જેઠ સાથે હતા આડા સંબંધ, પત્નીએ સોપારી આપી પતિને પતાવી દીધો
જયપુર: પાડોશી રાજ્ય રાજસ્થાનના ઉદયપુરમાં પત્નીએ પોતાના પતિની સોપારી આપી હત્યા કરાવી નાખ્યાનો બનાવ સામે આવ્યો છે. પાંચ મહિના બાદ પતિની હત્યા થયાનો ખુલાસો થયો છે. એવી પણ માહિતી મળી છે કે આરોપી મહિલાને તેના જેઠ સાથે આડા સંબંધ હતા. આ કેસમાં પોલીસે આરોપી પત્ની, જેઠ (મૃતકના મોટાભાઈ) અને ગુનામાં સંડોવાયેલા અન્ય પાંચ લોકોની અટકાયત કરી લીધી છે. જિલ્લા પોલીસ વડા ડૉક્ટર રાજીવ પચારે પત્રકાર પરિષદ બોલાવીને આ વાતનો ખુલસો કર્યો હતો. નવાઈની વાત તો એ છે કે પત્નીએ પતિની હત્યા કરીને તેને કોરોનાથી મોતમાં ખપાવી દીધું હતું. જે બાદમાં તમામ ઉત્તરક્રીય પણ પૂર્ણ કરી દેવામાં આવી હતી.
પરંતુ પતિના નામે રહેલી સંપત્તિ મેળવવા માટે પત્નીએ એક એવી ભૂલ કરી કે તેનો ભાંડો ફૂટી ગયો હતો.
હકીકતમાં પાંચ મહિના પહેલા પોલીસને એક અજાણી વ્યક્તિની લાશ મળી હતી. આ સમગ્ર મામલાનો ભાંડાફોડ પણ કંઈક ખાસ રીતે થયો હતો. પોલીસને તેના બાતમીદારો પાસેથી માહિતી મળી હતી કે અમુક લોકો મોતનું બોગસ પ્રમાણપત્ર બનાવવા માટે સરકારી ઓફિસોના આંટાફેરા કરી રહ્યા છે. જે બાદમાં તેમના પર નજર રાખવામાં આવી હતી. આ કડીમાં પોલીસે બે વ્યક્તિની અટકાયત કરી હતી. જે બાદમાં આ બંને વ્યક્તિઓએ અન્ય ત્રણ લોકો સાથે મળીને હત્યાને અંજામ આપ્યાનો સ્વીકાર કર્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતકના મોટાભાઈ તપનદાસના તેની પત્ની સાથે આડા સંબંધ હતા. જે બાદમાં પોલીસે હત્યાના માસ્ટમાઇન્ડ મોટાભાઈ અને મૃતકની પત્નીની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આસામના રહેવાશી ઉતમદાસની તેના ભાઈએ જ સોપાની આપીને હત્યા કરાવી હતી. આ લોકો હત્યા કર્યા બાદ તેમના ગામ ગયા હતા. જ્યાં ઉત્તમદાસનું કોરોનાથી નિધન થયાનું જણાવ્યું હતું. જે બાદમાં તમામ વિધિ પણ કરવામાં આવી હતી.
આ કેસની મળી રહેલી માહિતી પ્રમાણે ઉત્તમદાસ એક કન્ટ્રક્શન કંપનીનો માલિક હતો. જેનું વાર્ષિક ટર્ન ઓવર આશરે પાંચ કરોડ રૂપિયા હતું. ઉત્તમે રાજસ્થાનમાં પોતાની કંપની મારફતે મૉડ્યૂલર ઑફિસ બનાવવાનો કોન્ટ્રાક્ટ લીધો હતો. જેનું કામ રાકેશ નામનો વ્યક્તિ જાેઈ રહ્યો હતો. રાકેશ હત્યામાં ધરપકડ કરવામાં આવેલા પાંચ આરોપીમાં શામેલ છે.
હત્યાના આયોજન પ્રમાણે મૃતકના મોટાભાઈ તપન અને મૃતકની પત્ની રૂપાએ ઉતમને કામ માટે ઉદયપુર મોકલ્યો હતો. બીજી તરફ તેણે રાકેશ અને તેના ચાર મિત્રોને ૧૨.૫૦ લાખ રૂપિયાની સોપારી આપીને તેનું કામ તમામ કરી દેવાનો આદેશ કર્યો હતો. ઉદયપુર ખાતે રાકેશ અને તેના મિત્રોએ દારૂના નશામાં ઉતમનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી અને તેના મૃતદેહને ઉદયસાગર તળાવાના કિનારે ફેંકી દીધો હતો.
આ કેસની રસપ્રદ વાત એ છે કે પોલીસે પહેલા આરોપીઓને પકડી લીધા હતા, જે બાદમાં લાશ મળી આવી હતી. પોલીસે તપાસ માટે આસામ ખાતે ઉતમના ઘરની પણ મુલાકાત લીધી હતી. અહીંથી પોલીસને મહત્ત્વના પુરાવા મળ્યા હતા. ગત વર્ષે પતિની હત્યા બાદ પત્નીએ ઉત્તમની તમામ ઉત્તરક્રીયા પણ પૂર્ણ કરી હતી. જાેકે, ઉત્તમના મોતનું પ્રમાણપત્ર ન મળવાને કારણે પતિની સંપત્તિ અને અન્ય લાભ તેણીને મળી રહ્યા ન હતા.આ જ કારણે રૂપા પતિના મોતનું બોગસ પ્રમાણપત્ર બનાવવા માંગતી હતી. આથી જ તેણી ઉદયપુરમાં છેલ્લા ઘણા દિવસોથી વચેટીયાઓના સંપર્કમાં હતી, જેમણે આ કામ કરવાનું વચન આપ્યું હતું. આ દરમિયાન જ વાત પોલીસ સુધી પહોંચી હતી અને આખો મામલો સામે આવ્યો હતો.