Western Times News

Gujarati News

જ્ઞાન મંદિરના જૈન પ્રાચીન ગ્રંથથી રાષ્ટ્રપતિ પ્રભાવિત

અમદાવાદ : ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાતની બે દિવસની યાત્રા આજે પૂર્ણ કરી હતી અને મોડેથી દિલ્હી જવા રવાના થઇ ગયા હતા. રાજ્યપાલ દેવવ્રત અને મુખ્યમંત્રી રૂપાણીએ તેમને ભાવસભર વિદાય આપી હતી. આ અવસર પર અન્ય ટોચના અધિકારીઓ પણ ઉપસ્થિતિ રહ્યા હતા.

બે દિવસની યાત્રા દરમિયાન રામનાથ કોવિંદ વિવિધ કાર્યક્રમોમાં વ્યસ્ત રહ્યા હતા. સાથે સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હિરાબાને મળવા માટે પણ પહોંચ્યા હતા. કોવિંદે આજે મોદીના માતા હિરાબાની મુલાકાત લીધી હતી અને તેમના ખબરઅંતર પુછ્યા હતા. રાષ્ટ્રપતિએ પંકજ મોદીના આવાસ પર આશરે અડધા કલાકનો સમય ગાળ્યો હતો. તમામ લોકો જાણે છે કે, ગાંધીનગર નજીક રાયસન ગામમાં હિરાબા વડાપ્રધાન મોદીના નાના ભાઈ પકંજ મોદી સાથે રહે છે. રાષ્ટ્રપતિ અને તેમના પત્નિ રાજભવનમાં રોકાયા હતા. બીજી બાજુ રાષ્ટ્રપતિએ આજે મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબામાં પહોંચ્યા હતા.

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત મુલાકાતે આવ્યા છે. રાષ્ટ્રપતિએ આજે ગાંધીનગર જિલ્લામાં આવેલા મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા ખાતે આચાર્ય કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત પ્રસંગે રાષ્ટ્રપતિના ધર્મપત્ની, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રપતિ કોવિંદ સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રીય સંત પૂજ્ય આચાર્ય પદ્મસાગર સુરેશ્વરજી મહારાજની મુલાકાત લઇ આશીર્વાદ મેળવ્યા હતા. આ સાથે રાષ્ટ્રપતિ કોવિંદે પૂજ્ય કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરની મુલાકાત લેવાનો તેમનો સંકલ્પ પણ પૂર્ણ કર્યો હતો.

રાષ્ટ્રપતિ કોવિંદે જૈન આરાધના કેન્દ્ર સ્થિત આચાર્ય કૈલાસસાગર સૂરિજી જ્ઞાનમંદિરની મુલાકાત દરમિયાન જ્ઞાનમંદિરની સ્થાપના, ભારતની વિવિધ ભાષા-લિપિઓમાં ઉપલબ્ધ અંદાજે બે લાખ હસ્તલિખિત જૈન ગ્રંથો, વિવિધ મેગેઝીન, ભારતની અમૂલ્ય ધરોહર સમાન અતિ પ્રાચીન અને ૧૦૦૦ વર્ષ જૂની દુર્લભ પાંડુલિપિઓનો અમૂલ્ય સાહિત્યિક ખજાનો રસપૂર્વક નિહાળીને તેના વિશે વિગતો મેળવીને ખૂબ જ પ્રભાવિત- અભિભૂત થયા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ પ્રસંગે પૂજ્ય રાષ્ટ્રસંત આચાર્ય પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ સાથેના તેમના ૨૫ વર્ષ જૂના સંબંધોની યાદો- સ્મરણો તાજા કર્યા હતા.

આ ઉપરાંત રાષ્ટ્રપતિ જૈન મૂનિઓ તેમજ જૈન સમાજના અગ્રણી ભાઈઓ – બહેનો સાથે સંવાદ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ કોવિંદ વર્ષ ૧૯૯૪માં રાજ્યસભાના સભ્ય હતા ત્યારે રાષ્ટ્રસંત આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી સાથે તેમનો પ્રથમ પરિચય થયો હતો. ત્યારથી તેઓ સતત આચાર્ય સાથે રૂબરૂ અથવા પત્રવ્યવહારના માધ્યમથી સંપર્કમાં છે. કોવિંદ ભારતના રાષ્ટ્રપતિ પદે બિરાજમાન થયા બાદ રાષ્ટ્રસંત પદ્મસાગર સૂરીશ્વરજીના જન્મોત્સવની ઉજવણી પ્રસંગે પ્રથમવાર મહેસાણા-ગુજરાતની મુલાકાતે પણ આવ્યા હતા

જે કોવિંદનો પ્રથમ જાહેર કાર્યક્રમ હતો. આ પ્રસંગે જૈન સંતો- મૂનિઓ, એલિસબ્રિજના ધારાસભ્ય રાકેશ શાહ સહિત જૈન સમાજના અગ્રણી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતની બે દિવસીય ટુંકી મુલાકાતે પધારેલા ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ગુજરાત મુલાકાત પૂર્ણ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.