જોકોવિચનો આસાન વિજય, બીજા રાઉન્ડમાં પહોંચ્યો
પેરિસ: વિશ્વના નંબર એક ખેલાડી અને શીર્ષ વરીય નોવાક જોકોવિચે માઇકલ યમેર વિરુદ્ધ સીધા સેટોમાં જીતની સાથે ફ્રેન્ચ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના પુરૂષ સિંગલ્સના બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી છે. સર્બિયાના ખેલાડીએ વિશ્વના ૮૦ નંબરના ખેલાડી યમેરને ૬-૦, ૬-૩, ૬-૨ થી પરાજય આપ્યો હતો. અમેરિકી ઓપનમાં ભૂલથી લાઇન જજને ગળા પર બોલ મારવાને કારણે ડિસ્ક્વોલિફાઈ થયા બાદ પ્રથમ ગ્રાન્ડસ્લેમ મેચ રમી રહેલા જોકોવિચે જીત બાદ ખીસામાંથી વધારાનો બોલ કાઢ્યો અને ધીમેકથી રેકેટ મારી પાછળ મોકલી આપ્યો હતો.
રોલાં ગૈરો પર બીજા અને કરિયરના ૧૮મા ગ્રાન્ડસ્લેમ ટાઇટલ માટે પડકાર આપી રહેલા વિશ્વના નંબર વન ખેલાડી જોકોવિચની ૨૦૨૦મા આ ૩૨મી જીત છે અને તેણે માત્ર એક હારનો સામનો કરવો પડ્યો, જે અમેરિકી ઓપનમાં ચોથા રાઉન્ડના મુકાબલામાં વચ્ચેથી ડિસ્ક્વોલિફાઇ થવું છે. મહિલા સિંગલ્સમાં ૧૭ વર્ષની ડેનમાર્કની ક્લારા ટોસન અમેરિકી ઓપનની સેમિફાઇનલમાં જગ્યા બનાવનારી ૨૧મી વરીય જેનિફર બ્રેડીને ૬-૪, ૩-૬, ૯-૭થી હરાવીને ટૂર સ્તરની પ્રથમ જીત મેળવવામાં સફળ રહી. ઓસ્ટ્રેલિયા ઓપન ચેમ્પિયન સોફિયા કેનિને ૧૨૫મા નંબરની ખેલાડી લ્યુડમિલા સૈમસોનોવાને ૬-૪, ૩-૬, ૬-૩થી પરાજય આપ્યો હતો.
બીજા નંબરની કૈરોલિના પ્લિસકોવાએ પણ પાછળ રહ્યાં બાદ વાપસી કરતા ૧૭૨મા નંબરની ક્વોલીફાયર ખેલાડી મયાર શેરિફને ૬-૭, ૬-૨, ૬-૪થી પરાજય આપ્યો હતો. પુરૂષ વર્ગમાં પાંચમા નંબરના સ્ટેફાનોસ સિતસિપાસ અને ૧૩મા નંબરના ખેલાડી આંદ્રે રૂબલેવે પ્રથમ બે સેટ ગુમાવ્યા બાદ વાપસી કરી જીત મેળવી હતી. સિતસિપાસે જોમે મુનારને ૪-૬, ૨-૬, ૬-૧, ૬-૪, ૬-૪થી હરાવ્યો જ્યારે રૂબલેવે સેમ કેરીને ૬-૭, ૬-૭, ૭-૫, ૬-૪, ૬-૩થી પરાજય આપ્યો હતો.