જો ભારત રશિયા સાથે ગઠબંધન કરશે તો એની મોટી કિંમત ચૂકવવી પડશે: અમેરિકા
વોશિંગ્ટન, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનના ટોચના આર્થિક સલાહકારે કહ્યું હતું કે તેમની સરકારે રશિયા સાથેના સંબંધોને લઈને ભારતને ચેતવણી આપી છે. યુક્રેન પરના હુમલા બાબતે પણ ભારતના કેટલાક પ્રતિભાવોએ અમેરિકાને “નિરાશ” કર્યું છે.
વ્હાઇટ હાઉસ નેશનલ ઇકોનોમિક કાઉન્સિલના ડિરેક્ટર બ્રાયન ડીસે ક્રિશ્ચિયન સાયન્સ મોનિટરના આયોજિત એક કાર્યક્રમમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન આ વાત જણાવી હતી.
તેમણે કહ્યું હતું કે “હુમલાના સંદર્ભમાં નિશ્ચિતપણે એવાં ઘણાં ક્ષેત્રો છે, જ્યાં અમે ચીન અને ભારત બંનેના નિર્ણયોથી નિરાશ થયા છીએ.”
તેમણે વધુમાં કહ્યું હતું કે અમેરિકાએ ભારતને જણાવ્યું છે કે મોસ્કો સાથે “વધુ સ્પષ્ટ વ્યૂહાત્મક જોડાણ”નું પરિણામ “નોંધપાત્ર અને લાંબા સમય સુધી રહેનારું” હશે.
યુક્રેનમાં યુદ્ધ કરવા બદલ અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને જાપાને રશિયા સામે તમામ પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે. જોકે ભારતે એનો ઇનકાર કર્યો છે અને એને બદલે રશિયા પાસેથી ઓઈલની આયાત ચાલુ રાખવા માગે છે.
હુમલા અંગે નવી દિલ્હીની પ્રતિક્રિયા વોશિંગ્ટન સાથેના તેના સંબંધોને જટિલ બનાવી રહી છે, જ્યાં એશિયામાં ચીનના વધતા પ્રભાવનો સામનો કરવા માટે ભારતને મુખ્ય ભાગીદાર તરીકે માનવામાં આવે છે.
ગયા અઠવાડિયે અમેરિકાના ડેપ્યુટી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દિલીપ સિંહની ભારત મુલાકાત દરમિયાન અધિકારીઓ સાથેની મુલાકાત બાદ બ્રાયન ડીસની આ ટિપ્પણીઓ સામે આવી છે.
આ અઠવાડિયાની શરૂઆતમાં પ્રેસ-સેક્રેટરી જેન પસાકીએ જણાવ્યું હતું કે દિલીપે મુલાકાત દરમિયાન તેમના સમકક્ષોને સ્પષ્ટ કર્યું હતું કે તેઓ રશિયા પાસેથી ઊર્જા અને અન્ય ચીજવસ્તુઓની આયાત વધારવામાં ભારતના હિતમાં માનતા નથી. આ અંગે ભારતના વિદેશ મંત્રાલય તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
રશિયા પર નવા પ્રતિબંધો લાદવાના સંદર્ભમાં પત્રકારો સાથેની વાતચીતમાં એક અમેરિકન અધિકારીએ કહ્યું હતું કે અમેરિકા અને ગ્રુપ 7 દેશ ભારત સાથે સહયોગ કરવાનું ચાલુ રાખશે. ભારત અને અમેરિકા ખાદ્ય સુરક્ષા અને વૈશ્વિક ઊર્જા પર વ્યાપકપણે સહયોગ કરી રહ્યા છે.