જેરૂસલેમની અલ અક્સા મસ્જિદમાં ઈઝરાયેલ પોલીસ અને પેલેસ્ટાઈનના લોકો વચ્ચે અથડામણ
નવી દિલ્હી, હાલમાં ચાલી રહેલા રમઝાન માસ વચ્ચે ઈઝરાયેલની રાજધાની જેરૂસલેમમાં આવેલી અલ અક્સા મસ્જિદમાં ઈઝરાયેલની પોલીસ તેમજ પેલેસ્ટાઈનના લોકો વચ્ચે અથડામણ થઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે.
એવુ કહેવાય છે કે, અહીંયા ફાટી નિકળેલી હિંસામાં 67 લોકો ઘાયલ થયા છે. ઈઝરાયેલ આ મસ્જિદ પર પોતાનો અધિકાર હોવાનુ ગણાવે છે અને તેણે પેલેસ્ટાઈનના લોકોને અહીંયા આવવા પર પ્રતિબંધ ફરમાવેલો છે. રમઝાનના પગલે આ બેન હટાવવામાં આવ્યો છે.
આજે સવારની નમાઝ માટે મસ્જિદમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા અને તે દરમિયાન હિંસા ફાટી નિકળી હતી.
ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે સવાર પડે તે પહેલા ઈઝરાયેલની પોલીસ મસ્જિદમાં પ્રવેશી ગઈ હતી. દરમિયાન ઈઝરાયેલનુ કહેવુ છે કે, પથ્થમારો કરવા માટે મસ્જિદમાં પથ્થરો ભેગા કરવામાં આવ્યા હતા અને તેની જાણકારી મળ્યા બાદ તેને હટાવવા માટે પોલીસ મસ્જિદમાં ઘુસી હતી. સંભવિત હિંસાને રોકવા માટે પોલીસને પથ્થરો હટાવવા મજબૂર બનવુ પડ્યુ હતુ.
પોલીસે કહ્યુ હતુ કે, નમાઝ બાદ વિખેરાયેલી ભીડમાં સામેલ કેટલાક લોકોએ પશ્ચિમ તરફની દિશામાં આવેલા એક પવિત્ર યહૂદી સ્થળ પર પથ્થરો ફેંકવાનુ શરૂ કર્યુ હતુ અને તેના કારણે પોલીસને કાર્યવાહી કરવા માટે મજબૂર બનવુ હતુ.
દરમિયાન વિડિયોમાં પેલેસ્ટાઈનના લોકો પથ્થર ફેંકી રહ્યા હોવાનુ અને ઈઝરાયેલ પોલીસ ટીયરગેસના સેલ ફેંકતા જોઈ શકાય છે.
સામ સામી અથડામણમાં 67 લોકો ઘાયલ થયા હોવાનુ પેલેસ્ટાઈનની ઈમરજન્સી સર્વિસનુ કહેવુ છે.
ગયા વર્ષે પણ રમઝાન દરમિયાન અલ અક્સા મસ્જિદ પર હુમલા થયા હતા અને એ પછી ઈઝરાયેલ અને આતંકી જૂથ હમાસ વચ્ચે જંગ શરૂ થઈ ગયો હતો. જે અગિયાર દિવસ ચાલ્યો હતો.
આ વખતે પણ છેલ્લા કેટલાક દિવસથી હમાસ તેમજ બીજા જૂથો પેલેસ્ટાઈનના લોકોને મસ્જિદમાં ભેગા થવા માટે અપીલ કરી રહ્યા છે. કારણકે લોકોને ડર લાગી રહ્યો છે કે, ઈઝરાયેલ આ મસ્જિદ પર કબ્જો જમાવવા માંગે છે અથવા તેના ભાગલા કરવા માંગે છે.
1967માં થયેલા યુધ્ધ બાદ ઈઝરાયેલે પૂર્વ હિસ્સામાં આવેલી આ મસ્જિદને અને બીજા પવિત્ર સ્થળોને પોતાના તાબામાં કરી લીધા છે. પેલેસ્ટાઈનના લોકો માંગણી રહ્યા છે કે, ઈઝરાયેલના કબ્જામાં રહેલો પૂર્વ ભાગ અમારા સ્વતંત્ર દેશની રાજધાની બને.