‘જે છે તેનાથી સંતોષ માનવો, તેમાં જ ખરૂં સુખ રહેલું છે
અનિષ્ટોનું મૂળ લોભ છે. જ્યારે માનવી લોભમાં પડે છે ત્યારે તેનું અનિષ્ટ જ થાય છે. લાભ લેવાં જતાં તે લોભને થોભ હોતો નથી. લોભ ચાર કષાયમાંનો એક છે. સર્વ પાપનું મૂળ લોભ છે અને લોભ સંતોષનો પરમ શત્રુ છે. પ્રાપ્ત સ્થિતિમાં જ આનંદ માણી જીવન નિર્વાહ કરવો ને સંતોષ માણવો એ જ સર્વ ઉત્તમ છે.
ઘણી જગ્યાએ જાેવા મળે છે કે લોભિયા જ્યાં વસે છે ત્યાં ધુતારા ભૂખે ન મરે. આ જમાનામાં ઘણા લોકો વિવિધ ને આકર્ષિત યોજનાઓ લોકો સમક્ષ મૂકી જનતાને લલચાવીને ધુતારાઓ તેમની યોજનામાં સફળ થાય છે. લોભિયાઓનો લોભ જાગતાં ધુતારાઓ તેમાં ફાવી જાય છે અને છેવટે લોભિયાઓ રડતા રહેતાં હોય છે.
કહે શ્રેણુ આજ…
અતિ લોલુપતા તુજ મનમાં લાવતાં લપસી જાશે તું અધોગતિની ખાઈમાં
ખુવાર થાઈ જાશે ને ગુમાવી દેશે તું સર્વસ્વ તારૂં ને અનિષ્ટ થઈ જશે તારૂં લોભમાં ને લોભમાં
લોભે લક્ષણ જાય’ સમજીનેે ન બતાવ તું તારી લાલસાને હવે કદી
જે છે તુજ પાસ, મનાવી લે સંતોષ જેમાં જ રહેલું છે તુજ સુખચેન
અતિ લોભ કરવા જતા માનવી અનિતીનો પથ પકડવા અચકાતો નથી અને પોતે કર્મ બાંધે છે અને કહેવાય છે કે અતિ લોભ તે પાપનું મૂળ છે. ઘણી વખત માનવી કોઈકમાં ફાયદો મેળવતાં બીજી વખત ને પછી ત્રીજી વખત એમ લોભ કરતાં ફસાઈ જાય છે અને તે પોતે નુકસાનની ખાઈમાં સરી પડે છે. જુગારી જુગાર રમતાં રમતાં કોઈક એકાદ વખત બાજી જીતી જતાં વારંવાર દાવ અજમાવતા મેળવેલી રકમ પણ તે ગુમાવે છે પરંતુ સાથે સાથે પોતાની પાસે જે છે તે પણ ગુમાવતાં અફસોસ સાથે નિઃસાસા નાખતા મનમાં વિચારે છે કે ‘હું ક્યાં લોભમાં પડ્યો’.વધુ લોભ કરવા જતાં કોઈક વખત હાથમાં આવેલી વસ્તુ પણ ખોઈ બેસે છે.
કહે શ્રેણુ આજ…
રોગનું મૂળ છે સ્વાદ! દુઃખનું મૂળ છે રાગ!
અને પાપનું મૂળ છે લોભ ને થોભ નહિ
અમીરનો મહેલ જાેઈને ગરીબે પોતાનું ઝૂંપડું કદી બાળી નાખવું ન જાેઈએ.
જે છે તેનાથી સંતોષ માનવો તેમાં જ ખરૂં સુખ રહેલું છે..
લોભ એક એવી તળિયા વિનાની ખાઈ છે કે જેમાં તૃપ્તિની શોધમાં માનવી અનંત અધોગતિ પામતા ખુવાર થાઈ જાય છે છતાં સંતોષ રૂપી શિખર પર પહોંચી શકતો નથી. લોભ કરવા જતાં જ્યારે માનવી લપસી જાય છે અને પછી નુકસાન વેઠ્યા બાદ પોતાને શાણપણ આવે છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે.
કોઈપણ ચીજ પરનો મોહ કે રાગ માનવીને લોભ કરવા પ્રેરે છે પરંતુ માનવીએ પોતે પોતાનાં મન પર કાબૂ મેળવવો જાેઈએ.
જયારે માનવી લોભ કરે છે ત્યારે તે સર્વસ્વ ગુમાવે છે ત્યારે કહેવાય છે કે લોભે લક્ષણ જાય