામાં આવી છે. પરંતુ તેની સામે સુવિધા ના નામે શૂન્ય છે.
શહેરમાં પેશાબ કરનાર પાસે દંડ લેવાય છે. પરંતુ આશ્રમરોડ પર તંત્ર દ્વારા એકપણ યુરીનલ બનાવવામાં આવ્યું નથી. સ્વચ્છ ભારત મીશનની દુહાઈ આપી ને પ્રજા પર આર્થિક ભારણ નાંખવામાં આવી રહયા છે. પરંતુ સ્વચ્છ ભારત મિશનમાં દર એક કિલોમીટરે યુરીનલ કે પે એન્ડ યુઝ હોવા ફરજીયાત હોવાનો નિયમ છે.
પરંતુ પાલન કરવામાં કોઈ ને રસ નથી ! રોડ પર વાહન પાર્ક કરવા દંડ લેવામાં આવે છે પરંતુ શહેરના ૮૦ ટકા કોમર્શીયલ કોમ્લેક્ષોમાં પાર્કીગ ના સ્થાને દબાણ થઈ ગયા છે. તેને તોડી પાડવાની નૈતિક હીંમત દાખવવી જરૂરી છે. શહેરમાં પ્રતિબંધીત સમયે ભારે વાહનો આવે છે. જેમને માંતેલા સાંઢની જેમ છુટા મુકવામાં આવે છે. તેમને સીઝ કરવા કટે પ્રવેશ ન કરવા દેવાની હિંમત કોઈના માં રહી નથી ? ત્રણ સવારી સ્કુટર ચલાવનાર ને અનેક નિયમો બનાવવામાં આવે છે તથા દંડની વસુલાત થાય છે.
પરંતુ માત્ર ત્રણ પેસેન્જર ની ક્ષમતાવાળી ઓટોરીક્ષામાં નવ-નવ પેસેન્જર ભરવામાં આવે છે. પરંતુ તેને રોકવાની નૈતિક હીંમત હજી સુધી કોઈએ બતાવી નથી. “જેટ” ના ટાર્ગેટ પુરા કરવા હોય તો નાના વેપારીઓ કે સામાન્ય નાગરીકો ને ટાર્ગેટ બનાવવા કરતા નારોલ કે ઈસનપુર સર્કલ પર મોકલી આપો. દિવસભર ભારે વાહનો ના પ્રવેશ થાય છે. તથા શટલરીક્ષાવાળા બેફામ બની રહયા છે. ઈસનપુર હાઈવે પર ટ્રાફિક પોલીસની કેબીન પાસે જ ચા ની કીટલી તથા નાસ્તાવાળા ના દબાણ છે.
તેની સામે કાર્યવાહી કરવાની જરૂર છે. નારોલથી નરોડા સુધીના દરેક જંકશનો પર આ જ દ્રશ્યો જાવા મળશે. “જેટ”ને ત્યા મોકલો તમામ ટાર્ગેટ પુરા થશે. વેપારીઓ પાસેથી કચરો ફેકવા બદલ દંડ લેવામાં આવે છે. પરંતુ તંત્ર દ્વારા ગોઠવવામાં આવેલ ડસ્ટબીન ત્રણ-ત્રણ દિવસ સુધી ખાલી થતા નથી તેની પાસેથી પણ દંડની વસુલાત કરો. સામાન્ય નાગરીકો પર દંડો ઉગાવવામાંના બદલે કાયદાના રક્ષકો ને તેનું પાલન કરતા શીખવો.
મહીને પાંચ-સાત હજારમાં પરીવારનું ગુજરાન ચલાવનાર પાસેથી રૂ.પ૦૦ કે ૧૦૦૦ના દંડ ના લેવાય ! નિયમ નું પાલન કરાવતા પહેલા તેની સમજ આપો અને સુવિધા વધારો પરંતુ રોજ-રોજ નાગરીકોને મારવાનું બંધ કરો તેવી લાગણી શહેરભરમાં પ્રર્વતી રહી છે.