જો વોડાફોન – આઇડીયા દેવાળુ ફુંકશે તો બેંક- રોજગાર સહિત અર્થતંત્રને જોરદાર ફટકો પડશે
નવી દિલ્હી, કેન્દ્ર સરકારે બાકી રહેલી એજીઆરની ચુકવણી અંગે સુપ્રીમ કોર્ટ પાસેથી સમય ન મળ્યા બાદ હવે વોડાફોન – આઇડિયાના ભવિષ્ય પર સવાલ ઉઠવા લાગ્યા છે. સરકારે ટેલીકોમ વિભાગ મુજબ કંપની પર ૫૩ હજાર કરોડ રૂપિયા બાકી છે. જ્યારે કંપનીનુ કહેવું છે કે તેના પર ૧૮ હજારથી ૨૩ હજાર કરોડ રૂપિયા સુધી જ બાકી છે. અકિલા સુપ્રીમ કોર્ટના દબાણ બાદ હવે એક ચર્ચા વોડાફોન આઇડિયાના ઓપરેશન બંધ કરવાની છે. એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યુ પેટે ચૂકવવાની રહેતી રકમમાંથી રૂપિયા ૨૫૦૦ કરોડ સોમવાર સાંજ સુધીમાં જમા કરાવી દેવાની વોડાફોન-આઈડીયાની ઓફરને સુપ્રીમ કોર્ટ નકારી કાઢયા બાદ વોડાફોન – આઈડીયા આ રકમ તથા બેન્કોને ચૂકવવાની રહેતી દેવાની રકમની ચૂકવણીમાં ડીફોલ્ટ જવાની શકયતા એકદમ વધી ગઈ છે.
વોડાફોન આઈડીયા દ્વારા એજીઆરની ચૂકવણીમાં નિષ્ફળતા અને જો તે તેનું કામકાજ બંધ કરે તો ભારતીય અર્થતંત્ર તથા બેન્કિંગ વ્યવસ્થા પર તેની ઘણી જ ગંભીર અસર જોવા મળવાની સંભાવના છે. કંપની તેનું કામકાજ બંધ કરે તો મોટી માત્રામાં દેવાની ચૂકવણીમાં ડિફોલ્ટ ઉપરાંત, મોટી સંખ્યામાં રોજગાર ગુમાઈ જવાની તથા ગ્રાહકોમાં અફરાતફરી મચી જવાનું જોખમ રહેલું છે. વોડા-આઈડિયાના ડિફોલ્ટના કિસ્સામાં ભારતની રાજકોષિય ખાધમાં ૪૦ બેઝિસ પોઈન્ટનો વધારો થઈ શકે છે.
નાણાં વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટની રજુઆત કરતી વેળા નાણાં પ્રધાને વર્તમાન નાણાં વર્ષની રાજકોષિય ખાધ ૩.૮૦ ટકા અને આગામી વર્ષ માટે જીડીપીના ૩.૫૦ ટકા રહેવા અંદાજ મૂકયો છે. કંપનીના માથે કુલ રૂપિયા ૧.૨૦ ટ્રિલિયનનું દેવું છે તેમાંથી રૂપિયા ૯૦૦ અબજ સરકારને અને રૂપિયા ૨૫૦ અબજ બેન્કોને ચૂકવવાને રહે છે. સરકારને ચૂકવવાની રહેતી રકમમાં સ્પેકટ્રમ ડેબ્ટ્નો સમાવેશ થાય છે. આટલી મોટી રકમની ડિફોલ્ટથી ભારતની રાજકોષિય ખાધમાં વધારો થઈ શકે છે એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું. ટેલિકોમ કંપનીઓ સામેના એજીઆર સંબંધિત કેસ જીત્યા બાદ કંપનીઓ પાસેથી મોટી રકમ મેળવવાની સરકારે ધારણાં મૂકી છે.
કંપની બંધ પડી જશે તો ૩૦ કરોડ જેટલા ગ્રાહકો મુશકેલીમાં મુકાઈ જશે. ટેલિકોમ સેવાના અભાવે ગ્રાહકોના ઓનલાઈન કામકાજ તથા ઓનલાઈન બેન્કિંગ વ્યવહારો પણ કામચલાઉ અટકી જવાનો ભય રહેલો છે. ગ્રાહકોએ અન્ય ટેલિકોમ સેવા લેવાની ફરજ પડી શકે છે અને તે પણ નંબર પોર્ટેબિલિટીનો લાભ લઈને. વોડા-આઈડીયા સાથે સંકળાયેલા ૧૩૫૦૦ કર્મચારીઓના રોજગાર પણ જોખમમાં મુકાશે.કર્મચારીઓ પર સીધી અસર પડશે જયારે વેન્ડર્સ તથા અન્ય હિસ્સેદારો પર પણ તેની ગંભીર આડકતરી અસર જોવા મળી શકે છે.