જેમ્સ બોન્ડ ફેમ સીન કોનેરીનું ૯૦ વર્ષે નિધન
એડનબર્ગ, “માય નેમ ઈઝ બોન્ડ……જેમ્સ બોન્ડ” જ્યારે જ્યારે પણ પડદા પર આ ડાયલોગ બોલાયો છે ત્યારે સિનેમાહોલ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યું છે. જોકે, જેમ્સ બોન્ડ સીરિઝના પહેલા જાસૂસ અને બોન્ડ એક્ટર સીન કૉનેરીનું નિધન થયું છે. સ્કોટલેન્ડના એક ગરીબ બોડી બિલ્ડરથી હોલિવૂડના સૌથી મેગાસ્ટાર હીરો બનનાર એક્ટર અને સૌથી ચર્ચીત સીરિઝ જેમ્સ બોન્ડના હીરો સીન કૉનેરીના નિધનથી ફેન્સ દુઃખી છે. સીન કૉનેરી ૯૦ વર્ષના હતાં.
લીજેન્ડરી એક્ટરે જેમ્સ બોન્ડ સીરિઝની સાત ફિલ્મ્સમાં કામ કર્યું હતું. ઓસ્કર એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતાં. તાજેતરમાં જ ઓગસ્ટ મહિનામાં આ લેજન્ડરી એક્ટરે પોતાનો ૯૦મો જન્મદિવસ ઉજવ્યો હતો. સીન કૉનેરીએ ૧૯૬૨થી ૧૯૮૩ના ગાળામાં જેમ્સ બોન્ડ સીરિઝની ફિલ્મમાં લીડ રોલ ભજવ્યો હતો.
જો વાત કરવામાં આવે સીન કૉનેરીના કરિયરની તો તેમણે બોન્ડ સીરિઝ ઉપરાંત ઈન્ડિયાના જ્હોન્સમાં પણ કામ કર્યું હતું. તેમનું ફિલ્મી કરિયર ખૂબ જ શાનદાર રહ્યું છે. તેમને બેસ્ટ એક્ટિંગનો ઓસ્કર, બે બાફ્ટા એવોર્ડ તેમજ ત્રણ ગોલ્ડન ગ્લોબ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.