જોધપુર પ્રાથમિક શાળા નં.૧ દ્વારા હોમ લર્નિંગ અંતર્ગત શેરી શિક્ષણ શરૂ કરવામાં આવ્યું
ખાનગી શાળાના ૨૧ વિદ્યાર્થીઓએ આ શાળામાં આ વર્ષે એડમિશન કરાવ્યું.
કોવિડ ૧૯ ના કારણે છેલ્લા દોઢ વર્ષથી રાજ્ય ભરની તમામ શાળાઓ બંધ છે, તમામ ધોરણના બાળકોએ શાળામાં અભ્યાસ અર્થે આવવાનું હોતું નથી, પરંતુ “શાળા બંધ છે, શિક્ષણ નહીં” અંતર્ગત દરેક વિદ્યાર્થીઓને ઘરે બેઠા શિક્ષણ મળી રહે તેની ઉત્તમ વ્યવસ્થા રાજય સરકાર દ્રારા ગોઠવવામાં આવી છે.,
જેમા માઈક્રોસોફ્ટ ટીમ્સ પર ઓનલાઇન શિક્ષણ અને ટીવીના માધ્યમથી વર્ચ્યુઅલ શિક્ષણ આપવામાં આવે છે. તેની સાથોસાથ જે બાળકો ઓનલાઇન અભ્યાસ કરી શકવાને સમર્થ નથી તેના માટે રાજય સરકાર દ્વારા ‘શેરી શિક્ષણ’ થકી અભ્યાસ કરાવવાની ઉમદા વ્યવસ્થા કરવામાં આવી છે.
ઓનલાઈન અભ્યાસમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે અંતર હોવાથી અભ્યાસની એકાગ્રતા જળવાઈ રહેવામાં મુશ્કેલીઓ ઉભી થવા પામે છે. જેથી શેરી શિક્ષણ થકી આ અંતર ઘટાડીને શિક્ષકો દ્વારા બાળકોના ઘર આંગણે જઈને શિક્ષણ આપવાનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જોધપુર પ્રાથમિક શાળા નં.૧ના આચાર્યશ્રી પ્રતાપભાઇ ગેડીયા જણાવે છે કે અમારી શાળામાં ધોરણ ૧ થી ૮ માં હાલ ૪૩૬ વિદ્યાર્થીઓ રજીસ્ટર પર નોંધાયેલા છે. શાળાના તમામ શિક્ષકો અને આચાર્યશ્રી દ્વારા ઓનલાઈન શિક્ષણની સાથે-સાથે જોધપુરના ગોપાલ આવાસ, ગોકુલ આવાસ,વ્રજનગરી અને વિસતનગર તલાવડી, આનંદનગર વિસ્તારમાં જઈને શાળાના ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષણ આપવાનું કાર્ય સવારે ૯ વાગ્યાથી કરી રહ્યા છે.
દરેક શિક્ષકો કોવિડ–૧૯ ની ગાઈડલાઇનનું પાલન કરીને સેનેટાઈઝર,માસ્ક, બ્લેકબોર્ડ,ચોક, શેતરંજી અને પુસ્તકો સાથે આ બાળકોના વિસ્તારમાં જઈને તેઓના ફળિયામાં બેસીને ભણાવવામાં આવી રહ્યા છે. જેમાં જોધપુરના જુદા-જુદા વિસ્તારોમા અંદાજે ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ શેરી શિક્ષણમા ભણવા આવી રહ્યા છે.
શિક્ષકો રૂબરુ ઘર આંગણે ભણાવવા આવતા હોઇ જોધપુર પ્રાથમિક શાળામાં અભ્યાસ ન કરતા પણ ઘણા વિદ્યાર્થીઓશેરી શિક્ષણ દરમ્યાન અહી ભણવા બેસે છે ત્યારે શિક્ષકો દ્વારા તેમને પણ પ્રોત્સાહિત કરીને તેમના વિષયો ભણાવવામાં આવે છે. જેના મીઠા ફળ સ્વરૂપે ખાનગી શાળામાં અભ્યાસ કરતા ૨૧ બાળકોએ જોધપુરની આ શાળામાં આ વર્ષે એડમિશન પણ કરાવ્યું છે.
શેરી શિક્ષણમાં જ્ઞાનની ધારા વહેતી જોઈને આસપાસ રહેતા લોકો પણ ખુબ પ્રભાવિત થઈને સાથ સહકાર આપી રહ્યા છે. જેમાં નજીકના દુકાનદાર તરફથી દરેક વિદ્યાર્થીઓમાટે પેન્સિલ, રબર અનેસંચો, ચોકલેટ અને નાસ્તો પણ આપી રહ્યા છે.
જોધપુર પ્રાથમિક શાળાના શિક્ષકો સુશ્રી સ્મિતાબેન સોની,સુશ્રી ચંદ્રિકાબેન પટેલ,સુશ્રી નલિનીબેન પટેલ,સુશ્રી નયનાબેન ઠક્કર, સુશ્રીદર્શનાબેન પટેલ, શ્રી મનિષકુમાર પટેલ,સુશ્રી જયોતિકાબેન સુથાર,સુશ્રી કિન્નરીબેન શાહ,સુશ્રી રીટાબેન પંડયા,શ્રી કિર્તીકુમાર પટેલ, મિત્તલ પંડ્યા,શિવાની દવે,હરદિપ વેગડા દ્વારા તેઓને પ્રત્યક્ષ શિક્ષણ આપવાનું કામ કરી રહ્યા છે.
હોમ લર્નિંગને પરિણામલક્ષી બનાવવા જોધપુર પ્રાથમિક શાળા નં.૧ ના શિક્ષકો ખરા અર્થમાં શિક્ષણની જ્યોતને પ્રજ્વલિત રાખી રહ્યા છે .