જેફ બેજોસને પછાડીને બિલ ગેટ્સ બન્યા વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/10/Bill-Gates-1024x695.jpg)
નવીદિલ્હી, એમેઝોનના સંસ્થાપક જેફ બેજોસ હવે વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ રહ્યાં નથી. એકવાર ફરીથી માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે. ત્રીજા ક્વાર્ટરના પરિણામ બાદ બેજોસની સંપત્તિ આશરે ૭ બિલિયન ડોલર ઓછી થઈ ગઈ છે. બેજોસની કુલ સંપત્તિ ઘટીને હવે ૧૦૩.૯૦ બિલિયન ડોલર થઈ ગઈ છે.
બિલ ગેટ્સની વાત કરીએ તો તેમની કુલ સંપત્તિ ૧૦૫.૭૦ બિલિયન ડોલર છે. મહત્વનું છે, ૨૦૧૮ પહેલા બિલ ગેટ્સ સતત ૨૪ વર્ષ સુધી વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ રહ્યાં હતા. તે વર્ષે જેફ બેજોસની કુલ સંપત્તિ ૧૬૦ બિલિયન ડોલર થઈ ગઈ અને તેઓ વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા હતા.
ફોર્બ્સના રિપોર્ટ પ્રમાણે, એમેઝોનની નેટ ઇનકમમાં ત્રીજા ક્વાર્ટરમાં ૨૬ ટકાનો ઘટાડો નોંધાયો છે. ૨૦૧૭ બાદ આ પ્રથમ ક્વાર્ટર છે જ્યારે કંપનીને નુકસાન થયું છે. બિલ ગેટ્સ પ્રથમવાર ૧.૨૫ બિલિયન ડોલરની સંપત્તિની સાથે ૧૯૮૭મા ફોર્બ્સની લિસ્ટમાં વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ બન્યા હતા. એક વર્ષ બાદ ૧૯૮૮મા ટોપ-૪૦૦ (અમેરિકન)ની લિસ્ટમાં પ્રથમવાર જેફ બેજોસે જગ્યા બનાવી હતી. આ વર્ષે અપ્રિલ મહિનામાં જેફ બેજોસના વિશ્વના સૌથી મોંઘા છૂટાછેડા ૩૬ બિલિયન ડોલરના થયા હતા