જેતપુરમાં વેપારીની આંખમાં મરચાં નાખી ૪૨ લાખની લૂંટ
જેતપુર: એકબાજુ દિવાળી નજીક આવી રહી છે અને લગ્નગાળાની સિઝનનો પણ ધમધમાટ છે ત્યારે બજારોમાં ખરીદીની રોનક છવાયેલી છે. જોકે, જેતપુરમાં નાનાચોક પાસે આવી જ ભરચક રહેતી સોની બજારમાં વેપારીની આંખમાં મરચાની ભૂકી છાંટીને ૪૨ લાખની લૂંટ ચલાવાઈ હતી. રમાકાંત રોડ વિસ્તારમાં બનેલી આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
મળતી વિગતો અનુસાર ધોરાજીના હિરપરાવાડી વિસ્તારમાં રહેતા ચીમનભાઈ કાળાભાઈ વેકરિયા નામના વેપારી જેતપુરમાં સોનાના દાગીના વેંચવા આવે છે. રાબેતા મુજબ જ્યારે તેઓ દાગીના આપવા જતા હતા ત્યારે લૂંટારુઓએ તેમને આંતરીને આંખમાં મરચાની ભૂકી છાંટી હતી. જે પછી સોનાના દાગીના ભરેલો થેલો જેમાં રોકડ રકમ પણ હતી તે તફડાવીને બાઈક પર લૂંટારુઓ વીજળીની ગતિએ ફરાર થયા હતાં.
નાના ચોક પાસે જ શ્રી હરિ જ્વેલર્સ દુકાન પાસેથી પસાર થયા હતા ત્યારે જ સોનાના વેપારી ચીમનભાઈ કાળાભાઈ પાસેથી લૂંટ ચલાવવામાં આવી હતી. લૂંટ ચલાવીને લૂંટારુઓ બાઈક પર જ ફરાર થયા હતાં. જોકે, લૂંટ દરમિયાન ચીમનભાઈએ લૂંટારુઓનો હિંમતથી પ્રતિકાર કર્યો હતો અને ઝપાઝપીમાં તેમને પગમાં ઈજા પહોંચી હતી. જેથી તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં છે.
સોનાના દાગીનાનું ટ્રેડિંગ કરવા આવેલા વેપારીને લૂંટીને બે લૂંટારુઓ ફરાર થઈ ગયા હતાં. દિનદહાડે ધમધમતી બજારમાં આ રીતે લૂંટ થવાના કારણે સોનાના વેપારીઓમાં પણ ફફડાટ પેસી ગયો છે. પોલીસ હાલ આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે અને લૂંટારુઓને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી છે.