Western Times News

Gujarati News

જેમણે વતનના ગામના ઘર ખેતર છોડ્યા એ જાણે કે મૂળિયાં વગરના માણસ થઈ ગયાં છે

ચાલો આજે કોરોનાને છોડી કુદરતની વાત કરીએ – વડોદરાની ફાઈન આર્ટ્સ કોલેજમાં ભણેલું કલાકાર દંપતી નર્મદા કાંઠે આવેલા ખેતરમાં રહે છે કલા સર્જનની સાથે ખેતી સંભાળે છે

કાનનનું પહેલું કલા પ્રદર્શન વનસ્પતિના લીલા સૂકા પાંદડા પર ભરતકામની કલાકૃતિઓનું યોજાયું હતું તો ચંદ્રશેખરે કેવડીયાના કેક્ટસ ગાર્ડનમાં સોહામણા ટાઇલ્સ મ્યુરલનું સહયોગી સર્જન કર્યું છે

ટેસ્ટ પોઝિટિવ આવે એટલે કોરોના થયો ગણાય અને તેની સાથે જ દર્દી અને સગાવ્હાલા સહુના જીવનમાં અસહાયતાની નેગેટિવિટી પરાણે પ્રવેશી જાય.તો ચાલો આજે કોરોનાની મોંકાણ કોરાણે મૂકી કુદરતની અને કલા સર્જનની રળિયામણી વાત કરીએ.

આ રળિયામણી વાત એક એવા દંપતીની છે જેમણે વડોદરાની પ્રતિષ્ઠિત ફાઈન આર્ટ્સ ફેકલ્ટીમાં કલાનું પ્રશિક્ષણ લીધું છે અને શહેરી ઝાઝકમાળ છોડીને ચાણોદના નર્મદા કાંઠે ખેતરમાં રહેવાનું પસંદ કર્યું છે.

તેઓ અહીંની કુદરતી મોકળાશ માં કલ્પનાના મેઘધનુષને કલાકૃતિઓમાં કંડારે છે અને તેની સાથે પોતાના પરિવારની કેળા, પપૈયા જેવી ખેતી પણ સંભાળે છે.કલાને ખેતી સાથે જોડીને જાણે કે તેઓ તેમના દામ્પત્યને અને જીવનને શણગારી રહ્યાં છે.

કાનન કહે છે કે અમે કોરોનાથી ડરીને નહિ પણ સ્વ પસંદગીથી કુદરતના ખોળે વસવાટ કર્યો છે.આ જ તો આપણા મૂળ છે. જેમણે વતનના ગામના ઘર ખેતર છોડ્યા છે તેઓ જાણે કે મૂળિયાં વગરના માણસ થઈ ગયાં છે.

અત્યારે આ લોકો કલા સર્જન કરવાની સાથે ગ્રીન બેરિઝ વરાયટીના રસ મધુરા પપૈયા અને કેળાની ખેતીની દેખભાળ કરી રહ્યાં છે. આ અત્યંત મીઠાં પપૈયા જો કે શહેરની બજારથી દૂર હોવાથી પાણીના ભાવે વેચવા પડે ત્યારે દુઃખ થાય છે.સાથે રોજીંદી જરૂરની શાકભાજી ઉછેરી આત્મનિર્ભરતા કેળવી રહ્યાં છે.

કાનન કહે છે મારું પહેલું કલા પ્રદર્શન વનસ્પતિના લીલા સૂકા પાંદડાઓ પર મેં ખૂબ નાજુકાઈ થી કરેલા ભરતકામ જેને કદાચ લીફ એમ્બ્રોઈડરી કહી શકાય એવી કલાકૃતિઓનું કર્યું હતું જેને પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો હતો.

ચંદ્રશેખર સ્કલ્પટર એટલે કે શિલ્પી છે કલે આર્ટની સાથે વિવિધ પ્રકારના કલા માધ્યમો માં કામ કરે છે અને આર્ટ એકઝીબિસનમાં તે પ્રદર્શિત કરે છે. હાલમાં જો કે કોરોનાને લીધે આ આયોજનોમાં ઓટ આવી છે,ઓનલાઇન પ્રદર્શનો યોજાય છે પણ એમાં લાઈવ જેવી રંગત નથી.

સ્ટેચ્યુ ઓફ યુનિટી સંલગ્ન આકર્ષણોના ભાગરૂપે કેવડીયા માં સરદાર સરોવર ડેમ નજીક  અત્યંત દર્શનીય કેક્ટસ પાર્ક બનાવવામાં આવ્યો છે.ત્યાં આ દંપતીએ સાથે મળીને કેક્ટસ એટલે કે થોરનું સૌંદર્ય ઉજાગર કરતા ટાઈલ્સ મયુરલની નયનરમ્ય રચના કરી છે.રંગબેરંગી મોટી ટાઈલ્સ ભાંગી ને એના રંગીન ટુકડાઓમાં  જાણે કે કેક્ટસ ઊગ્યા હોય એવું કલાત્મક આ સર્જન છે. અમદાવાદના કોનફ્લિક્ટોરિયમ મ્યુઝિયમ માટે લાકડાની કલાકૃતિઓ બનાવી છે. ખેતરના ખોળે જાણે કે કલાનો પાક આ લોકો ઉગાડે છે.

તેમના ખેતર નજીક નર્મદાના કોતરો આવેલા છે જ્યાં વિપુલ પ્રમાણમાં વૃક્ષો અને ઝાડીઓ છે.અવિચારી લોકો તે આડેધડ કાપે ત્યારે આ દંપતી ખૂબ દુઃખ અનુભવે છે.હાલમાં ઓકસીજન ની વિપદા સહુ અનુભવી રહ્યાં છે ત્યારે છે એટલા વૃક્ષો સાચવીએ અને શક્ય તેટલાં વધુ વૃક્ષો ઉછેરીએ તેવી તેમની અપીલ છે.

મૂળે ખેડૂત પુત્રી કાનન ને ઝાડ,નદી,છોડવા અને ખેતરો ટુંકમાં કુદરત સાથે લગાવ રહ્યો છે.અલગારી ચંદ્રશેખરને કુદરતમાં જે કલા દેખાય છે એને સર્જનથી સાકાર કરે છે.આજે શહેર ભલે જાકારો આપે તો પણ લોકો શહેર તરફ દોટ  મૂકી રહ્યાં છે ત્યારે આ દંપતીનું કુદરતના ખોળા તરફનું પ્રયાણ એક નવી દિશા સૂચવે છે.આ કોરોનાના ડર થી થયેલું પલાયન નથી પ્રકૃતિ પ્રત્યેના પ્રેમથી થયેલું બેક ટુ નેચર પુનરાગમન..છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.