જો બાઇડન અને કમલા હેરિસ ટાઇમના ‘પર્સન ઑફ ઘી યર’ જાહેર
વૉશિંગ્ટન, અમેરિકામાં તાજેતરમાં થયેલી પ્રમુખપદની ચૂંટણીમાં વિજેતા નીવડેલા જો બાઇડન અને કમલા હેરિસને જગવિખ્યાત ટાઇમ મેગેઝિને પર્સન ઑફ ધી યર જાહેર કર્યા હતા.
ચૂંટણીમાં ઝળહળતો વિજય પ્રાપ્ત કર્યા બાદ જો બાઇડન અમેરિકી રાષ્ટ્રપ્રમુખ થશે અને કમલા હેરિસ ઉપરાષ્ટ્રપ્રમુખ થશે. ટાઇમ મેગેઝિને ગુરૂવારે આ બંનેને 2020ના વર્ષના ‘પર્સન ઑફ ધી યર’ (વર્ષના વ્યક્તિવિશેષ) જાહેર કર્યા હતા.
જો બાઇડને ડોનાલ્ડ ટ્રમ્પને પ્રમુખપદની સ્પર્ધામાં પરાજિત કર્યા હતા. કમલા હેરિસ મૂળ ભારતીય કૂળની અમેરિકી મહિલા છે. અમેરિકાના ઇતિહાસમાં ઉપરાષ્ટ્રપ્રમુખ બનનારી કમલા પહેલી બિનગોરી અને એશિયન મહિલા બની હતી.
ટાઇમ મેગેઝિનના કવર પર 78 વર્ષના બાઇડેન અને 56 વર્ષની કમલાની તસવીર પ્રગટ કરાઇ હતી. મથાળા તરીકે લખ્યું હતું, ‘અમેરિકાની કથા બદલાઇ રહી છે’. જો બાઇડેને ટ્રમ્પને 306 ઇલેક્ટોરલ મતોથી પરાજિત કર્યા હતા. છેક 1927થી આ સામયિક દર વરસે માનવ જીવનના કોઇ પણ ક્ષેત્રે મબલખ પ્રદાન કરનાર વ્યક્તિને વર્ષની વ્યક્તિ-વિશેષ તરીકે જાહેર કરતું રહ્યું હતું.