જેસલમેરમાંથી પાકિસ્તાન માટે જાસૂસી કરતો શખ્સ ઝડપાયો

ISIને સૈન્ય સંબંધિત સીક્રેટ લીક કરવાનો આરોપ
પઠાણ ખાને સેનાના કેટલાક સંવેદનશીલ વિસ્તારોના ફોટોગ્રાફ્સ અને વીડિયો પાકિસ્તાનને મોકલ્યા હતા
જેસલમેર,
રાજસ્થાન ઇન્ટેલિજન્સને મોટી સફળતા મળી છે. ગુરુવારે જેસલમેરના ઝીરો આરડી મોહનગઢ વિસ્તારમાંથી પાકિસ્તાની જાસૂસ પઠાણ ખાન (૪૦)ની ધરપકડ કરવામાં આવી હતી. પઠાણ ખાન પર ભારત અને સૈન્ય સંબંધિત વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ માહિતી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ને મોકલવાના ગંભીર આરોપો છે.પઠાણ ખાન ઘણા સમયથી પાકિસ્તાની એજન્સી માટે કામ કરતો હતો. એક મહિના પહેલા પણ તેને શંકાના આધારે અટકાયતમાં લેવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન, તેની ગતિવિધિઓ શંકાસ્પદ જણાઈ. ત્યારપછી તેને પૂછપરછ માટે જયપુરના સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન સેન્ટરમાં લાવવામાં આવ્યો હતો જે દરમિયાન ખુલાસો થયો કે તે ISI હેન્ડલરના નિર્દેશ પર ભારતની ગુપ્ત માહિતી શેર કરી રહ્યો હતો.
પઠાણ ખાન ૨૦૧૯ માં પાકિસ્તાન ગયો હતો અને તેના ઘણા સંબંધીઓ ત્યાં રહે છે. તપાસ એજન્સીઓને શંકા છે કે તે સમયગાળા દરમિયાન તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના સંપર્કમાં આવ્યો હતો. હવે જયપુરમાં ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, પઠાણ ખાને સેનાના કેટલાક સંવેદનશીલ વિસ્તારોના ફોટોગ્રાફ્સ અને વીડિયો પાકિસ્તાનને મોકલ્યા હતા. તપાસ દરમિયાન વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી ગઇ છે અને આ દરમિયાન આ જાસૂસ પકડાઈ ગયો છે.ss1