જેલના બાથરૂમમાં હિડન કેમરા લગાવ્યા હતા : મરિયમ
કરાચી: પાકિસ્તાનની રાજનીતિમાં હાલના દિવસોમાં હોબાળો મચી ગયો છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફની દીકરી મરિયમ નવાજ શરીફએ ઈમરાન ખાન પર એક પછી એક ગંભીર આરોપ લગાવી રહી છે. હવે મરિયમે કહ્યું છે કે ઈમરાન ખાન તેમનાથી એટલા બધા ડરી ગયા હતા કે તેઓએ જેલના એ સેલના બાથરૂમમાં હિડન કેમેરા લગાવી દીધા હતા, જ્યાં તેમને રાખવામાં આવ્યા હતા. મરિયમે ઈમરાન ખાનની સરકારને મહિલા વિરોધી પણ ગણાવી. નોંધનીય છે કે પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાજ શરીફની ઉપાધ્યક્ષ મરિયમ નવાજની ગયા વર્ષે ચૌધરી શુગર મિલ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
બીબીસી ઉર્દૂને આપેલા એક ઇન્ટરવ્યૂમાં મરિયમ નવાજે કહ્યું કે, હું બે વાર જેલ ગઈ છું. મહિલાઓ સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે તેના વિશે જણાવવા લાગીશ તો અહીંની સરકાર અને અધિકારી મોં બતાવવા લાયક નહીં રહે. કોઈ પણ મહિલા જે પાકિસ્તાન કે પછી ક્યાંય પણ હોય તે નબળી નથી. આજે સંઘર્ષ કરી રહી છું, તેથી હું એ નથી દર્શાવવા માંગતી કે હું પ્રભાવિત હતી, હું તેને લઈને રડવા નથી માંગતી કે મારી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો. પરંતુ હું એ સત્ય ચોક્કસ દુનિયા સામે લાવવા માંગું છું કે જેલોમાં મહિલાઓની સ્થિતિ શું છે.
મરિયમ નવાજે ઈમરાન ખાનની સરકાર પર જોરદાર હુમલો કરતાં વધુમાં કહ્યું કે, જો મરિયમ નવાજનો દરવાજો તોડી શકાય છે, જો સત્ય બોલવા માટે તેમના પિતાની સામે ધરપકડ કરવામાં આવે છે, જો જેલના સેલના બાથરૂમમાં કેમેરા લગાવી શકાય છે અને અંગત રીતે હુમલા કરવામાં આવી શકે છે
તો પછી પાકિસ્તાનમાં કોઈ મહિલા સુરક્ષિત નથી. નોંધનીય છે કે, ગત મહિને પાકિસ્તાનમાં ઈમરાન સરકારની વિરુદ્ધ વિપક્ષે કરાચીમાં રેલી આયોજિત કરી હતી. આ રેલીમાં સંયુક્ત રીતે ૧૧ વિપક્ષ પાર્ટીઓ સામેલ હતી અને હજારોની સંખ્યામાં સમર્થક એકત્ર થયા હતા. આ સંયુક્ત વિપક્ષી ગઠબંધનનું નેતૃત્વ મૌલાના ફજલુર રહમાન કરી રહ્યા હતા. લંડનથી વીડિયો લિંકના માધ્યમથી આ રેલીને સંબોધિત કરતાં નવાજ શરીફે પાકિસ્તાનના વડાપ્રધાન અને સેના પ્રમુખ પર સત્તાથી તેમને હટાવી દેવાની વાત કહી. નવાજ શરીફે ઈમરાન સરકારને કઠપુતલી સરકાર પણ ગણાવી હતી. ત્યારબાદ તેમની દીકરી મરિયમ નવાજે કરાચીની રેલીમાં કહ્યું કે નવાજ શરીફ ફરી સત્તામાં આવશે અને ઈમરાન ખાન જેલ જશે.