Western Times News

Gujarati News

જેતપુર રાઉન્ડમાં વનવિભાગની ટીમ પર પથ્થરોથી હુમલો

સુરત,સુરત જિલ્લાના માંડવીના જેતપુર રાઉન્ડમાં વન વિભાગની ટીમ પર હુમલોના બનાવને પગલે ચકચાર મચી છે. તપાસ દરમિયાન વન વિભાગની ટીમે લકડાચોર ગેંગ સામે કાર્યવાહી કરી ખેરના લાકડા, ટેમ્પો, સહિતનો મુદ્દામાલ કબ્જે કરી લીધો હતો. આ જપ્ત કરાયેલ મુદામાલને છોડાવવા લાકડાચોર ગેંગે હુમલો કર્યો હતો. જેને લઈને ૧૫ જેટલા શખ્સો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

માંડવીના જેતપુર પંથકમાં વૃક્ષોનો સોંથ બોલાવી બેફામ લાકડા ચોરી થતી હોવાની રાવને પગલે વન વિભાગની ટીમ તપાસ અર્થે ગઈ હતી. આ દરમિયાન ૧૫ જેટલા શખ્સો ગેરકાયદે ખેરના લાકડા કાપી ટેમ્પોમાં ભરી રહ્યા હતા. જેને પગલે વન વિભાગની ટીમે આરોપીઓની પૂછપરછ કરી ખેરના લાકડા, ટેમ્પો, સહિતનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

ત્યારબાદ ઉશ્કેરાઈ ગયેલ આરોપીઓએ વન વિભાગના સ્ટાફ પર પથ્થરમારો કર્યો હતો. જપ્ત કરવામાં આવેલ મુદ્દામાલને છોડાવવા શખ્સોએ હુમલો કર્યો હતો. જેથી બચવા માટે વનવિભાગે પણ હવામાં ફાયરિંગ કર્યું હતું. આથી લાકડા ચોરો નાશી છૂટયા હતા. માંડવીના જેતપુર રાઉન્ડની આ ઘટનાને લઈને ચર્ચા જાગી હતી. ત્યારબાદ આ મામલે માંડવી પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસે ગુન્હો નોંધી તાપસ હાથ ધરી છે.

આ અગાઉ તાજેતરમાં જ જૂનાગઢના વિસાવદર તાલુકાના હસનાપુર ગામમાં વનવિભાગના આરએફઓ અને સ્ટાફ પર હુમલાની ઘટના સામે આવી હતી. વનવિભાગના જર્જરિત કવાટર્સની હરરાજી સમયે એક શખ્સે હુમલો કર્યો હતો.

હરરાજી દરમ્યાન હસનાપુરમાં જ રહેતા હરેશ વલ્લભદાસ ગોંડલીયાએ તમે હરરાજી માટે અમને જાણ કરી નથી ઉપરાંત નીતિ-નિયમ મુજબ હરરાજીની યોગ્ય કાર્યવાહી કરી નથી તેમ કહી આર.એફ.ઓ. તથા સ્ટાફ સાથે ઝપાઝપી કરી હતી. જેમાં આર.એફ.ઓ.ને હાથની આંગળીમાં ઈજા પહોંચી હતી.ત્યારબાદ આ મામલે વિસાવદર પોલીસમાં ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ પણ નોંધાઇ હતી.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.