જોગવાઈ ન હોવા છતાં પીધેલી વ્યક્તિ પાસેથી ફોન-રોકડ જપ્ત
નડિયાદ, ડ્રાય ગુજરાતમાં કેટલીકવાર પોલીસ સક્રિત રીતે કાર્ય કરે છે, જ્યાં તેઓ કાયદાને બાજુએ મૂકી દે છે અને પોતાની ઈચ્છા મુજબ કાર્યવાહી કરે છે. નડીયાદના એક શખ્સ સાથે આ ઘટના બની હતી, જે નશાની હાલતમાં જાેવા મળ્યો હતો. ખેડા પોલીસે તેની સામે ન માત્ર દારૂબંધીના કાયદા હેઠળ ગુનો નોંધ્યો પરંતુ તેનો મોબાઈલ ફોન અને તેની પાસે રહેલા ૫ હજાર રૂપિયા પણ જપ્ત કરી લીધા હતા અને દાવો કર્યો હતો કે પૈસા અને ફોનનો ઉપયોગ ગુનો કરવામાં કર્યો હતો.
૨૮મી ઓગસ્ટે, જ્યારે ચકલાસી પોલીસની એક ટીમ ખેડા જિલ્લાના નડીયાદ તાલુકાના સુરાસામળ ગામમાં પેટ્રોલિંગ પર હતી, ત્યારે તેમણે એક શખ્સને નશાની હાલતમાં ફરતો જાેયો હતો. ચકલાસી પોલીસ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ પ્રમાણે, તેમણે શખ્સને રોક્યો હતો અને તેને સીધી લાઈનમાં ચાલવા માટે કહ્યું હતું. જેમા તે નિષ્ફળ જતા પોલીસે તેની સામે દારૂબંધી કાયદા હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે તેના ખિસ્સા તપાસ્યા હતા અને તેમાંથી ૨૦૦ રૂપિયાની ૨૫ ચલણી નોટ તેમજ ફોન મળી આવ્યો હતો.
પોલીસ કર્મચારીઓએ દોષપાત્ર સામગ્રી હોવાનો દાવો કરીને પૈસા તેમજ ફોન જપ્ત કર્યો હતો. દારૂબંધી કાયદા પ્રમાણે, શંકાસ્પદ વ્યક્તિએ દારૂ પીધો છે કે નહીં તેની ખાતરી કરવા માટે પોલીસે તેને મેડિકલ તપાસ માટે મોકલવાનો હોય છે, પરંતુ તેની સંપત્તિ જપ્ત કરવાની કોઈ જાેગવાઈ નથી.
ચકલાસી પોલીસના પીએસઆઈ વિશાલ શાહે જણાવ્યું હતું કે, પોલીસ કર્મચારીઓને આરોપીનો સામાન જપ્ત કરવાની ફરજ પડી હતી કારણ કે તેણે એક પોલીસ સાથે ગેરવર્તન કર્યું હતું. સામાન્ય રીતે કોઈ વ્યક્તિ ગુનો કરતા જણાય તો જ અમે તેની તપાસ કરીએ છીએ.
આરોપીની કોઈ પણ વસ્તુને દોષપાત્ર સામગ્રી ગણવામાં આવે છે અને તેથી અમે તેનો મોબાઈલ અને પૈસા જપ્ત કર્યા હતા, તેમ તેમણે ઉમેર્યું હતું. રાજ્ય પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, સંબંધિત પોલીસ દ્વારા કરવામાં આવેલુ આ હાનિ પહોંચાડનારું કૃત્ય છે, કારણ કે કથિત રીતે નશાની હાલતમાં મળી આવેલી વ્યક્તિ પાસેથી રોકડ અને ફોનને ગુનામાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ તરીકે ગણી શકાય નહીં. ‘જાે કોઈ વ્યક્તિ દારૂની હેરાફેરી અથવા માદક દ્રવ્યોના જથ્થા સાથે ઝડપાઈ તો જ તેની પાસેથી તેનો સામાન જપ્ત કરી શકાય છે.
જાે કોઈ વ્યક્તિ નશાની હાલતમાં મળી આવે તો, તેની ખાતરી ક્યારેય કરી શકાતી નથી કે તેણે ફોન અથવા રોકડનો ઉપયોગ ગુનામાં કર્યો હતો કે નહીં’, તેમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. શહેરના વકીલ જયેન્દ્ર અભાવેકરે જણાવ્યું હતું કે, કાયદામાં એવી કોઈ જાેગવાઈ નથી કે જ્યાં કોઈ વ્યક્તિનો ફોન અથવા પૈસા જપ્ત કરી શકાય, જે નશાની હાલતમાં છે’. આ કોઈ જુગાર અથવા સટ્ટાબાજીનો કેસ નથી જ્યાં પૈસા જપ્ત કરી શકાય, તેવું તેમણે ઉમેર્યું હતું.SSS