જેતપુર તાલુકાના ગામોની આસપાસ સિંહ ફરતા દેખાયા
રાજકોટ, એશિયાઈ સિંહો ફરી એકવાર રાજકોટ નજીક પહોંચ્યા છે. વન વિભાગની ટીમે જૂનાગઢની સરહદે આવેલા જેતપુર તાલુકાના ગામની આસપાસ સિંહને ફરતા જાેયા હતા. અધિકારીઓએ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, ૭ સપ્ટેમ્બરથી રાજકોટથી માંડ ૮૦ કિમી દૂર આવેલા ગામોમાં સિંહના જુદા-જુદા ટોળા ફરી રહ્યા છે. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે, ગીર કે જે સિંહનું કુદરતી નિવાસસ્થાન છે તેની પાસે આવેલા બોરડી સમઢીયાળા તેમજ અન્ય ગામમાં ટોળા જાેવા મળ્યા હતા.
વન વિભાગના સૂત્રોએ દાવો કર્યો હતો કે, સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં આ વિસ્તારમાં છ સિંહનું ટોળુ જાેવા મળ્યું હતું પરંતુ બાદમાં તેઓ ત્યાંથી નીકળી ગયા હતા. તે પછી ત્રણ બાળસિંહ તેમજ એક સિંહણ સહિત ચાર ગામમાં હાલમાં ફરી રહ્યા છે.
રાજકોટના વન વિભાગના નાયબ વન સંરક્ષક પ્રસાદ રાધાકૃષ્ણાએ જણાવ્યું હતું કે સિંહોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે ગામના નામ જાહેર કરી શકતા નથી પરંતુ ભૌગોલિક રીતે આ વિસ્તાર ગીરની ખૂબ નજીક છે, તેથી તેઓ અહીંયા આવ્યા છે. ભારે વરસાદના કારણે, તેમને પાણી તેમજ રસ્તે રખડતા પશુ અને જંગલી ભૂંડ મળી રહે છે’. એક ગામમાં સિંહે નીલગાયનો શિકાર કર્યો હતો.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આ વિસ્તારમાં કપાસનો પાક સારી ઉંચાઈ પર હોવાથી સિંહ તેનો ઉપયોગ છુપાવા માટે કરે છે. સોમવારે રાતે આ સિંહના ટોળાએ પાળેલા બળદનો શિકાર કર્યો હતો. વન વિભાગની ટીમ અને ટ્રેકર્સ તેમની અવરજવર પર નજર રાખી રહ્યા છે અને તેના વર્તન અંગે ગ્રામજનોને જણાવી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, જેતપુર તાલુકાના ગામોમાં સિંહનુ હોવું તે નવી વાત નથી.
પીપળાવ ગામમાં માર્ચ મહિનામાં ચાર સિંહ જાેવા મળ્યા હતા અને તેમણે કેટલાક પશુઓનો શિકાર પણ કર્યો હતો. ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં, ૧૦ સિંહે રાતે અરબ ટીંબડી ગામમાં આવેલી ગૌશાળા પર હુમલો કર્યો હતો અને છ જેટલી ગાયનું મારણ કર્યું હતું.
જાન્યુઆરીમાં સ્થાનિક ધારાસભ્ય જયેશ રાદડિયાએ મુદ્દો ઉઠાવ્યા બાદ વન વિભાગે જેતપુરના ગામમાંથી આઠ સિંહને પકડ્યા હતા. છેલ્લા ૧૮ મહિનાથી સિંહ રાજકોટ જિલ્લાના અલગ-અલગ તાલુકામાં ફરી રહ્યા છે. ત્રણ સિંહનું જીવન જાેખમમાં હોવાનું જણાવીને વન વિભાગ અભયારણ્યમાં લઈ ગયું તે પહેલા તેઓ એક મહિનાથી જસદણના હલેન્દા તેમજ આજી ડેમ પાસે આવેલા સરધાર અને ત્રાંબા ગામમાં ફરી રહ્યા હતા.SSS