જેતપુરમાં ટ્રેનની અડફેટે આવતાં બે બાળકોનાં મોત
જેતપુર: જેતપુર ટ્રેનની અડફેટે આવી જતા ૨ બાળકોના અરેરાટીભર્યા મોત નિપજ્યા છે. બંને બાળકો રમતા સમયે જેતપુરથી પસાર થઈ રહેલી ત્રિવેન્દ્રપુરી-વેરાવળ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવ્યા હતા. ત્યાં જ તેમનુ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતું. ત્યારે બંને બાળકોના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ ઘટનાની જાણ થતાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
જેતપુરમાં ભાદર નદીના પુલ પાસે મહાકાળી ફિનિસીંગ વકર્સ નામનું સાડી ફિનિસીંગનું કારખાનું આવેલું છે. આ કારખાનામાં મૂળ બિહારના શંભુરામ પ્રસાદ અને સિદેની મંડલ નામના બે શખ્સ કામ કરે છે. બંને પરપ્રાંતિય પરિવાર જમીન પર સૂતા હતા, ત્યારે તેમના બાળકો નજીક રમી રહ્યા હતા. શંભુરામ પ્રસાદનો ૧૧ વર્ષનો દીકરો આર્યન અને સિદેની મંડલનો ૭ વર્ષીય દીકરો દીપુ ત્યાં રમતા હતા.
આ દરમિયાન બાળકો ભાદર નદીના પુલ ઉપર આવેલ ટ્રેનના પાટા પાસે આવી ચડ્યા હતા. બંનેનું ધ્યાન હતું અને ટ્રેન ક્યારે આવી ગઈ તે તેમને ખબર ન પડી. અચાનક ટ્રેન આવી જતા બંને બાળકોને ટ્રેને અડફેટે લીધા હતા. ઘટના સ્થળે જ બંને બાળકોના મોત થયા હતા. ટ્રેને બાળકોને અડફેટે લેતા ટ્રેનને પણ ઉભી રાખી દેવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકોના ટોળા ટોળા ઉમટી પડ્યા હતા. બંને બાળકોના મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. બંને બાળકોના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.