જો મેં રસી ના લીધી હોત તો કોરોનાએ મારી હાલત ખરાબ કરી નાખી હોત : ડો. પહાડિયા
ડો. રમેશ પહાડિયાએ હોમ આઇસોલેટ રહી વેક્સિન થકી ફરીથી કોરોનાને પરાસ્ત કર્યો
ફક્ત આઠ દિવસમાં સાજા થયેલા ડો. પહાડિયાને અગાઉની જેમ આઇસીયુ કે હોસ્પીટ્લાઇઝડ ન થવું પડયું
વેક્સિનથી વધેલા એન્ટીબોડી તત્વોને કારણે ડો. પહાડિયાને કોરોનાએ જરા પણ પરેશાન ન કર્યા, ઘરે રહીને પણ ઓફિસની કામગીરી નિભાવી
મ્યુટન્ટ થયેલો કોરોના વાયરસ બમણા જોર સાથે લોકોને સંક્રમિત કરી રહ્યો છે પરંતુ કોરોના સામેની વેક્સિન આ મ્યુટન્ટ કોરોના સામે પણ એટલી જ અસરદાર છે. દાહોદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રમેશભાઇ પહાડીયા વેક્સિન લીધા બાદ પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો પરંતુ વેક્સિનને લીધે તેમના શરીરમાં વધેલા એન્ટીબોડી તત્વોએ આ કોરોનાનો બરાબર સામનો કર્યો અને ૮ દિવસના હોમ આઇસોલેશન બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. ડો. પહાડિયાને ના ઓક્સિજનની જરૂર પડ ના રેમડેસિવિર ઇન્જેકશનની. તેમને કોરોનાના કોઇ લક્ષણો પણ જણાયા નહી અને સરળતાથી તેઓ કોરોનામુક્ત થઇ શકયા.
ડો. પહાડિયાને અગાઉ પણ જુલાઇ મહિનામાં કોરોના થયો હતો. એ વખતે તેમણે ખૂબ ગંભીર સ્થિતિનો સામનો કર્યો હતો અને ૧૫ દિવસ આઇસીયુમાં રહ્યાં બાદ સાજા થયા હતા. આ વખતે બીજી વખત થયેલા કોરોનામાં તેમણે અગાઉની જેમ હોસ્પીટલાઈઝડ થવું ન પડયું અને ઘરે જ કોરોનામાંથી સાજા થયા તેનો શ્રેય તેઓ કોરોનાની વેક્સિન ને આપે છે. તેમની વાત તેમના જ શબ્દોમાં જાણીએ.
ડો. પહાડિયા જણાવે છે કે, ‘પ્રથમ વખત ગત તા. ૨૫ જુલાઇના રોજ મને કોરોના પોઝિટિવ આવતા વડોદરા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મારા ફેફસામાં પચાસ ટકા જેટલું ઇન્ફેક્શન થયું હતું અને ત્યાં ૧૫ દિવસ આઇસીયુમાં ઘનિષ્ઠ સારવાર લીધી હતી ત્યાર બાદ ૧૫ દિવસ પછી મને રજા આપવામાં આવી હતી.
ગુજરાતમાં જયારે કોવીડ વેક્સિનેશન અભિયાન શરૂ થયું ત્યારે આરોગ્યકર્મીઓને સૌ પ્રથમ વેક્સિન આપવાથી શરૂઆત કરવામાં આવી હતી. મેં પોતે ૨૨ જાન્યુઆરીએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો ત્યાર બાદ ૧૯ ફેબ્રુઆરીએ મને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. આ વેક્સિનથી મારા શરીરમાં એન્ટીબોડીનું પ્રમાણ સારૂ એવું વધ્યું.
ત્યાર બાદ ૧૪ એપ્રીલે મને અડધો કલાક માટે થોડી ઠંડી લાગી અને હાથપગનો દુખાવો થયો. અગાઉના અનુભવને આધારે જણાયું કે આ કોરોનાના લક્ષણો જ છે. જેથી મેં આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો, જેનો રિપોર્ટ તા. ૧૬ એપ્રીલે પોઝિટિવ આવ્યો. હું ત્યાર બાદ આઠ દિવસ હોમ આઇસોલેશનમાં રહ્યો. આ દિવસો દરમિયાન મને કોઇ પણ જાતના કોરોનાના લક્ષણ જણાયા નહી.
ઘરે રહીને હું ઓફિસનું કામ પણ કરતો રહ્યો. આઠમાં દિવસે ફરીથી આરટીપીસીઆર ટેસ્ટનું સેમ્પલ આપ્યું અને નવમાં દિવસે મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો અને ઓફિસમાં હાજર થઇને ફરીથી ડ્યુટી જોઇન કરી છે. મેં એન્ટીબોડી ટેસ્ટ કરાવ્યો તો આઇજીજી ૨૦ કરતા પણ વધુ આવ્યો. આ એન્ટીબોડી તત્વોને લીધે જ કોરોનાની મારા શરીર પર કોઇ અસર ન થઇ અને લક્ષણો પણ જણાયા નહી. મેં કોઇ એચઆરસીટી કરાવ્યો નથી કે નથી રેમડેસિવિર ઇન્જેક્શન પણ લીધા. રેમડેસિવિર ફક્ત ખૂબ જરૂરત હોય તેવા ગંભીર દર્દીને જ આપવાના હોય છે, મારે તેની જરૂર ન જણાઇ.
મારી સૌ નાગરિકોને વિનંતી છે કે વેક્સિનના બે ડોઝ લઇ કોરોના સામે સુરક્ષિત થઇ જાય. હવે આગામી તા. ૧ મે થી ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિનનો લાભ અપાશે ત્યારે સૌ યુવાનો પણ કોવીડ વેક્સિનેશનમાં જોડાઇ અને સત્વરે વેક્સિન લઇ લે.