જેવું કર્મ તેવું ફળ…
આપણે કહીએ છીએ કે, ‘કરો તેવું પામો.’ ‘અન્ન તેવો ઓડકાર’ તથા ‘વાવો તેવું લણો.’ આપણે જે કર્મ કરીએ છીએ તેવું ફળ મળતું જ હોય છે. જેવાં કર્મો કર્યા હોય, એનો બદલો મળતો જ હોય છે. ‘શુક્રનીતિ’માં કહ્યું છેઃ માણસે કરેલા કર્મોનું ફળ અવશ્ય ભોગવવું જ પડે છે.’એ જ વાત ‘કાદમ્બરી’માં કહેવામાં આવ્યું છે. ‘પોતે કરેલાં કર્મનું ફળ નિશ્ચતપણે પોતાને ભોગવવું જ પડે છે’ કર્મ બોલ્યા વિના રહેતું નથી. માણસ કર્મોથી ઓળખાય છે. તમે આજે જે કર્મ કરો છો. એ નથી કર્યું એ કેવી રીતે કહેવાય? ઈશ્વર તો ગજ-કાતર લઈને બેઠો છે.
‘વધે ઘટે તેને કરે બરાબર, સૌની લે સંભાળ.’ તમે એમ ના માનતા કે, ખોટાં કામ કરીને તમે છૂટી જશો. આપણે આજે જોઈએ છીએ કે, કેટલાક લોકો અનીતિ કરીને આનંદથી જીવતા હોય છે. પણ એમનો આજનો આનંદ એ એમની આવતીકાલના દુઃખનો દરવાજો છે. ખોટું એ ખોટું જ છે. આપણે શરૂઆતમાં જોયું છે એમ બાવળ વાવીને કેરીની આશા રાખીએ તો શું થાય ? કાંટા જ વાગે ને ! ‘ચાણક્ય સૂત્ર’માં કહ્યું છે ઃ ‘યથા બીજ તથા નિષ્યતિ.’ અર્થાત ‘જેવાં બીજ એવાં ફળ,’ આજે નહિ તો કાલે એનાં પરિણામ ભોગવવાનાં જ છે, એ સમજી લેવું જોઈએ.
કોઈને દગો કરી, કોઈને પીડીને, કોઈનું પડાવી લઈને, કોઈને ધાક-ધમકી આપીને જે ભેગું કરે છે, એને વહેલા યા મોડા એનાં કર્મોનું વ્યાજ ચૂકવવું પડે છે. વાલ્મીકિ ‘રામાયણ’માં કહે છેઃ ‘હે નિશાચર! જેવી રીતે ભોજનમાં ભેળવેલા ઝેરનું પરિણામ તરત જ ભોગવવું પડે છે એવી રીતે જ સંસારમાં કરેલાં પાપકર્મોનું ફળ પણ તરત જ મળતું હોય છે.’ આજે તમને થાય કે, આ લોકોને મૂર્ખ બનાવીને કેવા છેતર્યા? પણ એવું નથી. તમે બીજાના Ìદયને- આત્માને ઠેસ પહોંચાડો છો એનો સરવાળો કરનાર કોઈક બેઠો જ છે.
આપણે ઘણી વખત જોઈએ છીએ કે, સજ્જન માણસો પણ દુઃખ ભોગવતા હોય છે. વેદવ્યાસે ‘મહાભારત’ના ‘શાંતિપર્વ’માં કહ્યું છેઃ ‘જે જે માણસોએ પોતાના પૂર્વજન્મોમાં જેવાં જેવાં કર્મ કર્યા છે. તે પોતે કરેલાં એ કર્મોનું ફળ સદા એકલો જ ભોગવે છે.’ કર્મ કોઈને છોડતું નથી. સંસ્કૃતમાં લોકોકિત છેઃ ‘યઃ ફૂરતે સ ભૂક્તે’ અર્થાત ‘જે કર્મ કરે છે, તે એનું ફળ પણ ભોગવે છે.’ આજે જે કર્મ ખોટું કરીએ, તે આપણને સારું લાગે પણ એનું પરિણામ આવે ત્યારે ભારોભાર પસ્તાવો થાય. પણ પછી તો ‘અબ પસ્તાવે કયા હોવત હૈ?’
કબીર સાહેબે કહ્યું છેઃ‘કરતા થા સો કયોં કિયા અબ કર કયૂં પછતાય,
બોયા પેડ બબૂલ કા આમ કર્હાં સે ખાય.’
બાવળના કાંટા હોય, કેરી નહીં. જે કરો એને ભોગવ્યા સિવાય છૂટકો નથી. આજે તો માણસ વિશ્વાસઘાત કરતાં એક સેકન્ડ પણ વિચાર કરતો નથી. એને એટલો સમય આનંદ-સુખ મળતું હોય છે. પણ એણે કરેલા દગાનું જયારે પરિણામ આવે ત્યારે એને કલ્પના પણ ન હોય, એવું થતું હોય છે. ‘કથાસરિત્સાગર’માં કહ્યું છેઃ ‘આકાશમાં ફેંકેલો કચરો ફેંકનાર ઉપર જ પડતો હોય છે.’ આટલી બાબત જેની સમજમાં આવે તે ખોટાં કર્મ કરતાં સો વખત વિચાર કરે. પણ જે માણસ પોતાના લોભમાં આંધળો બની ગયો હોય, એ વિચારી શકતો નથી.
‘નલચમ્પૂ’માં કહ્યું છેઃ ‘જેના દ્વારા જેવાં શુભ-અશુભ કર્મ કર્યાં છે, એને એવું જ ફળ ઈશ્વર આપે છે.’ ‘વાલ્મીકિ રામાયણ’માં પણ કહ્યું છેઃ ‘કર્તા શુભ-અશુભ જે પણ કર્મ કરે છે, તેને એના પ્રમાણે ફળસ્વરૂપે સુખ કે દુઃખ પ્રાપ્ત થાય છે.’ એમાં જ અન્ય કહ્યું છેઃ ‘જે કાર્યનો આરંભ કરતા સમયે ગુરુતા-લઘુતાને જાણતો નથી, થનારા લાભલાભને સમજતો નથી, એ મૂઢ માણસ છે.’
વેદવ્યાસે ‘મહાભારત’માં કહ્યું છેઃ ‘સારા કર્મથી સુખ તથા પાપ કર્મથી દુઃખ મળે છે, સામાન્ય રીતે કર્મ જ ફળ આપે છે, કર્મ કર્યા વિના ફળ મળતું નથી.’ કર્મની ગતિ ન્યારી છે. આજે આપણે જેવું વિચારતા હોઈએ, એવું કાલે મળે પણ નહીં. ‘ગણેશપુરા’માં કહ્યું છેઃ ‘કર્મની ગતિ અકળ છે, ક્યારે શું થશે, ખબર નથી. માણસ પર્વતની ખોદાઈ કરે છે, પણ ફળ સ્વરૂપે મરેલા ઉંદર પણ મળી આવે છે.’ જે ધાર્યુ હતું એ ના પણ મળે. સંસ્કૃતમાં કોઈએ કહ્યું છેઃ ‘પૂર્વે કરેલાં કર્મોનું ફળનું બંધન છાયાની જેમ માણસને છોડતું નથી.’
માણસ જેમ પડછાયાને છોડી શકતો નથી એમ કરેલાં કર્મ માણસને છોડતાં નથી. કોઈ અજ્ઞાતે સંસ્કૃતમાં કહ્યું છેઃ ‘જેની પાસેથી લઈને ઋણ અહીં-તહીં ચકવ્યું નથી તે બંધનકારી છે. એવી રીતે કરેલાં કૂકર્મ આ કે પરલોકમાં ભોગવ્યા વિના નષ્ટ થતાં નથી.’ એણે ભોગવવાં જ પડે છે. ‘સૂત્રકૃપાંગ’ (પ્રાકૃત)માં કહ્યું છેઃ ‘જેવું કર્મ કરો એવું જ ભોગવો.’ હજારી પ્રસાદ દ્વિવેદીએ કહ્યું છેઃ ‘સૌ એ પોતે કરેલાં કર્મો ભોગવવાં પડે છે. વ્યક્તિને, જાતિને કે દેશને પણ,’ જેવી કરણી એવી ભરણી છે. બંગાળના શાયર કાજી નજરુલે કહ્યું છેઃ ‘યુગનો ધર્મ આ છે- બીજાને આપેલી પીડા ઉલટાઈને આપણા ઉપર પડે છે.’ તો તેલુગુમાં વામનાએ કહ્યું છે ઃ ‘માણસનો સ્વભાવ છે કે, પોતાનાં દુઃખોનું કારણ ભગવાનને માને છે. દેવની નિંદા કરે છે. પોતાનાં સુખોનું કારણ પોતાની પ્રતિભાને માને છે. વિચાર કરવામાં આવે તો પોતાનાં સુખ દુઃખનું કારણ પોતાનાં કર્મોનું જ ફળ છે.’