જેઠ માસની પૂનમે શામળાજી યાત્રાધામમાં ભાવિકો ઉમટ્યા
કાળિયા ઠાકરના દર્શન કરી ધન્ય બન્યા
(બકોરદાસ પટેલ, મોડાસા) ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં આજે જેઠ માસની પૂનમે શામળાજી યાત્રાધામમાં ભાવિકો ઉમટી પડ્યા હતા અને ભગવાન કાળિયા ઠાકરના દર્શન કરી ધન્ય બન્યા હતા.દર પૂનમની જેમ આજની પૂનમે પણ શામળાજીમાં મેળો જામ્યો હતો.
અરવલ્લી જિલ્લામાં આવેલ ભગવાન વિષ્ણુ મંદિર,શામળાજી યાત્રાધામ અતિ પ્રાચીન તીર્થ છે જયાં દૂર દૂરથી ભક્તોનો મહેરામણ દર્શને આવે છે.ખાસ કરીને દર પૂનમે અહીં મેળો ભરાય છે ત્યારે અરવલ્લી અને સાબરકાંઠાના અને ગુજરાત તેમજ પડોશી રાજ્ય રાજસ્થાન તેમજ મુંબઈ સુધીના ભક્તો પૂનમ ભરવા નિયમિત આવે છે.
બન્ને જિલ્લાના આદિવાસી ભાઈઓના ઇષ્ટદેવ ગણાતા ભગવાન શામળાજી કાળિયા ઠાકરની આ તીર્થભૂમિનો મોટો મહિમા હોઈ અહીં ભાવિક ભક્તોનો મહેરામણ હરહંમેશ દાદાના દર્શને આવી ઘડી બે ઘડી દુન્યવી પળોજણથી હળવા થઈ અહીં ભગવાન વિષ્ણુજીની પૂર્ણ કદની જાજરમાન મૂર્તિ સામે નત મસ્તક થઈને ધન્ય બને છે!!
શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા શામળાજીમાં ભાવિક ભક્તો મારે રાત્રી રોકાણ માટે યાત્રી ભુવનનું પણ નિર્માણ કરેલું છે.યાત્રાળુઓની સુવિધાઓ માટે ટ્રસ્ટ અને તેના ચેરમેન મહેશભાઇ ઉપાધ્યાય, વા.ચેરમેન રણવીસિંહ ડાભી અને ટ્રસ્ટીઓ તેમજ મેનેજર કનુભાઈ પટેલ વગેરે તમામ સતત જાગૃત છે.હવે તો યાત્રાધામનું નવીનીકરણ પણ થયું છે . અલબત્ત,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી પદે હતા ત્યારે શામળાજીને તિરુપતિ બાલારામ યાત્રાધામની હૂબહૂ પ્રતિકૃતિ સમાન બનાવવાનું આદરેલું કાર્ય હજુ પૂર્ણતયા સંભવ થયું નથી ત્યારે રાજ્ય સરકારે હજુ જે કરવાનું બાકી હોય તે કામ પૂરા કરીને સંપૂર્ણ રીતે તિરૂપતિ બલાજીના દરજ્જાનું યાત્રાધામ યાત્રિકો,ભાવિકો, લાખો શ્રદ્ધાળુઓ ઝંખી રહ્યા છે!!!