જેલમાં બંધ ડોન છોટા રાજન પર સીબીઆઇએ ૪ કેસ કર્યા
નવીદિલ્હી, કેન્દ્રીય તપાસ બ્યુરોએ તિહાર જેલમાં બંધ અન્ડરવર્લ્ડ ડોન છોટા રાજન અને તેના સાથીઓ વિરુદ્ધ ૪ નવા કેસ નોંધાયા છે. સીબીઆઈએ આ કેસ હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી અને ગુનાહિત કાવતરાના આરોપ હેઠળ નોંધ્યા છે. હજી સુધી આ ચારેય કેસ મહારાષ્ટ્ર પોલીસે હેન્ડલ કર્યા હતા. પરંતુ હવે આ તમામ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
લગભગ ચાર વર્ષ પહેલા છોટા રાજનને ૨૫ ઓક્ટોબર ૨૦૧૫ ના રોજ ઇન્ડોનેશિયાથી ધરપકડ કરવામાં આવી હતી. છોટા રાજન હાલમાં દેશની સલામત ગણાતી દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. તાજેતરમાં જ પોલીસને સમાચાર મળ્યા હતા કે દાઉદનો જુનો સાથી છોટા શકીલ છોટા રાજનની હત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, ત્યારબાદ રાજનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ડી-કંપનીની ધમકીને કારણે અન્ડરવર્લ્ડ ડોનને વોર્ડ પરિસરની બહાર જવાની મનાઈ છે.
ઉલ્લેખનીય છે કે સીબીઆઈએ ગત વર્ષે ઓક્ટોબરમાં રાજન સામે પાંચ નવા કેસ લીધા હતા. સપ્ટેમ્બરની શરૂઆતમાં સીબીઆઈએ રાજન, ભરત નેપાળી અને તેના નજીકના સાથીઓ વિરુદ્ધ હત્યા, ખંડણી, અપહરણ અને અન્ય ગેરકાયદેસર હથિયાર રાખવાના આરોપમાં ૧૨ નવા કેસ નોંધ્યા હતા. આ કેસો ૭૧ કેસોનો ભાગ છે જે મુંબઈ પોલીસથી સીબીઆઈમાં ટ્રાન્સફર કરાયા હતા