‘જો’ અને ‘તો’ માં અટવાતો માણસ
સંબંધના આટાપાટા (૬૫)-વસંત મહેતા
માણસ સૌથી વધુ ‘જો’ અને ‘તો’ માં અટવાતો રહે છે. જો આમ થયુ હોત તો સારૂ થાત. જા એમ ન થયુ હોત તો… એ મારા જિંદગીમાં જ ન આવી હોત કે ન આવ્યો હોત ! એ મળ્યો કે એ મળી ત્યારથી મારી જિંદગી આડે પાટે ચડી ગઈ. જિંદગીમાં ઘણું સારૂ પણ થયું હોય છે. જોકે આપણે એના વિશે વિચારો કરતાં નથી, પણ જે નથી થયુ એના તરફ વિચારોની વણઝાર ચાલતી રહે છે. આપણાં દુઃખનું એક સૌથી મોટુ કારણ એ હોય છે કે જે હોય એને સ્વીકારી શકતા નથી. અને જે છે તે નથી. જેઓની હાઈટ ઓછી છે એને એમ થતુ રહે છે કે જો ઉંચાઈ થોડીક વધુ હોત તો…?
આપણાંમાંથી લગભગ બધાંએ સરકસનો ખેલ જોયો હશે એમાં એક જોકર સાવ ઢીંગણો માંડ માંડ તે ઢીંચણ સુધી આવે તે સરકસમાં અવનવા ચિત્ર-વિચિત્ર રંગ-બેરંગી કપડાં પહેરી પ્રેક્ષકોનું મનોરંજન પુરૂ પાડતો હોય છે. તેવામાં એક ભાઈએ આ જોકરને મળવા પહોંચી ગયા. તેણે આ જોકરને પૂછ્યુ: “તને એવુ નથી લાગતું કે ભગવાને તારી સાથે અન્યાય કર્યો હોય ?”
આમ સાવ ઢીંગણો માણસ બનાવી તારી મજાક કરી હોય ? આ જોકરનો જવાબ સાંભળવા જેવો છે અને તેના ઉપરથી બોધપાઠ લેવા જેવો છે. આ જોકરે જવાબ આપ્યો કે, “ ભગવાને મારી ઉપર કૃપા દ્રષ્ટી વરસાવી છે.” જો બધાં જ માણસો મારા જેવા ઢીંગણા હોત તો… એટલે ભગવાને મને સામાન્ય માનવીથી જરા અલગ બનાવ્યો છે અને ભગવાને પ્રેરણા આપી છે કે પૃથ્વી ઉપર તું જા અને જિંદગીથી દુઃખી થયેલા માનવીને બે ઘડી હસાવી લે જેનાથી તેનું દુઃખ થોડાક કલાકો માટે ઓછુ થઈ જશે. એટલે હું કુદરતની અનોખી અને અલૌકિક રચના છુ. ભગવાને એકસરખા માણસો બનાવ્યા પછી થાકીને કંટાળી ગયો હશે એટલે એને હસવાનું મન થયુ એટલે ખાસ પ્રયાસો કરીને મારુ સર્જન કર્યુ હશે ! આમ તેણે મારુ ઘડતર કર્યા પછી મારા હાવભાવ જોઈને ખૂબ રાજી થયા અને કહ્યુ હું રાજી થયો છું હવે તું પૃથ્વી પર જઈને બધાંને હસાવીને રાજી કર. ત્યાં (પૃથ્વી)તારી જરૂર વધારે છે.
હવે તમે કહો મારા જેવુ આનાથી નસીબદાર કોઈ ખરૂ ! આમ જોવા જઈએ તો આપણે આપણી જિંદગીને કેવી રીતે જોઈએ છીએ એ જ મહત્વનું હોય છે. ફરિયાદ કરવી હશે તો હજારો કારણ મળી આવશે. સુખી થવુ હોય તો એક જ કારણ બસ ! દુઃખનું એક કારણ પકડીને બેઠા રહીએ છીએ. નવ્વાણુ રૂપિયા હોય ને તોપણ એ વિચારે દુઃખી થતા રહીએ છીએ કે એક રૂપિયો ઘટે છે નહિતર સો રૂપિયા પુરા થઈ જાત. આમ એક રૂપિયો નથી એની મજા માણી શકતા નથી. જે દુઃખ છે એને થોડીવાર માટે બાજુમાં રાખી દો તો બીજુ ઘણું બધુ સુખ છે તે હાજર થઈ જાય છે.
આમ માણસ આખી જિંદગી આશ્વાસનો શોધતો હોય છે જે થાય છે તે સારા માટે થાય છે જે થયુ તે પણ સારુ થયુ અને જે થશે તે પણ સારા માટે જ થશે જ ! આમ આપણું મન દરેક સ્થિતિ દરેક સંજાગો દરેક ઘટના એના એજ રૂપમાં સ્વીકારી શકતું નથી. આપણે માણસ છીએ ક્યારેક એવુ થાય કે જો એ સમયે આવુ પગલું લીધુ હોત તો સારુ થાત ! પણ આપણે એ પગલું ભર્યુ નહોતું પણ જો ભર્યુ હોત તો શું થાત એની ખબર પડત ! આમ દરેકને ઘણીખરી વાતનો જિંદગીમાં અફસોસ થાય છે મેં આમ કર્યુ હોત તો, મેં આ ન કર્યુ હોત તો.. આમ કલ્પનામાં વિચારવા લાગે છે. પણ જયારે વાસ્તવિકતાની ખબર પડે ત્યારે જ સાચી ખબર પડે છે કે જે થયુ તે સારૂ થયુ. જે છે તેને માણસ સાચુ સુખનું કારણ ન સમજે તો પછી માણસ હંમેશા દુઃખી જ રહે છે.