Western Times News

Gujarati News

જૈફ બેઝોસનો નવો રેકોર્ડ, એક દિવસમાં 97 હજાર કરોડની સંપત્તિ વધી

નવી દિલ્હી: કોરોના કાળમાં પણ દુનિયાના સૌથી ધનિક શખ્સ જેફ બેજોસની સંપત્તિમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. સોમવારે જેફ બેજોસની સંપત્તિમાં 13 અબજ ડૉલર એટલે કે 97,200 કરોડ રૂપિયાનો વધારો થયો છે. 2012માં બ્લૂમબર્ગ બિલિયનર્સ ઈન્ડેક્સની શરૂઆત બાદ આ પ્રથમ વખતે છે, જ્યારે માત્ર એક જ દિવસમાં કોઈની સંપત્તિમાં આટલો બધો વધારો થયો હોય. સોમવારે એમેઝોનના શેરોમાં 7.9 ટકાનો વધારો થયો છે, જે ડિસેમ્બર 2018 બાદ સૌથી વધુ છે. આ વર્ષે જેફ બેજોસની સંપત્તિમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં ઓનલાઈન શૉપિંગ ટ્રેન્ડમાં કોરોના કાળમાં ઝડપી વૃદ્ધિ થઈ છે. જેનો સીધો ફાયદો અમેઝોનને મળ્યો છે.

ઓનલાઈન શૉપિંગમાં આ વર્ષે અત્યાર સુધી 73 ટકાનો વધારો થયો છે. 56 વર્ષના બેજોસની સંપત્તિ આ વધારા સાથે 189.3 અબજ ડૉલરના લેવલ પર પહોંચી ગઈ છે. જેફ બેજોસની અમીરીનો આ આંકડો એટલા માટે પણ મહત્વનો છે, કારણ કે જેફ બેજોસની સંપત્તિ Exxon Mobile Corp, નાઈકી અને મેકડોનાલ્ડની કુલ માર્કેટ વેલ્યૂએશન કરતાં પણ વધારે છે.

આટલું જ નહીં, જેફ બેજોસની પૂર્વ પત્ની મેકેન્જી બેજોસની સંપત્તિમાં પણ સોમવારે 4.6 અબજ ડૉલરનો વધારો થયો છે. તે વિશ્વના ધનિકોની સૂચીમાં 13માં નંબર પર પહોંચી ગઈ છે.

જેફ બેજોસ ઉપરાંત અન્ય ટેક કંપનીઓના માલિકોની સંપત્તિમાં પણ ઝડપથી વધારો થયો છે. વાસ્તવમાં કોરોના સંકટના પગલે લાગૂ લૉકડાઉને મોટાભાગના લોકોને પોતાના ઘરમાં જ પૂરી રાખ્યા છે. આવા કપરા સમયે લોકો ઓનલાઈન એન્ટરટેઈનમેન્ટ અને કન્ટેન્ટ પર ખર્ચ કરી રહ્યાં છે. આ વર્ષે ફેસબુકના CEO માર્ક જૂકરબર્ગની સંપત્તિમાં પણ 15 અબજ ડૉલરનો વધારો થયો છે. અનેક દિગ્ગજ કંપનીઓ તરફથી ફેસબુક એડને બૉયકોટ કરવામાં આવ્યા બાદ પણ જુકરબર્ગની સંપત્તિમાં આ વધારો નોંધાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.