ઝઘડિયાથી વાલીયા તાલુકાને જોડતો ૧૮ કિલોમીટરના રોડના ખસ્તા હાલતમાં
ઝઘડીયા વાલીયા તાલુકાને જોડતો,જીઆઈડીસીને જોડતો તથા ૧૨થી વધુ ગામોને જોડતા રસ્તાની છેલ્લા કેટલાક વર્ષોથી ખસ્તા હાલત જવાબદાર વહીવટીતંત્રના ધ્યાને આવતી નથી.
ઝઘડીયા થી વાલિયા,ઝઘડીયા થી જીઆઈડીસી તથા ગામડાઓમાં જવા માટે હજારો વાહનચાલકો રોજનો આ રસ્તાનો ઉપયોગ કરે છે અને રોડ બદતર હાલતમાં હોવાના કારણે ત્રાસ ભોગવી રહ્યા છે.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ઝઘડિયા તાલુકામાં સરદાર પ્રતિમા ફોરલેન હાઈવે સહિત ગામડાઓને જોડતા પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજનાના સેંકડો રસ્તાઓની ખસ્તા હાલત છે ઉપરાંત ઝઘડીયા થી વાલિયા અને ઝઘડીયા થી વાયા ખરચી અંકલેશ્વર નો રોડ પણ તદ્દન બિસ્માર હાલતમાં છે.
ઝઘડીયા તાલુકા મથકથી વાલીયા તાલુકા મથકને જોડતો વાયા ઝઘડીયા જીઆઈડીસી થઈ જતો માર્ગ સમારકામ થયા ને પણ એક દસકા ઉપરનો સમય વીતી ગયો છે. આ માર્ગ ના વિસ્તૃતિકરણ ની ગ્રાન્ટ પણ વર્ષો પહેલા ફાળવણી થઈ ગઈ છે.પરંતુ હજી સુધી આ માર્ગનું વિસ્તૃતિકરણ થયું નથી અને જે માર્ગ જૂનો છે તેનું સમારકામ પણ સમયાંતરે હાથ ધરવામાં આવતું નથી. સ્થાનિકોની વારંવારની રજૂઆત બાદ પણ આ માર્ગ કોઈપણ પ્રકારના વાહન ચલાવવા માટે સમતલ અને સલામત રહ્યો નથી.
ઠેરઠેર મસમોટા ગાબડાઓ તથા રોડના કાર્પેટ એ પ્રમાણે ઉખડી ગયા છે કે કોઈપણ વાહનનુ સ્ટેરીંગ બેલેન્સમાં રહે નહીં અને અકસ્માત સર્જાય શકે તેવી શક્યતાઓ રહે છે.ઝઘડીયા થી વાલીયા તાલુકાના જોડતા માર્ગ પર ઝઘડિયા મેગા જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ૮૦ થી વધુ કંપનીઓ કાર્યરત છે, ઉપરાંત બાર થી વધુ ગામડાઓને જોડતો અને બે તાલુકા વચ્ચેનો આ માર્ગ અત્યંત ખરાબ હાલતમાં આવી જવાના કારણે નાના મોટા તમામ વાહન ચાલકો ત્રાસ નો ભોગ બની રહ્યા છે.
આ બાબતે ઝઘડીયા જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીયલ પણ વહીવટીતંત્રમાં યોગ્ય સ્તરે રજૂઆત કરી શકતું નથી.આ માર્ગ પરથી જીઆઈડીસીની કર્મચારીઓના લક્ઝરી બસ, ટેમ્પો ટ્રાવેલર વિગેરે ફોરવીલ વાહનો મોટી સંખ્યામાં અવર જવર કરે છે.આ માર્ગ પર વંઠેવાડ, ફૂલવાડી, મોતીપુરા, સેલોદ, વખતપુરા, તલોદરા, કડવા તળાવ રંણદેરી, મોરતળાવ, ધારોલી,લીભેટ, હીરાપુર જેવા મોટા ગામડાઓ આવે છે.ખરાબ રસ્તાને કારણે સ્થાનિક ગ્રામજનો, એસટી વિભાગ, પોસ્ટ વિભાગ, દૂધના વાહનો,એમ્બ્યુલન્સ તેમજ જીઆઈડીસી માંથી જતા ફાયર ટેન્ડરો જેવી ઈમરજન્સી સેવા માટે પણ ઝઘડીયા થી વાલિયાનો ૧૮ કિલોમીટરનો આ માર્ગ ખસતા હાલતના કારણે બાધારૂપ બની રહ્યો છે. સત્વરે બે તાલુકાને જોડતા માર્ગનું વિસ્તૃતીકરણ તેમજ હાલમાં તાત્કાલિક સમારકામ પણ હાથ ધરવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.