જેટ ગતિથી વધેલા કોરોનાના કેસ બમણી ગતિથી ઘટ્યા છે
નવી દિલ્હી, છેલ્લા આઠ મહિનાથી કોરોના યુદ્ધમાં લડતા ભારત માટે કેટલાક રાહતના સમાચાર છે. સપ્ટેમ્બરના મધ્યમાં ટોચ પર પહોંચ્યા પછી, દેશમાં કોરોના મહામારીના ગ્રાફમાં હવે ૫૦ ટકાનો ઘટાડો થયો છે. એક રીતે તે મહત્વનું પણ છે કારણ કે કોવિડ પીક દરમિયાન થયેલા કેસો અને મૃત્યુમાં થયેલા ઉછાળ કરતાં ઘટાડો ખૂબ ઝડપથી નોંધવામાં આવ્યો છે.
જો છેલ્લા સાત દિવસની સરેરાશનો અંદાજ કાઢવામાં આવે તો ગુરુવાર સુધી દેશમાં દરરોજ ૪૭,૨૧૬ કેસ નોંધાઇ રહ્યા છે. જે સપ્ટેમ્બર ૧૭ના દિવસના કોરોના પીકના આંકડાના લગભગ અડધા છે. બીજા શબ્દોમાં કહીએ તો, જ્યારે કોરોના ફેલાવાનો દર સૌથી ઝડપી હતો, તેની સરખામણીએ છેલ્લા એક અઠવાડિયામાં ૫૦ ટકાથી પણ ઓછા કેસ નોંધાયા છે.
સાત દિવસનો સરેરાશ ગ્રાફ ટોચ કરતા ખૂબ ઝડપથી નીચે ગયો છે. ૧૯ સપ્ટેમ્બરના રોજ જ્યારે કોરોના તેના ટોચ પર હતો, ત્યારે ૧૧૭૬ લોકો મૃત્યુ પામ્યા હતા. તો તેની સામે ૨૯ ઓક્ટોબરે મૃત્યુની સંખ્યા ૫૦ ટકા ઘટીને ૫૪૩ થઈ ગઈ છે. તે અમારા સહયોગી અખબાર ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના ડેટાબેઝ પર આધારિત છે. જે રાજ્ય સરકારો દ્વારા જાહેર કરવામાં આવતા દૈનિક ડેટા પર આધારિત છે.
હાલમાં દૈનિક કેસો અને મૃત્યુની સંખ્યા જુલાઈના સ્તર પર છે. છેલ્લા સાત દિવસની સરેરાશ ૨૭ જુલાઈના આંકડાની આસપાસ છે. જ્યારે કેસની સંખ્યા ૪૬,૭૬૦ હતી. ત્યારબાદ, ૫૨ દિવસની અંદર ૧૭ સપ્ટેમ્બરના રોજ કોરોનાના કેસ બમણા થઈ ગયા હતા. તેની સરખામણીએ ટોચ પરથી ૫૦ ટકાનો ઘટાડો થવામાં માત્ર ૪૨-૪૩ દિવસનો સમય લાગ્યો છે.
દરરોજ કોરોનાથી થતા મૃત્યુની વાત કરીએ તો, આ સંખ્યા ૧૫ જુલાઈના આંકડાની આસપાસ છે, જ્યારે સાત દિવસની સરેરાશ ૫૩૮ હતી. આનો અર્થ એ છે કે ૧૯ સપ્ટેમ્બરના રોજ કોરોનાથી મૃત્યુના કેસમાં ટોચ ૬૫ દિવસની અંદર પહોંચી હતી. બીજી બાજુ ઘટાડામાં માત્ર ૪૧ દિવસનો સમય લીધો હતો. કોરોના કેસોમાં ટોચના બે દિવસ પછી જ આટલો ઝડપી ઘટાડો થોડો આશ્ચર્યજનક છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ટોચથી નીચે પહોંચવામાં ૧૦ થી ૧૫ દિવસ લાગે છે.
હજી સુધી તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ બનવા પાછળનું કારણ ઓછા ટેસ્ટ અથવા મૃત્યુની ઓછી નોંધણી છે કે બીજુ કંઈ. દરમિયાન, શુક્રવારે દેશમાં કોરોના સંક્રમણના નવા ૪૮,૪૯૬ કેસ મળી આવ્યા છે. એક દિવસ અગાઉ ૪૯,૦૭૦ કેસ હતા. આ અઠવાડિયામાં માત્ર એક જ દિવસ એવો રહ્યો છે જ્યારે દરરોજ મળેલા કેસોની સંખ્યા ૫૦ હજારને વટાવી ગઈ છે. બુધવારે ૫૦,૨૨૪ નવા કેસ મળી આવ્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં કોરોના કુલ ૮૦ લાખ ૮૭ હજાર ૮૩૩ કેસ મળી આવ્યા છે.
શુક્રવારે દિલ્હી એવા રાજ્યોમાંથી એક છે જ્યાં નવા કેસોમાં ફરી એકવાર ઝડપી વધારો જોવા મળ્યો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં અત્યાર સુધીમાં એક દિવસમાં ૫,૮૯૧ કેસ મળી આવ્યા છે. અહીં સતત ચોથા દિવસે રેકોર્ડ નંબર પર કોરોના કેસ નોંધાયા છે.
બીજી તરફ, છેલ્લા કેટલાક દિવસોમાં દૈનિક મૃત્યુનાં આંકડા પણ નીચે આવ્યા છે. શુક્રવારે ૫૫૭ લોકો મૃત્યુ પામ્યા હતા, જે છેલ્લા છ દિવસમાં સૌથી વધુ છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી મૃત્યુઆંક ૧,૨૧,૬૩૨ પર પહોંચી ગયો છે.
મહારાષ્ટ્રમાં નવા કોરોના કેસમાં વધારો થયો છે અને મૃત્યુમાં ઘટાડો થયો છે. અહીં ૬,૧૯૦ નવા કેસ હતા અને કોરોનાને કારણે ૧૨૭ લોકોએ જીવ ગુમાવ્યો હતો. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ૧૬,૭૨,૮૫૮ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં ૪૩,૮૩૭ લોકોનાં મોત નીપજ્યાં છે. મુંબઈમાં શુક્રવારે ૧૧૪૫ નવા કેસ નોંધાયા છે. માર્ચથી અહીં ૨.૫૬ લાખ કોરોના કેસ મળી આવ્યા છે. શુક્રવારે મુંબઈના કોરોનાથી વધુ ૩૨ લોકોનાં મોત સાથે ૧૦,૨૬૧ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.HS