જ્હોન્સન એન્ડ જ્હોન્સને ભારતમાં બાળકોની કોવિડ રસીની ટ્રાયલની મંજૂરી માંગી
નવીદિલ્હી, ભારતમાં કોરોના વાયરસના વધતા સંક્રમણ અને ત્રીજી લહેરની આશંકા વચ્ચે એક સારા સમાચાર છે. જલદી દેશમાં બાળકો માટેની રસી આવી શકે છે. અમેરિકી ફાર્મા કંપની જ્હોન્સન એન્ડ જ્હોન્સને ભારતમાં ૧૨-૧૭ આયુવર્ગ પર કોવિડ રસીની ટ્રાયલની મંજૂરી માંગી છે.
જ્હોન્સન એન્ડ જ્હોન્સન તરફથી બહાર પડેલા નિવેદનમાં કહેવાયું છે કે તેણે મંગળવારે પોતાની અરજી જમા કરાવી હતી અને તે કોરોના રસીની સુવિધાને વિશ્વમાં સમાન રીતે પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે. અમેરિકી ફાર્મા કંપનીએ કહ્યું કે બાળકો માટે રસીની જરૂરિયાતને ધ્યાનમાં આપતા ૧૭ ઓગસ્ટે અરજી આપીને ૧૨-૧૭ વર્ષની ઉંમરના બાળકો માટે રસીની ટ્રાયલની મંજૂરી માંગી છે.
આ અગાઉ અમેરિકી ફાર્મા કંપની જ્હોન્સન એન્ડ જ્હોન્સનને આ મહિને સિંગલ ડોઝવાળી કોરોના રસીને ભારતમાં ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી હતી. તે ભારતમાં મંજૂરી મેળવનમારી પાંચમી અને સિંગલ ડોઝવાળી પહેલી રસી છે. ભારતમાં જે પાંચ રસીને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી છે તેમાં જ્હોન્સન એન્ડ જ્હોન્સન, ઉપરાંત સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ, ભારત બાયોટેકની કોવેક્સીન, રશિયાની સ્પુતનિક વી અને મોર્ડના સામેલ છે. અત્રે જણાવવાનું કે કોવેક્સીન, કોવિશીલ્ડ, મોર્ડના અને સ્પુતનિક વી ચારેય ડબલ ડોઝવાળી કોરોના રસી છે. જ્યારે જ્હોન્સન એન્ડ જ્હોન્સનની રસી સિંગલ ડોઝની રસી છે.HS