જ્વેલર્સને ત્યાં દરોડામાં હજાર કરોડની કાળી કમાણી ઝડપાઈ
બેનામી આવક ધરાવનારા વેપારીઓ સાણસામાં -તમિલનાડુની પેઢીના મુંબઈ, ચેન્નાઈ, કોઈમ્બતુર સહિતના ૨૭ જેટલા સ્થળો પર આયકર વિભાગના વ્યાપક દરોડા
નવી દિલ્હી, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ચૂંટણી રાજ્ય તમિલનાડુમાં એક મોટા જ્વેલરી રીટેલરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરમિયાન એક હજાર કરોડની બેનામી આવકને જપ્ત કરવામાં આવી છે. જાેકે કઇ કંપનીને ત્યા દરોડા પાડવામાં આવ્યા તેની જાણકારી જાહેર કરાઇ નથી. મુંબઇ, ચેન્નાઇ, કોઇંબતુર, મદુરાઇ, તીરૂચીરાપલ્લી, થ્રીસુર, નેલોર, જયપુર અને ઇંદોરમાં આશરે ૨૭ જેટલા સૃથળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.
તપાસ દરમિયાન રોકડા રૂપિયા ૧.૨ કરોડ જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યારે કુલ એક હજાર કરોડની આવી કાળી કમાણીની જાણકારી પણ તપાસમાં સામે આવી છે. જેને લઇને આગામી કાર્યવાહી ચાલી રહી છે. સીબીડીટી દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે અમારી તપાસમાં સામે આવ્યું છે કે અનઅકાઉન્ટેડ કેશ સેલ્સ, કંપનીની બ્રાંચિસમાંથી બોગસ કેશ ક્રેડિટ્સ બનાવટી એકાઉન્ટમાં ડમી કેશ ક્રેડિટ્સ વગેરેની જાણકારી મળી છે.
જ્વેલરી રિટેલરના આ કેસમા તપાસમાં જાણવા મળ્યું છે કે કરદાતાએ સ્થાનિક લાભાર્થીઓ પાસેથી કેશ લોનની લીધી અને બાદમાં તેની ભરપાઇ કરી. સાથે બિલ્ડર્સને કેશ લોન આપી અને રીઅલ એસ્ટેટમાં મોટુ રોકાણ પણ કર્યું હતું. બોર્ડનો દાવો છે કે સંબંધિત કારોબારીએ હિસાબ-કિતાબ વગર સોનાની ખરીદી કરી.
દરોડા દરમિયાન એક હજાર કરોડ રૂપિયાથી વધુની બેનામી આવકનો ખુલાસો થયો છે. તમિલનાડુમાં છ એપ્રીલના રોજ મતદાન યોજાવા જઇ રહ્યું છે. એવામાં આ પ્રકારના કાળા નાણાનો ઉપયોગ ચૂંટણીમાં પણ થવાની શક્યતાઓ છે, જેને પગલે તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. સાથે તપાસમાં સામે આવ્યું છે કે નોટબંધીના સમયગાળા દરમિયાન પણ રોકડા જમા કરવામાં આવ્યા હતા.