જેવો આનંદ તફડાવેલાં પુસ્તકો વાંચીને મળે, તેવો આનંદ ભલા, ખરીદેલાં પુસ્તકો વાંચીને કેવી રીતે મળે ?
તફડાવેલાં પુસ્તકો -કોઈ ગાફેલ વિદ્ધાને પોતાની પેન, ભાર્યા અને પુસ્તકને પારકાના હાથમાં સોંપ્યા હશે અને પરત થતાં તેમની છિન્નવિÂચ્છન્ન સ્થિતિ અવલોકતાં સ્વાનુભવજન્ય અચરજ થતાં ચીવટપૂર્વક આ ઘટનાને શ્લોકબદ્ધ કરીને ઊંઘી ગયો હશે.
માનવસ્વભાવની ખૂબી એ છે કે એને પારકી પેન, પારકાં પુસ્તકો અને પારકી સ્ત્રી જ વધુ રુચિકર અને પ્રિય લાગે છે. આપણે પારકી પેનનો ઉપયોગ કરી નવ નિબ તોડી નાખીએ છીએ. પોતાની પત્ની કરતાં પારકી પત્ની તરફ તાકી રહી આંખોને પૂરતી કસરત પૂરી પાડીએ છીએ તફડાવેલાં પુસ્તકોને વાળીને વાંછીએ છીએ. કારણ, માણસજાતને પોતાના કરતાં પારકું-ખાસ કરીને તફડાવેલું વધુ પ્રિય છે.
બજારમાં જવું, પુસ્તકો જોવાં, એની કિંમત પૂછવી, પાકીટ ખોલી પૂરતી રકમ છે કે નહીં તે જોવું, રકમ કાઢવી, પરચૂરણ પાછું લેવું- આ બધી કડાકૂટ કરી આર્થિક રીતે બેહાલ થવું તેના કરતાં તફડાવેલા કે માગી આણેલા પુસ્તકમાં ઊંચકવાના શ્રમ સિવાય કોઈ હાનિ થતી નથી. નૈતિક રીતે પણ એમ કરવું ઈષ્ટ છે, કારણ કે જ્ઞાન મેળવવું એ બાબત જ સ્વયં નૈતિક હોઈ, તફડાવેલું પુસ્તક વાંચનાર અને પાછું ન આપનાર નૈતિકતાનો નમૂનો જ કહેવાય.
જેવો આનંદ તફડાવેલાં પુસ્તકો વાંચીને મળે, તેવો આનંદ ભલા, ખરીદેલાં પુસ્તકો વાંચીને કેવી રીતે મળે ? કારણ, ખરીદનાર તો એવા વિચારમાં પડી જાય છે કે, પંદર ખર્ચીને પુસ્તક ખરીદ્યું છે, સારું હશે કે નહીં ? વાંચતાં વાંચતાં પણ વિચારે ચઢે છે કે, “આ પુસ્તક સારું નહીં નીકળે તો પંદર રૂપિયા પાણીમાં જશે, લેખક સારો નથી. એને લખતાં આવડતું નથી, ખોટો લેખક બની બેઠો છે, મથાળું રૂપાળું લખ્યું છે અને મને લૂંટી લીધો.”
આમ ખરીદનારો પુસ્તકપ્રેમીનાં લક્ષણો ગુમાવી વેપારી બની જાય છે. જ્યારે જે મહાશયોએ તફડાવેલાં પુસ્તકો વાંચવાની સુટેવ પાડી હશે તેમનું ચિત્ત શાંત, આંખો ચમકદાર અને મુખાકૃતિ સદા પ્રસન્ન જણાશે. લેખક કે કૃતિ વિષે એ કશા ખોટા વિચાર કરશે નહીં. ભલો હશે તો ઉદારતાથી માફ કરી દેશે અને બબડાટ કરશે નહીં. વારંવાર વાંચ્યા કરશે પણ પાછું આપવાનું નામ લેશે નહીં. અને કદાચ એનો મૂળ માલિક માગણી કરે તો, “અરે! એ તો ખોવાઈ ગયું !” એમ બેધડક કરી, નિર્ભય બની જશે.
પેલાને જરૂર હશે તો પુસ્તકની બીજી પ્રત જખ મારીને ખરીદી લાવશે અને એમ કરે તો પુસ્તકોની ખપત વધશે. એટલે અત્યારે ભારતમાં એવા કરોડો સજ્જનોની જરૂર છે કે જેઓ જ્યાંથી દેખે ત્યાંથી પુસ્તકો તફડાવી લે અને પાછાં આપે નહીં, ત્યારે પ્રકાશકોને ઘીકેળાં થશે, કારણ કે જેને ગરજ હશે તે તો ગયેલાં પુસ્તકના નામનું નાહી નાખી નવું પુસ્તક ખરીદી લાવશે.
આ ઉત્તમ કાર્યનો શીઘ્ર વિકાસ કરવા એક ‘પુસ્તક-તફડંચી-સંઘ’ સ્થાપવો જોઈએ. તેનું મહત્ત્વનું સત્કાર્ય પ્રત્યેક ભારતવાસીના હાથમાં તફડાવેલાં અનેક પુસ્તકોને પહોંચાડવાની વ્યવસ્થા કરવાનું રહે. જોજો તો ખરા, પછી સાહિત્ય કેવાં ઊંચા શિખરો સર કરે છે અને સાહિત્યશોખ કેવો સોળે કળાએ ખીલે છે !
પછી પ્રકાશકોએ છાપેલી પ્રતો વર્ષાે સુધી વેચાવાની વાટ જોવી નહીં પડે અને એકના એક ગ્રાહકોના ચહેરા જોવા ન મળતાં પરિચય કેળવાશે અને કાયમી ગ્રાહકો તરીકે એ તેમનાં સરનામાં ઉતારી લેશે અને ગ્રાહક પુસ્તક લઈ પગથિયાં ઊતરી રહે કે તરત પત્ર લખશે કે, “શ્રીમાન, જેમ સુંદર સ્ત્રીને અપહરણનો સદા ભય રહે અને કોઈને તક મળે તો પૂરો લાભ ઉઠાવે, તેમ અમારા સુંદર પુસ્તકનું બન્યું જ હશે. ગ્રાહકોની સેવા અમારો મુદ્રાલેખ છે. પુનઃ પધારશોજી.”
તફડાવેલું પુસ્તક પાછું આપવું તે કોઈપણ ગૌરવશાળી મનુષ્ય માટે શોભાસ્પદ નથી. જેણે એને વાંચી લીધું છે તેને પાછું આપવાનો શો અર્થ ? કારણ, એને એ નિરુપયોગી છે. સાચવવાની જવાબદારી આપણે રાખીએ તે જ પરોપકારનું કામ ગણાય.
માંગીને આણેલું પુસ્તક બીજું કોઈ માંગે તો ફટ દઈને જવાબ આપી દેવો કે, “હું જ ફલાણાનું લાવ્યો છું, કાલે આપી દેવાનું છે, માટે તમને આપી શકું તેમ નથી, માફ કરશો.”- એમ બોલી તફડાવેલા પુસ્તકનું ફરીથી અપહરણ થતું અટકાવી સંરક્ષણ કરવું તે આપણી નૈતિક ફરજ છે. એક વાર જે આપણે આપણું બનાવ્યું તેને સદાકાળ આપણું બનાવી જાણવું.
હું એક એવી માહિતી પૂરી પાડું છું કે જે જાણીને તમને સાનંદાશ્ચર્ય થશે, અને તે કે, હું એમ.એ. સુધી ભણ્યો છું તે તફડાવેલાં પુસ્તકોને જ આભારી છે. લોકોએ પુસ્તકો તફડાવવાની તક પૂરી ન પાડી હોત તો આ મહાપુરુષ ખરેખર અભણ રહી જાત.
આજે મારા ઘરમાં સમૃદ્ધ લાયબ્રેરી જોઈને કેટલાક લોકો દાંત તળે આંગળી દબાવી ચીસ પાડે છે અને “દસેક હજારનાં પુસ્તકો હશે, કેમ ?” એમ પૂછે છે, ત્યારે નમ્રતાથી હું કહું છું કે, “આ સમૃદ્ધ લાયબ્રેરી મફત ઊભી કરેલી છે અને અનેક સજ્જનોની બેદરકારી અને વિસ્મૃતિનું એ શુભ પરિણામ છે.”
પુસ્તકો તફડાવવાની પ્રવૃત્તિ દરમિયાન મેં એવા ઉદાર માણસો જોયા છે કે જેઓ પુસ્તક આપતાં કહેતા હતાઃ “મારે ઉતાવળ નથી. તમે તમારાથી રખાય એટલું રાખજો.”
કાકા કે મામાના દીકરાને કે સાળાને આપણે ત્યાં રાખવાનો હોય તો આ મોંઘવારીમાં ચિંતા રહે અને આવે જ નહીં, કે આવેલો પાછો જાય તેની ચીવટ રાખવી પડે. બાકી પુસ્તકને રાખી પાડવાનું કામ ખૂબ સરળ છે અને “રખાય એટલું રાખજો”નો ગૂઢ અર્થ તો એ જ થાય કે “પાછું ન આપશો.”
આ અર્થ મને તો પ્રિય અને હિતાવહ લાગે છે. કેટલાક સાક્ષરો કોઈને પુસ્તક વાંચવા આપવું તેને અમૂલ્ય માત્રા આપવા બરાબર ગણે છે. અને એવા માણસો પાસેથી પુસ્તક કેમ કઢાવવું ? તેમને કહી શકાયઃ “કાકા, પુસ્તકોની અભરાઈઓ ઉપર ધૂળ બહુ છે. થોડી સાફ કરું ?”
એ પુસ્તકો પ્રત્યેનો તમારો નિઃસ્વાર્થ પ્રેમ જોઈ જરૂર હા પાડવાના, અને તમે આસ્તે રહી, ‘ગીતા’, ‘ભાગવત’, અરે, તમને ગમી ગયેલું કોઈ પણ પુસ્તક સફાઈ કરતાં કરતાં સફાઈથી તફડાવી શકો. કોઈ સાક્ષર પુસ્તકો આપવામાં ઉદાર હોય તો એકવાર પુસ્તકો લાવવાં અને લાવેલાંમાંથી થોડાં પાછાં આપવાં અને વધુ લાવવાં, એમ પાછાં આપવા કરતાં તફડાવવાનું પ્રમાણ વધારતા જવું અને કાળજી રાખી કે તમારાં તફડાવેલાં પુસ્તકોમાંથી બીજા તફડાવી ન જાય, એમ બે બાજુ નજર રાખવી.
માંગીને પુસ્તકો વાંચવાં અને માંગીને વસ્તુઓ લાવવી એ આપણા લોકોની એક વિશેષતા છે. ખાંડ-ચોખા-લોટ-દાળ-કોકમનાં ફૂલ પડોશી પાસેથી માગીને લાવ્યા પછી તેને સંભાળીને પાછાં આપવાનું આપણે ભૂલી જઈએ છીએ અને આ રીતે માંગીને લાવેલી વસ્તુઓને આપણી સમજીને ઉપયોગમાં લેવામાં આપણને આનંદ થતો હોય, ત્યાં માંગીને લાવેલાં પુસ્તકો પાછાં ન આપવાં એ જ ખરો વ્યવહાર ગણાય
આપણી આ વિશેષતા જાણ્યા પછી મારું, પુસ્તક-તફડંચીનું કૃત્ય સ્વાભાવિક અને સહ્ય ગણાશે અને એ માર્ગદર્શનરૂપ બનતાં બીજા ઉત્સાહી સજ્જનોની સુષુપ્ત રહેલી શક્તિઓ કામે લાગશે. પરિણામે ધનના અભાવે કોઈ પુસ્તકોથી વંચિત રહેશે નહીં.
આ પ્રવૃત્તિને વેગ આપવા કોઈ વ્યવસ્થિત સરઘસ કાઢવાની જરૂર છે. પણ આપણા કમનસીબે આવું સરઘસ કાઢવાનું હજી કોઈએ વિચાર્યું નથી એ શોકજનક છે.
આમ છતાં ભવિષ્યમાં પુસ્તકોની તફડંચીને વેગ આપવાનું કોઈ વિચારે તો તેમને ઉપયોગી થાય તે માટે અત્રે એક સૂચન કરવાનું ઈષ્ટ જણાય છે. આ સરઘસની આગળ ચાલતો અગ્રેસર બૂમો પાડી બોલેઃ “પુસ્તકો શી રીતે મેળવશો ?” બાકીનો સમુહ બુલંદ અવાજે બોલેઃ “માંગીને, માંગીને.” પાછો અગ્રેસર બોલેઃ “પુસ્તકો પાછાં આપશો કે ?” સમૂહ બોલેઃ “કદી નહીં, કદી નહીં.”
પુસ્તકોનું મૂલ્ય રત્નોથી પણ અધિક છે. રત્નો તો બાહ્ય ચળકાટ બતાવે છે, જ્યારે પુસ્તકો તો અંતઃ કરણને ઉજ્જવળ કરે છે. એટલે તફડંચી કરીને પુસ્તકો એકત્રિત કરનારનું ગુલાબના હારને બદલે તફડાવેલાં પુસ્તકોનો હાર ગળામાં લટકાવી, આખા ગામમાં ફેરવી, વીરોચિત આદર આપી, જાહેર સન્માન કરવું જોઈએ.
પણ શેરને માથે સવાશેર પાક્યા જ હોય છે. એક લબ્ધપ્રતિષ્ઠિત હાસ્યલેખકે મને પૂછ્યુંઃ ‘ફલાણા હાસ્યલેખકનાં પુસ્તકો તમારી પાસે છે ?’
મારાથી ભૂલમાં બોલાઈ ગયુંઃ “હા, છે, કારણ કે મને ભેટ મળ્યાં છે.”
“ઓહો! તો તો મને મળી જ ગયાં.”- એ બોલેલાં.
મારે ઘેર આવ્યા, કોફી પીધી અને પુસ્તકો લઈ ઊપડી ગયા. એ પુસ્તકો ગયાં તે ગયાં. માગી જોયાં, તો કહે ઃ “ મારે ત્યાં તો પુસ્તકોના ઢગલા પડ્યા છે, જડશે તો અવશ્ય આપીશ.” હજી જડ્યાં નથી. આમ, “સારા કામમાં સો વિÎનો આવે”, માટે ચાલો મિત્રો, સહકાર આપો અને કોઈનું પુસ્તક માંગી લાવો અને પ્રતિજ્ઞા કરો કે “ મરણાંતે પણ તેને પાછું નહીં આપું.” મર્યા પછી પસ્તીવાળો લઈ જાય એ જુદી વાત. ચાંદની, જૂન, ૧૯૭૯