જે સક્ષમ હશે તેને જ ૧ લાખ સુધીની સરકારી સહાયની લોન મળશે
ગાંધીનગર, ગુજરાત સરકારે મોટા ઉપાડે કોઈ પણ ગેરન્ટી વગર સામાન્ય માણસ માટે રૂ. ૧ લાખ સુધીની સરકારી સહાયની જાહેરાત તો કરી નાંખી પરંતુ પહેલા જ દિવસે ઉભરાયેલી ભીડને જોઈને આખરે સરકારે યુટર્ન મારવો પડ્યો હતો. અને ખુલાસો બહાર પાડવો પડ્યો હતો સામે પક્ષે કોંગ્રેસે સરકાર પર આક્ષેપ લગાવ્યો હતો કે સરકાર આ આંટીઘુટી અને સામાન્ય માણસોને છેતરવાનું બંધ કરે. ગુજરાતમાં પહેલા અનાજ લેવા માટે પછી ખાતામાં જમા થયેલા રૂપિયા લેવા માટે પછી અનાજ કરિયાણા લેવા માટે અને હવે લોન લેવા માટે લાગેલી લાઈનો કોરનામાં સંકટમાં રાહત છે કે, મુશ્કેલીમાં વધારો?
સરકાર સ્ટેહોમના નારા લગાવે છે પણ સામાન્ય માણસોને લાઈનો લગાવવાનું પણ નથી ચુકતી. પહેલા સસ્તા અનાજની લાઈનો પછી ખાતામાં રૂ. ૧૦૦૦ જમા થવાની લાઈનો અને પછી શ્રમિકોનો વતન પરત જવા માટે ટિકિટોની લાઈનો અમદાવાદમાં અચાનક દૂધ અને દવા સિવાયની દુકાનો બંધ કરવાનો નિર્ણય લેવાતા બજારોમાં લાઈનો. આ લાઈનોને કારણે કોરોના કાબૂમાં તો નથી આવવાનો પણ કોરોના વાયરસ વકરવાની ભીતિ દેખાઈ રહી છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આત્મનિર્ભર ફોર્મને લઈને મોટું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે જણાવ્યું છે કે, આત્મનિર્ભર યોજનામાં બધાને લોન નહીં મળે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, આત્મનિર્ભર યોજનામાં બધાને લોન નહીં મળે. લોન માટે બેંકને બે જામીન આપવા પડશે. બેંકને પણ પોતાના પૈસાની ચિંતા હોય. રાજ્ય સરકાર આર્થિક સંકડામણમાં છે તેવું પણ નીતિન પટેલે જણાવ્યું હતું. અને લોકડાઉનમાં છૂટછાટ એ કેલ્ક્યુલેટિવ રિસ્ક છે હોવાનું નીતિન પટેલ કહ્યું હતું. આ ઉપરાંત ધમણ વેન્ટિલેટર વિવાદને લઈને નીતિન પટેલે કહ્યું હતું કે, ધમણ ૧ વેન્ટીલેટર એ પ્રાથમિક તબક્કાનું વેન્ટીલેટર છે, એ અમે પહેલાં જ કહ્યું હતું.
આત્મનિર્ભર સહાય યોજનામાં સહકાર વિભાગે સુચના જાહેર કરી છે. જેમાં જે સક્ષમ હશે તેને જ સહકારી સંસ્થાઓ લોન આપશે. સહકાર વિભાગે સૂચના જાહેર કરી કહ્યું કે જે લોન આપવા સક્ષમ હશે તેને લોન મળશે. અને સંસ્થાઓ ક્રાઇટેરિયા નક્કી કરીને લોન અપાશે. રાજ્ય સરકારે ૬ ટકાના દરે લોન આપવાનું નક્કી કર્યું છે. ત્યારે લોનની જાહેરાત થતા જ બેંકો પર લોકો ઉમટી પડ્યા છે. લોકોનો ઘસારો જોઇને સહકાર વિભાગે સૂચના જાહેર કરી છે.