જેપી નડ્ડા ભાજપના ૧૧માં રાષ્ટ્રીય અધ્યક્ષ
નવી દિલ્હી, જગત પ્રકાશ નડ્ડા સામાન્ય સહમતીથી ભાજપના ૧૧માં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. તેમણે ચૂંટણી પ્રક્રિયા હેઠળ સોમવારે પાર્ટીના મુખ્યાલયમાં આ પદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેઓ બિનહરીફ ચૂંટાયા છે. તેઓ અમિત શાહ પછી બીજા એવા નેતા છે, જેમને ઉત્તરપ્રદેશમાં સફળતા બાદ પાર્ટીની કમાન સોંપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાર્ટી કાર્યાલયમાં તેમનું સ્વાગત કરશે, તેઓ અહીંયા કાર્યકર્તાઓને પણ સંબોધિત કરશે.તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉપરાંત સંઘના પણ અંગત માનવામાં આવે છે. શાહે કેન્દ્રીય મંત્રી બન્યા બાદ નડ્ડાને ૧૯ જૂન ૨૦૧૯ના રોજ કાર્યકારી અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપી હતી.
પાર્ટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, નિતીન ગડકરી સહિત સમસ્ત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને ડે.સીએમ, રાજ્યના પ્રદેશ અધ્યક્ષ જેપી નડ્ડાના નામનો પ્રસ્તાવ મૂકશે. ચૂંટણી પ્રક્રિયા હેઠળ નડ્ડા સવારે ૧૦.૩૦ વાગ્યા બાદ ઉમેદવારી ફોર્મ ભરશે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ કાર્યાલયમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધશે.
ભાજપે તમામ રાજ્ય અધ્યક્ષ, સંગઠન મહામંત્રી અને રાજ્યમાં કોર ગ્રુપ સભ્યોને દિલ્હીમાં આવેલી પાર્ટીના મુખ્ય કાર્યાલય ખાતે બોલાવ્યા છે. ચૂંટણી પ્રભારી રાધામોહન સિંહની ટીમે મતદાતાની યાદી તૈયાર કરી છે. નડ્ડાના અધ્યક્ષ બન્યા બાદ પાર્ટીમાં સચિવ અને ઉપાધ્યક્ષના પદ પર પણ ફેરફાર કરવામાં આવશે. જો કે, મહાસચિવ સ્તરે પણ ફેરફારની શક્યતાઓ છે.
જેપી નડ્ડા રાજ્યસભાથી સાંસદ છે. તેઓ ભાજપના સંસદીય બોર્ડના પણ સચિવ છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ તેમણે યુપીની જવાબદારી સોંપી હતી. ત્યાં ભાજપે ૮૦માંથી ૬૨ બેઠકો પર જીત મેળવી હતી. જૂન ૨૦૧૯માં નડ્ડાને કાર્યકારી અધ્યક્ષ બનાવાયા હતા. ત્યારબાદથી અટકળો હતી કે પૂર્ણકાલિક અધ્યક્ષ તરીકે તેઓ અમિત શાહના ઉત્તરાધિકારી હશે.