જેઠે દેરાણીને કુહાડીના ઘા મારતાં મોત નિપજ્યું

Files Photo
નવસારી: ચીખલી તાલુકો હાલ ઘણો વિવાદોની ચર્ચામાં આવ્યો છે. ત્યારે તાલુકાના કુકેરી ગામમાં જમીન વિવાદમાં પિતરાઈ જેઠે કાકાના દીકરાની પત્નીને કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારતાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે આરોપી જેઠની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. ચીખલીના કુકેરી ગામે રહેતા રમીલાબેન પટેલ અને તેમના પિતરાઈ જેઠ અશોક પટેલ વચ્ચે જમીનના શેઢા મુદ્દે વિવાદ ચાલતો હતો. જેમાં ગત રોજ સાંજે રમીલાબેન પોતાની જગ્યામાં ચાર કાપી રહ્યા હતા, તે દરમિયાન જેઠ અશોક પટેલ ત્યાં પહોંચ્યો હતો અને તેમની સાથે બોલાચાલી થઈ હતી. દરમિયાન આવેશમાં આવી જેઠ અશોકે તેના કાકાના દીકરાની પત્ની રમીલાબેનને માથામાં કુહાડીના મરણતોલ ઘા માર્યા હતા.
જેના કારણે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા બાદ મૃત્યું પામ્યા હતા. ઘટનાની જાણ થતા ગામમાં ચકચાર મચી જવા પામી હતી. જ્યારે ઘટના સ્થળે પહોંચેલી ચીખલી પોલીસે મૃતક રમીલાના મૃતદેહને પીએમ અર્થે ચીખલી રેફરલ હોસ્પિટલ ખસેડયો હતો. જ્યારે હત્યારા જેઠને પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડી, તેનો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ આજે તેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. બીએસ મોરી, નાયબ પોલીસ અધિક્ષક, નવસારીનાં જણાવ્યાં પ્રમાણે, રમીલાબેનની હત્યા કરનારો આરોપી અશોકભાઈ પટેલ માનસિક દિવ્યાંગ છે. તે છેલ્લા ૮-૧૦ માસ પહેલાથી ઘરે જ રહેતો હોવાની માહિતી મળી છે.
પોલીસે આરોપી અશોક પટેલને ડિટેન કરી પૂછપરછ હાથ ધરી છે. આ ઘટનામાં સાક્ષીઓના નિવેદન લેવાઇ રહ્યા છે. થોડા દિવસ પહેલા નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશન ખાતે બે શકમંદ આરોપીનાં શંકાસ્પદ મોતથી ચકચાર મચી ગઈ છે. બંને શંકાસ્પદ આરોપીઓેએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. રાજ્યના તમામ પોલીસ સ્ટેશન સીસીટીવીથી સજ્જ કરાયા છે, ઉપરાંત પોલીસ સ્ટાફ હાજર હોય ત્યારે બે શખ્સ કેવી રીતે આપઘાત કરી લે તે મોટો સવાલ છે. બંને શકમંદ આરોપીઓએ સવારે પાંચ વાગ્યાથી આઠ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન વાયરથી ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. એવી પણ માહિતી મળી છે કે, બંને શકમંદ આરોપીને પોલીસ કસ્ટડીમાં નહીં પરંતુ પ્રાઇવેટ રૂમમાં રાખવામાં આવ્યા હતા.