જેરાર્ડ સાથે બ્રેકઅપનો આઘાત શકિરા હજુ વિસરી નથી
સંગીતે મુશ્કેલ દોરમાં શકિરાને મદદ કરી હતી
૧૧ વર્ષ સુધી સાથે રહ્યા બાદ શકિરાએ ૨૦૨૨માં જેરાર્ડ સાથે બ્રેક અપની જાહેરાત કરી હતી
મુંબઈ,ગ્લોબલ મ્યુઝિકલ સ્ટાર શકિરાનું તેનાં ફીટબોલર બોયફ્રેન્ડ જેરાર્ડ પિક સાથે બ્રેક અપ થઈ ગયું અને તે આ સંબંધથી આગળ વધી ગઈ છે, પરંતુ એ વખતે તેણે અનુભવેલું દુઃખ તે ભુલી શકતી નથી. તાજેતરનાં જ એક ઇન્ટરવ્યુમાં તેણે આ દિવસો વિશે વાત કરી હતી. શકિરાએ જણાવ્યું કે બ્રેક અપના કારણે તે ભાવનાત્મક રીતે તૂટી ગઈ હતી અને તેનાથી તેના જીવન પર ખૂબ મોટી અસર પડી છે. ૧૧ વર્ષ સુધી સાથે રહ્યા બાદ શકિરાએ ૨૦૨૨માં જેરાર્ડ સાથે બ્રેક અપની જાહેરાત કરી હતી. જેણે ખૂબ ચર્ચાઓ જગાવી હતી.
જેરાર્ડથી અલગ થવા બાબતે શકિરાએ કહ્યું, “મારા જીવનમાં એ સૌથી વધુ સંઘર્ષમય દિવસો હતા, એટલાં ખરાબ દિવસો મેં જીવનમાં ક્યારેય જોયાં નથી, એ એક અંધકારમય સમય હતો, જેમાં મારાથી કોઈ પણ કામ થઈ શકતું નહોતું.” આગળ શકિરાએ જણાવ્યું, “મને એવું લાગતું હતું જાણે કોઈએ મારી છાતીમાં છૂરો ભોંકી દીધો હોય. તેની અસર મારા આખા શરીરમાં થઈ હતી. મને એવું લાગતું હતું કે જાણે મારી છાતીમાં મોટું કાણું થઈ ગયું હોય અને લોકો તેની આરપાર જોઈ રહ્યા છે.”
આ અગાઉ ૨૦૨૩માં શકિરાએ તેના આ મુશ્કેલ સમયને તેના મ્યુઝીક દ્વારા રજૂ કર્યાે હતો અને ૨૦૨૩માં એ અંગે એક ઇન્ટર્વ્યુમાં પણ થોડી વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, “જેરાર્ડે તેની સાથે દગો કર્યાે હતો, એ વખતે શકિરાના પિતા એક ગંભીર એક્સિડન્ટ પછી આઈસીયુમાં સારવાર હેઠળ હતા.” એવું કહેવાતું હતું કે જેરાર્ડે શકિરા સાથે તેની હાલની ગર્લફ્રેન્ડ ક્લારા શીઆ માર્ટી માટે છેતરપિંડી કરી હતી. શકિરાએ પોતાના સંગીત દ્વારા આ મુશ્કેલ સફરમાંથી બહાર આવવા અંગે કહ્યું હતું કે, “એ મારી જાત તરફ પાછા ફરવાની સફર હતી અને ત્યાં જવાનો માર્ગ મને સંગીતમાંથી મળ્યો. આ પ્રક્રિયામાં મારામાં સ્વાયત્તતા અને સ્વતંત્રતાની સૂઝ જન્મી.”
શકિરા અને જેરાર્ડ ૨૦૧૦માં મળ્યાં હતાં, ત્યાર પછી તેઓ એક દાયકાથી વધુ સમય સુધી સાથે હતા પરંતુ તેમણે લગ્ન કર્યા નહોતા. તેમને બે દિકરા છે, નવ વર્ષનો મિલાન અને સાત વર્ષનો સાશા. જૂન ૨૦૨૨માં શકિરાએ એક નિવેદનથી પોતાના અલગ થવાની જાહેરાત કરી હતી. તેણે લખ્યું, “અમે દુખ સાથે એ જાહેર કરીએ છીએ કે અમે હવે અલગ થઈ રહ્યાં છીએ. અમારા બાળકો અમારી પ્રાથમિકતા છે તેથી તેમના ભલા માટે હાલ અમારે થોડાં અંગત સમયની જરૂર છે. તમારી સમજ અને સન્માન માટે પહેલાંથી જ આભાર.” ગયા વર્ષે જેરાર્ડે ઇન્સ્ટાગ્રામ પર ક્લારા શીઆ માર્ટી સાથેના સંબંધને અધિકૃત જાહેર કર્યાે હતો. તે શકિરા સાથે હતો ત્યારથી જ તે ક્લારા સાથે ડેટ કરી રહ્યો હોવાનું કહેવાતું હતું.ss1