Western Times News

Gujarati News

જેતપુર- વ્યાજખોરોના ભારે ત્રાસથી કંટાળીને દંપતીએ ઝેર પીધું

હોઝિયરીની દુકાન ધરાવતા માલિકે લેણદારના ત્રાસથી ત્રાહિમામ થઈને પત્ની સાથે ઝેર પી જીવનનો અંત આણ્યોે

રાજકોટ,  રાજકોટ જિલ્લાના જેતપુર શહેરની ભાદર નદી પરના નવા પુલ પર બુધવારે હોઝિયરી દુકાનના માલિક અને તેની પત્નીએ ઝેર ગટગટાવીને જીવનનો અંત આણ્યો હતો. વ્યાજખોરોના ત્રાસથી પરેશાન થઈને બંનેએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે દંપતી, અલ્પેશ કનૈયા (૩૪) અને તેની ૩૨ વર્ષીય પત્ની છાયા જેતપુરના ગુજરાતી વાડીના રહેવાસી હતા. તેમણે મંગળવારે રાત્રે ઝેર પીધું હતું. જે બાદ બંનેને જેતપુરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં બુધવારે સવારે તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. દંપતીના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા.

અલ્પેશના ભાઈ વિકાસ કનૈયાએ પોલીસ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, છેલ્લા કેટલાક અઠવાડિયાથી વ્યાજખોરો તેના ભાઈને પરેશાન કરતા હતા. વિકાસે પોતાની ફરિયાદમાં તેમ પણ જણાવ્યું કે, અલ્પેશ જેતપુરના મુખ્ય બજાર વિસ્તારમાં આવેલી ભગવતી હોઝિયરીનો માલિક હતો અને છેલ્લા ૧૦ વર્ષથી ધંધો કરતો હતો.

લોકડાઉન લાગુ થયું તે પહેલા જ અલ્પેશે અલગ-અલગ વ્યક્તિ પાસેથી ધંધાનો વ્યાપાર વધારવા માટે ૧૫થી ૨૦ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જો કે, લોકડાઉનના કારણે તેનો બિઝનેસ પ્લાન ફ્લોપ ગયો અને તેને ભારે નુકસાન થયું. ફરિયાદમાં વધુ જણાવાયું છે કે, અલ્પેશ આર્થિક સંકડામણમાં હતો ત્યારે વ્યાજ સાથે ઉછીના પૈસાની ભરપાઈ કરવા માટે પૈસા આપનારા તેને પરેશાન કરતા હતા.

જેતપુર શહેર પોલીસ સ્ટેશનના સબ-ઈન્સપેક્ટર એસ.આર. ખરાડીએ કહ્યું કે, અલ્પેશે વ્યાજખોરો તેને પરેશાન કરી રહ્યા હોવાની વાત વિકાસને કહી હતી. ‘જ્યારે મંગળવારે રાત્રે અલ્પેશ અને છાયાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યારે અલ્પેશે વિકાસને કહ્યું હતું કે, તેણે જેની પાસેથી પૈસા લીધા છે તેની માહિતી દુકાનમાં રાખી છે’, તેમ ખરાડીએ કહ્યું. અમે હવે દુકાન ખોલીશું અને જેવી ત્યાંથી પૈસા આપનારની માહિતી મળી કે તરત જ આગળની કાર્યવાહી કરીશું’, તેમ તેમણે ઉમેર્યું. SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.