ઝંડુ ફાઉન્ડેશન ફોર હેલ્થ કેરે અંબાચમાં ગુજરાતનું પ્રથમ બાયોટેક- કિસાન હબ શરૂ કર્યું
ઝંડુ ફાઉન્ડેશન ફોર હેલ્થ કેર (ઝેડએફએચસી)એ અંબાચ ખાતે ગુજરાતનું ‘પ્રથમ’ બાયોટેક- કિસાન હબ શરૂ કર્યું છે, જે બાયોટેકનોલોજી વિભાગ (ભારત સરકાર)ની જૈવ-સંસાધનોના ટકાઉ ઉપયોગ દ્વારા ગુણવત્તાયુક્ત ઔષધીય વનસ્પતિઓની ખેતીને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક ખેડૂતો માટે વધારાની આવક પેદા કરવાની નવીનતમ પહેલનો એક ભાગ છે. આ કેન્દ્રની આગેવાની ઝેડએફએચસી, અંબાચ દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અંભેટી અને આઈસીએઆર-ડાયરેક્ટોરેટ ઑફ મેડિસિનલ એન્ડ એરોમેટિક પ્લાન્ટ્સ રિસર્ચ, આણંદના સહયોગથી કરવામાં આવી છે.
ઝેડએફએફસીમાં ખોલવામાં આવેલા નવા બાયોટેક- કિસાન હબ વિશે બોલતા, ઇમામી લિમિટેડના હેલ્થકેર ડિવિઝનના ટેક્નિકલ (આર એન્ડ ડી) સીઈઓ, ડો સી.કે. કટિયારે કહ્યું કે, “ગુજરાતના અંબાચ ખાતેના પ્રથમ જ બાયોટેક-કિસાન હબના પ્રોજેક્ટને ઝેડએફએફસી સફળતાપૂર્વક આગળ વધારી રહી છે તેમાં સ્થાનિક ખેડૂત સમુદાય તરફથી મળેલો જબરદસ્ત પ્રતિભાવ જોઈને અમને ખૂબ જ ગર્વ થાય છે.
ઝેડએફએચસીની મદદથી અગાઉથી ઔષધીય વનસ્પતિની ખેતી સાથે સંકળાયેલા અન્ય ક્ષેત્રોના ખેડૂતોને તેમના અનુભવો જણાવવા અને સ્થાનિક ખેડૂતોને પ્રોત્સાહિત કરવા અમારા ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લઈ રહેલા જોવા તે ખૂબ જ આનંદદાયક છે. આ પ્રોજેક્ટમાં માત્ર ઔષધીય વનસ્પતિઓ જ નહીં, સુગંધિત વનસ્પતિઓનો સમાવેશ કરીને તેને વિસ્તૃત કરવા માટે પણ વધુ અવકાશ છે.
ગુજરાતમાં ઝેડએફએચસીનું બાયોટેક-કિસાન હબ ચડિયાતી ગુણવત્તાની માળખાગત સુવિધા પ્રદાન કરે છે જે ખેતી, સંગ્રહ અને લણણી પછીની કાર્યપદ્ધતિના ઉચ્ચતમ ધોરણોની ખાતરી આપી શકે છે. આ બાયોટેક- કિસાન હબના બધા ભાગીદારો -ઝેડએફએચસી, અંબાચ, આઈસીએઆર-ડીએમએઆરપીઆર, આણંદ અને કેવીકે, અંભેટી આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે, જેથી વધારે ખેડૂતો તેના છત્ર હેઠળ આવે અને આ પહેલને જાહેર ચળવળમાં ફેરવી શકે.