જે વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે તે મુદ્દે પીએમઓ અને વિદેશ મંત્રાલયના સંપર્કમાં છીએ: શિક્ષણ મંત્રી
ગાંધીનગર, યુક્રેન અને રશિયા વચ્ચે શરૂ થયેલા તણાવ વચ્ચે ગુજરાતના કેટલાંક વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. ત્યારે રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ‘જે વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે તે મુદ્દે રાજ્ય સરકાર પીએમઓ અને વિદેશ મંત્રાલયના સંપર્કમાં છે અને વિદ્યાર્થીઓને સરકાર દ્વારા પરત લાવવામાં આવશે. આ પહેલાં પણ બનેલી ઘટનાઓમાં સરકાર ફસાયેલા વિદ્યાર્થીઓના સંપર્કમાં રહી હતી.’
રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા તણાવ વચ્ચે યુક્રેનમાં ૩૫૦ જેટલા ગુજરાતના વિદ્યાર્થીઓ ફસાયા છે. ત્યારે આ વિદ્યાર્થીઓને પરત લાવવા માટેની પરિવાર દ્વારા માંગ કરવામાં આવી રહી છે. ફસાયેલા કેટલાંક વિદ્યાર્થીઓમાં વડોદરાના પણ છે. જેમને પરત લાવવા માટે વાલીઓ ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યાં છે.
નોંધનીય છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિનું સર્જન થયું છે ત્યારે આ તણાવ વચ્ચે યુક્રેનમાં અભ્યાસ કરવા ગયેલા ગુજરાતનાં ૩૫૦ વિદ્યાર્થીઓ ફસાયા હોવાની દહેશત વચ્ચે જે-તે વિદ્યાર્થીઓનાં પરિવારોના જીવ તાળવે ચોટી ગયા છે.
મહત્વનું છે કે, ભારતીય વિદ્યાર્થીઓમાં મેડિકલ અને એન્જીનિયરિંગનો અભ્યાસ કરવા માટે યુક્રેનની યુનિવર્સિટીઓનો જબરો ક્રેઝ જાેવા મળી રહ્યો છે.
જેથી દર વર્ષે ખૂબ મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેન જતા હોય છે. એવામાં યુક્રેન અને રશિયા વચ્ચેના સંભવિત યુદ્ધની અસર ગુજરાતી વિદ્યાર્થીઓ પર પણ પડી છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાવા જઇ રહી છે, હાલમાં ત્યાં તણાવનો માહોલ જાેવા મળી રહ્યો છે એવામાં યુક્રેનમાં અભ્યાસ કરી રહેલા ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાતા વાલીઓ તેમને પરત લાવવા ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યાં છે.HS